Abtak Media Google News

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરતળે આજે જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં માવઠાની દહેશત

ચોમાસામાં અતિવૃષ્ટિ અને ત્યારબાદ પડેલા કમોસમી વરસાદનાં મારમાંથી જગતનો તાત બહાર પણ નિકળ્યો નથી ત્યાં રવિ પાકનો સત્યનાશ વાળવા માટે જાણે કમોસમી વરસાદે તબાહી મચાવી હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરનાં કારણે ગઈકાલે સાંજે જુનાગઢ જિલ્લાનાં કેશોદ, માળીયાહાટીના અને માણાવદર પંથકમાં અડધાથી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસી જતાં ઘઉં, ચણા, જીરૂ અને કઠોરનાં પાકને પારાવાર નુકસાની થવા પામી છે. એક સાથે બે-બે સિસ્ટમો સક્રિય થઈ હોવાનાં કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હોય ૭મી ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેની અસરનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. એક જ દિવસમાં ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. જુનાગઢ જિલ્લામાં મંગળવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માણાવદર, કેશોદ અને માળીયાહાટીનામાં આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો અને સાંજે ૫ વાગ્યા આસપાસ જાણે ચોમાસાની સીઝનમાં વરસાદ પડતો હોય તે રીતે વરસાદ પડવાનું શરૂ થયું હતું. કેશોદનાં ગ્રામ્ય વિસ્તારોમાં અડધી કલાકમાં સુપડાધારે ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. અતિવૃષ્ટિનાં કારણે ચોમાસુ પાકને પારાવાર નુકસાની થવા પામી છે. દિવાળી બાદ કમોસમી વરસાદનો માર પડતા ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાની પહોંચી હતી. હાલ રવિ પાકનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે મેઘરાજાએ જાણે ખેડુતોને હેરાન કરવા માટે બીડુ ઝડપ્યું હોય તેમ ગઈકાલે સોરઠ પંથકમાં પડેલા કમોસમી વરસાદનાં કારણે ચણા, જીરૂ, ઘઉં અને કઠોરનાં પાકને પારાવાર નુકસાન થવા પામ્યું છે. ખુલ્લામાં પડેલી મગફળી પણ વરસાદનાં કારણે પલળી ગઈ હતી. એક તરફ ચોમાસું પાકનો પુરતો ઉતારો પણ મળ્યો નથી ત્યાં બીજી તરફ રવિ પાકનો મેઘરાજાએ સત્યનાશ કરી દેતા ખેડુતોની હાલત ભારે કફોડી થઈ જવા પામી છે.

7537D2F3 3

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય હોવાનાં કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રનાં જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતનાં દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. દરિયામાં વરસાદી કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ૭મી ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. હાલ જે બોટ દરિયામાં છે તેને પણ પરત બોલાવી લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજય સરકાર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડુતોને થયેલા પાકને નુકસાનીનો સર્વે શરૂ કરે તે પૂર્વે જ રવિ પાકને પણ માગસરમાં વરસેલા માવઠાએ પારાવાર નુકસાની પહોંચાડી છે.

વરસાદી વાતાવરણ વચ્ચે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીનું જોર ઘટયું છે. અનેક શહેરોમાં તાપમાનમાં ૫ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. આજે સૌરાષ્ટ્રનાં ૬ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં પણ આજે ઠંડીનું જોર થોડુ ઘટયું હતું. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બપોરે પંખા કે એસી ચાલુ રાખવા પડે તેવા તડકા પડી રહ્યા છે. શિયાળામાં પણ લોકો એક દિવસમાં ત્રણ-ત્રણ સિઝનનો અનુભવ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.