Abtak Media Google News

રાજકોટના વેપારી પરિવાર સાસણ ફરવા ગયા બાદ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા તે દરમિયાન મોજમાં આવી પરવાનાવાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યાની કબુલાત

વંથલી નજીક ધણફુલીયા ગામે ઓઝત નદી કાંઠે ભેસો ચરાવતા વૃધ્ધને રિવોલ્વર જેવું હથિયાર બતાવી રેતીની લિઝ બંધ કરી દેવા ધમકાવી નદીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અંગેનો વંથલી પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે ફાયરિંગ કરવાના ગુનામાં રાજકોટના વેપારીની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતાની પાસે પરવાનાવાળુ હથિયાર હોવાનું અને રેતીની લિઝ અંગે પોતાને કંઇ લેવા દેવા ન હોવાનું અને મોજમાં આવી બે રાઉન્ડ ફાયરિંગ કરી નદી કાંઠે ભરવાડ વૃધ્ધને ધમકાવ્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના ધણફુલીયા ગામે રહેતા નાનાભાઇ સામતભાઇ કરમટા નામના 60 વર્ષના વૃધ્ધ ગઇકાલે બપોરે અઢી વાગે ઓઝત નદીના કાંઠે પોતાની ભેસો ચરાવતા હતા ત્યારે બ્લુ કલરની કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ નદીમાંથી રેતી કેમ કાઢો છો લિઝ બંધ કરાવી દેવી છે કહી બે રાઉન્ડ ફાયરિંગ કરી જતો રહ્યો હતો. અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યુ તે દરમિયાન નદીમાંથી રેતી કાઢી રહેલા મજુરે પોતાના મોબાઇલમાં વીડિયો રેકોડીંગ કરી વાયરલ કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

વંથલી પીએસઆઇ એસ.એમ.ક્ષત્રિય સહિતના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ કરી ફાયરિંગના ગુનામાં રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર રહેતા કટારીયા એન્ટરપ્રાઇઝવાળા વિમલ કટારીયાએ ફાયરિંગ કર્યાનું બહાર આવતા તેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

વિમલ કટારીયાની પૂછપરછ દરમિયાન તે પોતાના પરિવાર સાથે સાસણગીર ફરવા ગયા હતા. પરત આવતા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા રોકાયા ત્યારે પરિવારજનો મંદિરે દર્શન કરવા ગયા તે દરમિયાન પોતે નદી કાઠે જઇ નદીના પાણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ભેસો ચરાવતા વૃધ્ધને લિઝ બંધ કરી દેવા ધમકાવ્યાની કબુલાત આપી હતી.

ઓઝત નદીની લિઝ અંગે પોતાને કંઇ લેવા દેવા ન હોવાનું તેમજ રબારી વૃધ્ધને પણ રેતીની લિઝ અંગે કંઇ લેવા દેવા ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.