Abtak Media Google News

બુધવારે કારખાનામાં રજા હોવાથી ન્હાવા ગયા’થતા: પોલીસમાં ગુમ થયાની જાણ કરી શોધખોળ કરતા ડેમ પાસેથી એક્ટિવા મળી આવતા ફાયર બ્રિગેડ સ્ટાફે બંને મૃતદેહ બહાર કાઢયા

આજી ડેમમાં ન્હાવા પડેલી બે તરૂણીના ગઇકાલે મોત નીપજ્યા બાદ બીજા દિવસે ડેમના ઓવરફલો પાસે પાણી ભરેલા ખાડામાંથી બે યુવાનની લાશ મળી આવી છે. નાના મવા સર્કલ પાસે ગૌતમનગરના બે મિત્રો બુધવારે આજી ડેમમાં ન્હાવા પડયા બાદ ઉંડા પાણીમાં ડુબી જતા બંનેના મોત નીપજ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ઓવરફલોના ખાડામાં બે યુવાનની લાશ તરતી હોવાની રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ફાયર બ્રિગેડના તરવૈયા ઘટના સ્થળે પહોચી બંને મૃતકની લાશ બહાર કાઢી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.

આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. કડછા, એએસઆઇ ભોળાભાઇ સરીયા અને જંયતીભાઇ સહિતના પોલીસ સ્ટાફ આજી ડેમ પર પહોચી તપાસ કરતા ઘટના સ્થળેથી એક્ટિવા મળી આવ્યું હતું.

એક્ટિવાના જી.જે.૩જેએન. ૭૫૫૪ નંબરના આધારે તપાસ કરતા ગૌતમનગરમાં રહેતા હિરેન જીતેન્દ્રભાઇ પરમારનું હોવાનું અને ગત બુધવારે હિરેન જીતેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.૨૧) અને તેના પાડોશમાં રહેતા જીતેન અરવિંદ જીતીયા (ઉ.વ.૧૮) ઘરેથી ગુમ થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

હિરેન પરમાર અને જીતેન જીતીયા બુધવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ માલવીયાનગર પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. દરમિયાન સવારે આજી ડેમમાંથી હિરેન પરમાર અને જીતેન જીતીયાના મૃતદેહ મળ્યાની પરિવારને જાણ થતા તેઓ આજી ડેમ દોડી ગયા હતા અને બંને મૃતદેહ ઓળખી બતાવ્યા હતા.

હિરેન પરમાર અને જીતેન જીતીયા બે ભાઇમાં નાના હોવાનું અને નવલનગરમાં આવેલા કારખાનામાં મજુરી કામ કરતા હોવાનું જાણવા મળે છે.

ગઇકાલે આજી ડેમમાં ન્હાવા પડેલી પરપ્રાંતિય તરૂણીના ડુબી જવાના કારણે મોત નીપજ્યા બાદ ગૌતમનગરના બે મિત્રોના ડુબી જતા મોત નીપજ્યાની ઘટનાથી કરૂણાંતિકા સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.