Abtak Media Google News
  • હિન્દુ આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબીનું પૂ. મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે  લોકાર્પણ
  • યુ.એ.ઈ.ના ટોલેરન્સ મિનિસ્ટર મહામહિમ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાન, ભારતના વિદેશમંત્રી ડો.એસ. જયશંકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આજના લોકાર્પણના ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં બી.એ.પી.એસ. સંસ્થા વતી મંદિર નિર્માણમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર નિર્માણ કાર્યના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ સંસ્થા વતી પુષ્પહાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

મંદિરમાં પ્રવેશ કર્યા બાદ બી.એ.પી.એસ.ના આ મંદિરમાં સેવારત સંતો અને ટ્રસ્ટી મંડળના અગ્રણીઓનું અભિવાદન સ્વીકાર્યું હતું. બી.એ.પી.એસ.ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વડાપ્રધાનનું પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંદિર નિર્માણની ગાથા દર્શાવતો વિશિષ્ટ 4ડી ઇમર્સિવ શો નિહાળ્યો હતો. ભગવાન પ્રાગટ્યના અને દિવ્ય અવતરણના પ્રતીકરૂપી ચરણાવિંદ આગળ વડાપ્રધાને પુષ્પ અંજલિ અર્પી હતી.

Uae Soil Has Written A Golden Chapter Of Human History: Prime Minister
UAE soil has written a golden chapter of human history: Prime Minister

વડાપ્રધાને દિવ્ય ચક્ષુ અને ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમના દર્શન કર્યા હતા અને કમળની જેમ ખીલી ઉઠેલા મંદિરની પ્રતિકૃતિના દર્શન કર્યા હતા. ત્યારબાદ ગંગા અને યમુના નદીના જળ ને મંદિર માં નિર્મિત ગંગા, યમુનાની ધારામાં અભિષેક કર્યો હતો.

વડાપ્રધાનનું પૂજ્ય મહંતસ્વામી મહારાજે પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ ડોમ ઓફ હાર્મનીમાં થઈને વડાપ્રધાન સ્વામિનારાયણ ભગવાન – ગુણાતીતાનંદ સ્વામી એટલે કે અક્ષરપુરુષોત્તમ મહારાજના ખંડમાં પધાર્યા હતા અને મંદિરના લોકાર્પણના સંકલ્પ અને સર્વે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત અવતારોના વૈદિક પૂજનવિધિમાં જોડાયા હતા.

લોકાર્પણ સમારોહે ભવ્ય અને દિવ્ય વૈશ્વિક આરતીમાં બી.એ.પી.એસ.ના વિશ્વના તમામ મંદિરોમાં એક સાથે મહાઆરતી કરવામાં આવી હતી. વડાપ્રધાને વૈશ્વિક મહાઆરતી બાદ સર્વે અવતારોના ગર્ભગૃહમાં – ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન જગન્નાથ, ભગવાન તિરુપતિ બાલાજી, ભગવાન અયપ્પા સ્વામી, ભગવાન શ્રી રામ પરિવાર, ભગવાન શ્રી શિવ પરિવાર વગેરેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વિવિધ શિખરોના મંડોવરમાં અદભુત રીતે કોતરેલાં શિવ પુરાણ, ભાગવત પુરાણ, મહાભારત, રામાયણ વગેરેના કથાનકોને વડાપ્રધાને નિહાળ્યા હતા. ત્યાર બાદ અભિષેક મંડપમાં પધારીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર તેમણે જલાભિષેક કર્યો હતો.

મંદિર પરિસરમાં નાના બાળકોએ તૈયાર કરેલી સ્મૃતિભેટોને નિહાળી વારાણસીના ગંગા ઘાટના દર્શન કર્યા હતા તથા વસુધૈવ કુટુમ્બકમના સંદેશ પર પ્રતીક કોતરકામ કરી વૈશ્વિક શાંતિનો સંદેશો પ્રસારિત કર્યો હતો.

Uae Soil Has Written A Golden Chapter Of Human History: Prime Minister
UAE soil has written a golden chapter of human history: Prime Minister

યુ.એ.ઈ.ના ટોલરન્સ મિનિસ્ટર શેખ નાહ્યાં બિન મુબારક અલ નાહ્યાં દ્વારા અભિવાદન સ્વીકારીને વડાપ્રધાન કાર્યક્રમના મુખ્ય સભાગૃહમાં પધાર્યા હતા. મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત આમંત્રિત બંને દેશોના રાષ્ટ્રગાનમાં જોડાયા હતા. બી.એ.પી.એસ.ના સંતોએ બંને દેશોના વડાઓનું સ્વાગત કર્યું હતું.

બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું, ‘અમે ભારતના વડાપ્રધાનનો ખૂબ આભાર માનીએ છીએ. મંદિરનો અર્થ એ જ છે કે જ્યાં મન સ્થિર થાય અને શાંતિ મળે, તથા શુભ સ્પંદનોની અનુભૂતિ થાય. અહીં સત્સંગ, ભક્તિ થશે, રામ નવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે ઉત્સવો ખૂબ ભવ્યતાથી ઉજવાશે, સૌને આ મંદિરનો લાભ લેવા આમંત્રણ છે.’

અબૂ ધાબી મંદિરના નિર્માણ કાર્યના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, ‘પ્રધાનમંત્રીશ્રી આધુનિક ભારતના સ્વપ્ન દૃષ્ટા છે. તેઓનું જીવન અને તેઓનો કરિશ્મા અદભુત છે. યુ.એ.ઇ.ના શેખ નાહ્યાનના હૃદયમાં સંવાદિતા માટે વિશિષ્ટ સ્થાન છે.

ચંદ્રયાન પણ એક સમયે સ્વપ્ન હતું. મંગળયાન પણ એક સમયે સ્વપ્ન હતું. તેમ આ મંદિર પણ એક સમયે સ્વપ્ન સમાન ભાસતું હતું. મંદિર માટે જ્યારે લાઇસન્સ આપવાનું હતું ત્યારે, સૌ પ્રથમ ઝઇં 001 લાઇસન્સ આ માટે આપ્યું. અબૂ ધાબીનું મંદિર સંવાદિતાનું એપી સેન્ટર છે. અહીંના શાસકોની ઉદારતા, અને આપણાં વડાપ્રધાનની સચ્ચાઈ અને મહંતસ્વામી મહારાજની પવિત્રતા, એ મંદિરની પાછળ કારણભૂત છે.”

મહામહિમ ટોલરન્સ મિનિસ્ટર શેખ મુબારક અલ નહયાને તેઓના સંબોધન માં જણાવ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહાન મિત્ર તરીકે આમંત્રિત કરતાં હું આનંદ અનુભવું છું. ભારત અને યુ.એ.ઈ.ના દેશો વચ્ચે મજબૂત મૈત્રીનો મને આનંદ છે. આ મંદિર માટે જયારે તમે અમને મળ્યા ત્યારે એમને તમારા પર વિશ્વાસ આવ્યો કે તમે ભવિષ્યમાં સદભાવના, શાંતિની દિશામાં યુ.એ.ઈ.ને સમૃદ્ધ કરશો. મહંત સ્વામી મહારાજ વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે. આપ સૌનો ખૂબ આભાર છે કે આપે મને આ કાર્યક્રમમાં નિમંત્રિત કર્યો. મને આશા છે કે આ હિન્દુ મંદિર આજે અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરશે. યુ.એ.ઈ.ના રાષ્ટ્રપતિ શ્રી શેખ નાહ્યાં તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ છે. યુ.એ.ઈ.માં અનેકવિધ દેશોના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે. આ મંદિરને અહીં સાકાર કરવા બદલ, તમારા સૌનો ફરી એક વાર આભાર માનું છું.”

વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીની આ મંદિરના સર્જન યાત્રામાં ભૂમિકાને વિડિયો દ્વારા બતાવવામાં આવી.   નરેન્દ્રભાઇ મોદીએ સંબોધનમાં જણાવ્યું, ‘આજે યુ.એ.ઇ.ની ધરતીએ માનવીય ઇતિહાસનો એક નવો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજે અબુ ધાબીમાં ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આમાં વર્ષોની મહેનત લાગી છે, વર્ષો જૂના સપના જોડાયા છે, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. પ્રમુખસ્વામી મહારાજ જ્યાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવી રહ્યા હશે. તેમની સાથેનો મારો નાતો પિતા-પુત્રનો રહ્યો છે.

મારા જીવનના લાંબા સમયકાળ દરમિયાન મને એમના આશીર્વાદ મળતા રહ્યા. આજે હું શિષ્યભાવથી અહીં આવ્યો છું. મને આનંદ છે કે, પ્રમુખસ્વામી મહારાજનું સપનું આપણે સૌ પૂરું કરી શક્યા. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનું ઉદાહરણ બનશે. આ મંદિરમાં સૌથી વધારે ફાળો મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો છે. તેમણે કરોડો ભારતવાસીઓની ઈચ્છા પૂરી કરી છે. તેમણે 140 કરોડ ભારતીયોના હૃદયને જીતી લીધા છે. ભારત અને યુ.એ.ઈ.ની મિત્રતા એ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ રૂપ છે. મેં જ્યારે જમીન માટે કહ્યું ત્યારે તેમણે તરત જમીન માટે હા પાડી. મંદિરના બે મોડેલ બતાવ્યા, એક સાદું અને બીજું વૈદિક શિખરબદ્ધ, ત્યારે તેમણે સંપૂર્ણ ગૌરવ સાથે શિખરબદ્ધ મંદિર બનાવવા અનુમતિ આપી. મંદિરની ભવ્યતામાં શેખની ઉદારતાની ઝલક છે.

અત્યાર સુધી દુબઈ બુર્જ ખલીફા, ગ્રાન્ડ મોસ્ક વગેરેથી જાણીતું હતું, હવે તે મંદિરથી પણ ઓળખાશે. હું શેખ મોહમ્મદ અને યુ.એ.ઇ.ની સરકારનો અને સ્થાનિક લોકોનો ભારતીયો વતી આભાર માનું છું. બી.એ.પી.એસ.ના સંતો અને હરિભકતોનો આભારી છું. ભગવાન સ્વામિનારાયણની કૃપાનું આ પરિણામ છે અને તેમનો આભાર માનું છું. આ ભારતનો અમૃતકાળનો સમય છે. હું ભારત માતાનો પૂજારી છું. અયોધ્યાનો આનંદ અબુ ધાબીમાં મંદિરથી અનેક ગણો થઈ ગયો છે. આપણાં વેદોએ કહ્યું છે, એકમ સત વિપ્રા બહુધા વદન્તિ. એક જ ભગવાનને સૌ અલગ અલગ રીતે પોકારે છે. એટલે જ આપણે બધાનું સ્વાગત કરીએ છીએ, આપણને વિવિધતામાં વેર નથી લાગ્યું, વિવિધતામાં આપણને વિશેષતા દેખાય છે. આ મંદિરમાં પ્રત્યેક પગલે વિવિધતાના દર્શન થાય છે. મંદિરમાં આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામના કરીએ છીએ. આ ભવ્ય, દિવ્ય મંદિરને પૂરી માનવતાને સમર્પિત કરું છું. પ્રમુખસ્વામી મહારાજને, મહંતસ્વામી મહારાજને નમન કરું છું.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં શાંતિ, પ્રેમ અને સંવાદિતાની ભાવનાને દ્રઢ કરાવી હતી, તેમજ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને યુ.એ.ઈ.ના શાસકોનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.