Abtak Media Google News

પ્રથમ રાઉન્ડથી જ ઉદયભાઇ કાનગડે લીડ મેળવી લીધી જે મતગણતરીના અંત સુધી સતત વધતી રહી: રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારનો બેનમૂન વિકાસનો કોલ

2017માં અરવિંદ રૈયાણીને મળેલી લીડ કરતા ઉદયભાઇની લીડમાં વધારો: કાર્યકરોમાં ખુશીનો માહોલ

રાજકોટ શહેરની ચાર પૈકી 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર સૌથી વધુ રસાકસી જોવા મળી હતી. કારણ કે ભાજપે આ બેઠક પરથી પાટીદાર સમાજમાંથી આવતા રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણીની ટિકિટ કાપીને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડને ટિકિટ આપી હતી. રાજકોટ પૂર્વની બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યું છે. ઉદયભાઇ કાનગડની 28 હજાર મતોથી જીત થવા પામી છે. તેઓએ રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારનો બેનમૂન વિકાસ કરવાનો કોલ આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ પણ જનાદેશનો સ્વિકાર કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે જ્યારે લોકપ્રશ્ર્ને અવાજ ઉઠાવવો પડશે ત્યારે સદાય હું તૈયાર રહીશ.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર મતદાનના દિવસ સુધી ભારે રોમાંચકતા રહેવા પામી હતી. આ બેઠક પરથી ભાજપ જીતશે કે કોંગ્રેસ તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. બૂકી બજારમાં પણ આ બેઠક પર બંને ઉમેદવારોના ભાવ એક સમાન ચાલતા હતાં. જો કે, આજે મતગણતરીના દિવસે પ્રથમ રાઉન્ડથી જ ઉદયભાઇ કાનગડે લીડ હાંસલ કરી લીધી હતી. જે મતગણતરીના અંત સુધી જળવાઇ રહી હતી. ઉદયભાઇ કાનગડને 20 રાઉન્ડના અંતે 85,933 મતો મળ્યાં હતાં. જેની સામે તેઓના હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજગુરૂને 57,397 મત મળતાં ઉદયભાઇ કાનગડનો 28,536 મતોથી વિજય થયો હતો. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકને જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભૂવા અહિં હાર અને જીત માટે સૌથી મોટું ફેક્ટર સાબિત થયાં હતાં. કારણ કે લીડ 28,536 મતોની રહી હતી. જ્યારે રાહુલ ભૂવાને 35,146 મતો મળ્યાં હતાં.

રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપે રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ પર કાતર ફેરવી દેતાં પાટીદાર સમાજ અને પાયાના કાર્યકરો ભારોભાર નારાજ છે તેવી ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આજે મતગણતરીના દિવસે આ બધી વાતો માત્ર ચોરે થતી ચર્ચાઓ જ સાબિત થઇ હતી. ઉદયભાઇ કાનગડનો શાનદાર વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવા સીમાંકન બાદ 2012માં રાજકોટ વિધાનસભા પૂર્વ બેઠક અસ્તિત્વમાં આવી છે. અહિં પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ જીત્યાં હતાં. જ્યારે 2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો હોવા છતાં અરવિંદભાઇ રૈયાણી 22,805 મતોથી વિજેતા બન્યાં હતાં. ઉદયભાઇ કાનગડે આ રેકોર્ડ બ્રેક કર્યો છે. તેઓ પૂર્વ વિધાનસભા બેઠક પરથી 28,536 મતોથી વિજેતા બન્યાં છે. તેઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન માત્રને માત્ર શહેરના સામા કાંઠા વિસ્તારના વિકાસને જ પ્રાધાન્ય આપ્યું હતું. આજે જીત બાદ તેઓએ પૂર્વ વિધાનસભા મત ક્ષેત્રના તમામ મતદારોનો આભાર માનતા ઉપલા કાંઠાનો યુ.કે.ની માફક વિકાસ કરવાની વાત વધુ એક વખત દોહરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.