Abtak Media Google News

કાર્પેટ એરીયાની અમલવારી બાદ ૮૦ થી ૮૫ ટકા મિલકતોના વેરા ઘટશે તેવી શાસકોની ડંફાશોનું સુરસુરીયું: માત્ર ૩૫ થી ૪૦ ટકા મિલકતોના જ વેરા ઘટયા: ૬૦ ટકા જેટલી મિલકતના વેરામાં ૩ હજારથી વધુનો વધારો: કરદાતાઓની રાડ બોલી

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ લાખો કરદાતાઓને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા છે. મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી બાદ વેરા ઘટવાને બદલે વધી જતા હાલ શહેરભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. વાંધા અરજીઓના ખડકલા થઈ રહ્યા છે. વાંધા અરજીના નિકાલ માટેનો સોફટવેર હજુ કાર્યરત થયો ન હોવાના કારણે હજારો લોકો વેરા વળતર યોજનાનો લાભથી વંચિત છે.

મહાપાલિકા દ્વારા કરમાળખામાં દાયકાઓ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. મિલકત વેરામાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિના નિયમો મંજુર કર્યા બાદ કોર્પોરેશનના ભાજપના શાસકોએ એવી ડંફાશો મારી હતી કે કાર્પેટ એરિયાની અમલવારી બાદ શહેરમાં ૮૦ થી ૮૫ ટકા મિલકતોના વેરા ઘટશે. ૧૯૯૮ પહેલાની જે મિલકતો હશે તેવી મિલકતોના વેરામાં વધારો થશે. વાસ્તવમાં આવું કશું જ થયું નથી. શહેરમાં માત્ર ૩૫ થી ૪૦ ટકા મિલકતોના વેરામાં સામાન્ય ઘટાડો થયો છે. બાકી ૬૦ થી ૬૫ ટકા મિલકતના વેરામાં રૂ.૧૦૦ થી લઈ ૩૦૦૦થી વધુનો તોતીંગ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શાસકોએ એવી પણ વાતો કરી હતી કે કાર્પેટ એરિયાની અમલવારી બાદ વાંધા અરજીઓના નિકાલ માટે જડબેસલાક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વાંધા અરજીનો નિકાલ માત્ર ૪૮ કલાકમાં કરી દેવામાં આવશે. આજસુધીમાં ૨૩૦૦થી વધુ વાંધા અરજીઓ આવી છે પરંતુ તે પૈકી એક પણ વાંધા અરજીનો નિકાલ થઈ શકયો નથી કારણકે વાંધા અરજીનો નિકાલ કરી શકાય તેવો કરેકશન સોફટવેર આજસુધી કાર્યરત થઈ શકયો નથી. મિલકત વેરામાં વધારો થયો હોય તો વાંધા અરજી કયાં અને કેવી રીતે કરવી ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાના કારણે કરદાતાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

વોર્ડ ઓફિસે જો વાંધા અરજી કરવા જાય તો તેની સાથે ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે તો ઝોન કચેરીએ આવતા લોકોને પણ એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન વાંધા અરજી કરી દો. વાસ્તવમાં ઓનલાઈન કઈ રીતે વાંધા અરજી કરવી તેનો પુરતો ખ્યાલ ન હોવાના કારણે વ્યાપક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિમાં એચ ફેકટર જાણે કૌભાંડનું સૌથી મોટુ એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ૧૯૯૮ પહેલાની મિલકતના વેરા વધવાને બદલે ઘટયા છે અને ૯૮ પછીની મિલકતના વેરા વધવાને બદલે ઘટયા છે.

અમુક વિસ્તારમાં એક જ ગલીમાં બે મકાન હોય તો તેવા કેસમાં એક મકાનનો વેરો વધ્યો છે અને બીજા મકાનના વેરામાં ઘટાડો થયો હોવાની પણ ઘટના સામે આવી રહી છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.