Abtak Media Google News

વ્હોટ્સએપ કોલ કરી અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક પૈસા કઢાવતા ભેજાબાજ બ્લેકમેલરને ઉના પોલીસે ગણતરીના સમયમાં દબોચી લઈ જેલ હવાલે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લેકમેલર ગેંગ પર સક્રિય બની અને કામવાસનાના ભૂખ્યા લોકોને નિશાન બનાવી રીતસરના રૂપિયા ખંખેરી લે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગીર સોમનાથના ઉનામાં સામે આવ્યો છે. જેમાં ઉના પોલીસની સતર્કતાને કારણે ભેજાબાજ બ્લેકમેલર યુવકને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવાયો છે.

વ્હોટ્સએપ કોલ કરી અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવતો

આ સમગ્ર ઘટના અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવેલું કે, ઉનાના એક વ્યક્તિને ઇન્ટરનેશનલ નંબરમાંથી વીડિયો કોલ દ્વારા ન્યૂડ વીડિયો ઉતારી લઈ બ્લેકમેલ કરાઈ રહ્યાની વિગત ધ્યાને આવતા ઉના પોલીસ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફને કામે લગાડતા. ઉનાના નીચલા રહીમનગરમાં રહેતા મોહીનખાન હુશેનખાન પઠાણ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી.ભોગ બનનાર ફરિયાદીને ફોનમાં એપ્લિકેશનની મદદથી ઇન્ટરનેશનલ નંબર ડિસ્પ્લે કરાવી મેસેજ તથા વ્હોટ્સએપ કોલથી ન્યૂડ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. રૂ. આઠ હજારની માંગણી કરી બ્લેકમેલ કરી પ્રથમ રૂ. ત્રણ હજાર પડાવ્યા અને બાદમાં બીજી રકમ પડાવવા ધમકી આપી હતી. જેને ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

ભોગ બનનાર નિર્ભય પણે પોલીસનો સંપર્ક કરે: એસ.પી. મનોહરસિંહ

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ કિસ્સાને ટાંકી જાહેર જનતા ને અનુરોધ કરતા વધુમાં જણાવેલું કે, આવા સાયબર ક્રાઇમના ગુનાઓ ને અટકાવવા માટે લોકોનો સહયોગ પણ જરૂરી છે. ભોગ બનનાર લોકો નિર્ભય પણે પોલીસને આવા બનાવોની જાણ કરે અને આગળ આવે. જિલ્લામાં 76 જેટલા સાયબર વોલિયન્ટર પણ આપણે તૈયાર કર્યા છે જે આવા બનાવમાં લોકોને મદદરુપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.