Abtak Media Google News

રાજકોટના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટના બંગલે કામ કરતા પિયુને બે ચેકની ચોરી કરી પોતાના મળતીયાને તેમના ખાતામાં જમા કરાવવા આપતા વિરાણી ચોક ખાતેની એસબીઆઇના કર્મચારીએ રુા.5 લાખ અને 5.30 લાખના ચેક ભરણામાં આવ્યા અંગેનું વેરિફીકેશન કરતા ભાંડો ફડયો હતો. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા એ ડિવિઝન પોલીસમાં પટ્ટાવાળા સામે ચેકની ચોરી કરી તેમાં બોગસ સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

વિરાણી ચોક ખાતેની એસબીઆઇ બેન્કના ભરણામાં ગોવિંદ ભુસડીયા અને નિલેશ વાલાણીના ખાતામાં જમા કરાવ્યા: બેન્ક દ્વારા વેરિફીકેશન કરવામાં આવતા ભાંડો ફુટયો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બહુમાળી ભવન સામે હોમગાર્ડ કેમ્પર્સમાં રહેતા ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જ્યોત્સનાબેન વિનુભાઇ પરમારે તેમને ત્યાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા નરેશ તાવીયા સામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે ચેકની ચોરી કરી શૈલેષ ગોવિંદ ભુસડીયા અને નિલેશ દેવશી વાલાણીના ખાતામાં રુા.10.30 લાખ જમા કરાવવા આવ્યા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકેનો ચાર્જ જે.વી.પરમારે ગત તા.23-5-22ના રોજ સંભાળ્યો ત્યારે તેમને ત્યાં કામ માટે ડીસ્ટ્રીક કોર્ટ દ્વારા નરેશ તાવીયાને ફાળવવામાં આવ્યો હતો. નરેશ તાવીયા પી.એલ.આઇ.નું પ્રિમીયમ ભરવા જવાનું કામ કરતો હતો તે દરમિયાન ચેક બુક ગુમ થઇ હોવાતી હોસ્પિટલ ચોકમાં આવેલી એસબીઆઇ બેન્કમાં ચેક બુકની સિરિયલ નંબર આપીને સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.

દરમિયાન ગત તા.19 ડિસેમ્બરે વિરાણી ચોકમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીએ મોબાઇલમાં વાત કરી તેમના દ્વારા શૈલેષ ગોવિંદ  ભૂસડીયાને રુા.5 લાખનો ચેક અને નિલેશ વાલાણીને રુા.5.30 લાખનો ચેક લખી આપ્યા હોવા અંગેનું વેરિફીકેશન કર્યુ ત્યારે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.વી.પરમાર ચોકી ઉઠયા હતા અને તેઓએ કોઇને ચેક આપ્યો ન હોવાનું જણાવ્યું હતું તેમજ બેન્કે ચેકની તપાસ કરતા બંને ચેકમાં પોતાની બોગસ સહી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતા ચેક પોતાના પિયુન નરેશ તાવીયાએ ચોરી કરી તેમાં બોગસ સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પી.એસ.આઇ. પી.કે.ઝાલા સહિતના સ્ટાફે પટ્ટાવાળા નરેશ તાવીયા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.