Abtak Media Google News

તાઉતે વાવાઝોડામાં વિજ પુરવઠો પુન: સ્થાપીત કરનાર હેલ્પરથી માંડીને ચીફ ઈજનેર એજન્સીઓનું સન્માન  ઉર્જા મંત્રીના હસ્તે કરાયું

તૌકતે વાવાઝોડામાં ઊના-રાજુલા-અમરેલી સહિત દરિયાઇ પટ્ટીનું વિજમાળખુ સંપૂર્ણ જમીન દોસ્ત થયું હતું. અવારનવાર આવતી આવી કુદરતી આપત્તિઓથી વિજ માળખાને સુરક્ષીત રાખવા દરિયાઇ પટ્ટીના 20 કિ.મી. વિસ્તારમાં વિજમાળખાને સંપૂર્ણ સુદ્વઢ કરવા સાથે અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ કરાશે. તેમ કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે  જણાવ્યું હતું.

Advertisement

તૌકતે વાવાઝોડામાં વિજ પુરવઠો પુન:સ્થાપીત કરવા શ્રેષ્ઠ યોગદાન આપનાર વિજ કચેરીના કર્મચારીઓનો સન્માન સમારોહ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મેંદરડા પાસેના માલણકા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વધુમાં કહ્યું કે, દરિયાઇ પટૃી લોકોને તોફાનોમાં વિજળી જવાનો કાયમી ડર હોય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના દ્વારા ફાળવેલ નાણાથી આગામી વર્ષોમાં દરિયાઇ પટૃીના 20 કિ.મી. વિસ્તારના વિજ માળખાના સંપૂર્ણ નેટવર્કની કાયાપલટ કરાશે.

તૌકતેમાં જમીન દોસ્ત થયેલા સંપૂર્ણ માળખાને યુદ્વના ધોરણે કાર્યાન્વીત કરનાર વિજક્ષેત્રના નાનામાં નાના કર્મચારી હેલ્પરથી માંડી ચીફ ઇજનેર તેમજ એજન્સીઓનું સન્માન કરી ગૌરવની લાગણી અનુભવ છું તેમ જણાવી ઉર્જા મંત્રીએ કહ્યું કે, હું આજે મંત્રી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે આવ્યો છું. તમે કોવિડની સ્થિતિમાં પણ પરિવાર અને જાનના જોખમે દિવસ રાત એક કરી લોકો માટે કામ કર્યું છે. અને અણધારી કુદરતી આફતમાં વિજ પૂરવઠો કાર્યાન્વીત  કરી પુરી તાકતથી જવાબ આપ્યો છે.

આ પ્રસંગે જેટકોના એમ.ડી.  ઉપેન્દ્ર પાંન્ડેએ સન્માનીત તમામને શુભેચ્છા પાઠવી કહયુ કે, આગામી સમયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે આપદાઓમાં વિજ માળખાને કમ સે કમ નુકશાન થાય અને નુકશાન થાય તો કમ સે કમ સમયમાં વિજ પુરવઠો પુન:સ્થાપીત કરવાનું આપણું લક્ષ્ય છે.

PGVCLના એમ.ડી. વરૂણકુમાર બરનવાલે કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવા સાથે તૌકતે વાવાઝોડામાં ટીમ વર્કથી કરેલ કામગીરીને બિરદાવી હતી. જેટકોના ડેપ્યુટી ઇજનેર હરેશ વઘાસીયાએ કામગીરીની સફળતા માટે ટોપ ટુ બોટમ ટીમ વર્કની અને સંકલનની ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે ફિલ્ડ લેવલ ટીમ વર્ક, મેનેજમેન્ટ પોઇન્ટ ઓફ વ્યુહ સહિતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાનામાં નાના વિજ કર્મચારીથી લઇ સર્કલના અધિકારી તેમજ ચીફ ઇજનેરોનું તેમજ પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓનું ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખેસ પહેરાવી શીલ્ડ આપી સન્માન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.