Abtak Media Google News

વિદેશી માલની આયાતને કંટ્રોલ કરવા, ભારતમાં રોજગારીની નવી તકો ઉભી કરવા, સમાજને કાંઇક નવી સેવા ઓફર કરવા તથા ઔદ્યોગિક સાહસિકોને નાણાની સહાય કરીને તેમને પીઠબળ આપવાનાં હેતુથી આશરે એકાદ દાયકા પહેલા જ્યારે સ્ટાર્ટઅપનો વિચાર વહેતો થયો ત્યારે સરકારને પણ ખબર નહોતી કે આ નવી પહેલ દેશને કઇ દિશામાં લઇ જશે. આજે જ્યારે ફ્રીજ કે વોશિંગ મશીનનાં રિપેરીંગ નો કોન્ટ્રેક્ટ લેવા માટે પણ મોબાઇલ ઍપનો ઉપયોગ થવા માંડ્યો છૈ ત્યારે સૌને અહેસાસ થાય છે કે દુનિયાની સાથે ભારત પણ કેવી રીતે બદલાઇ રહ્યું છે.

Advertisement

દેશમાં જાણે સ્ટાર્ટઅપનો એક યુગ શરૂ થયો છે. એટલું જ નહીં તમામ સ્ટાર્ટ સફળ નથી જ થવાના એ પણ સૌ કબુલે છૈ અને છતાંયે નવી હિંમત કરવા પ્રેરાય છે. આ જ સેગ્મેન્ટમાં જે કંપનીની વેલ્યુએશન આશરે એક અબજ ડોલરથી વધારે થતી હોય અને તે પ્રાઇવેટ વેન્ચર હોય તો તેને યુનિકોર્ન કહી શકાય છે. મેઇક માય ટ્રિપ જ્યારે 2010 માં ભારતની સૌ પ્રથમ યુનિકોર્ન બની ત્યારે આ દિશામાં વિચાર કરવા વાળા પણ આંગળીનાં વેઢે ગણી શકાય એટલા જ હતા. આજે પરિસ્થિતી બદલાઇ છે. ભારત 2022નાં અંતે 115 યુનિકોર્ન ધરાવતો અને આ યુનિકોર્ન કંપનીઓનૂી કુલ 350 અબજ ડોલરથી વધારેની  વેલ્યુએશન ધરાવતો દેશ બન્યો છે. આજે અમેરિકામાં 661 યુનિકોર્ન છૈ, ચૂીનમાં 312 યુનિકોર્ન છે જ્યારે  ભારત હવે 115 યુનિકોર્ન સાથે વિશ્વમાં ત્રીજા ક્રમાંકની યુનિકોન ઇકોનોમી બન્યું છે. બજાર હાલમાં નાણાભીડમાંથી પસાર થઇ રહ્યાં હોવા છતાં 2022 માં ભારતમાં યુનિકોર્ન સેગ્મેન્ટે 25 અબજ ડોલરની કેપિટલ એકત્રિત કરી છે જે 2020 માં એકત્રિત કરાયેલી મુડી કરતા 2.20 ગણી વધારે છે. ધ ઇન્ડિયા યુનિકોર્ન એન્ડ એક્ઝીટ ટેક રિપોર્ટ 2022 માં જણાવ્યા પ્રમાણે હવે ભારતે આ સેગ્મેન્ટમાં યુકેને પાછળ રાખી દીધું છે. 2022 માં નવી 24 યુનિકોર્ન કંપનીઓ નોંધાઇ છે. આમ તો 2015 થી 2022 સુધીનાં સાત વર્ષનાં ગાળામાં સ્ટાર્ટઅપ સેગ્મેન્ટમાં કુલ ફંડ 15 ગણું વધ્યું છે. રોકાણકારોની સંખ્યામાં 9 ગણો વધારો જોવા મળ્યો છે. જ્યારે ઇન્ક્યુબેટરની સંખ્યામાં સાત ગણો વધારો જોવા મળ્યો છે.

આમછતાં 2021 ની સરખામણીઐ 2022 માં સ્ટાર્ટઅપ ફંડીંગમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજ રીતે 2021 માં આ સેગ્મેન્ટમાં 11 આઇ.પી.ઓ આવ્યા હતા જ્યારે 2022 માં ચાર આઇ.પી.ઓ આવ્યા છે. લોકોની સ્ટાર્ટઅપ ખરીદવાની ધેલછા પણ ઘટી છે. 2021 માં 250 કંપનીઓનું હસ્તાંતરણ થયું હતું જ્યારે 2022 માં 229 કંપનીનું હસ્તાંતરણ થયું છે.

આંકડા બોલે છે કે 2022 માં 24 સ્ટાર્ટઅપ કંપનીઓ યુનિકોનર્ન બની છે. વૈશ્વિક સ્તરે દર 13 યુનિકોનકિંપનીઓએ એક ભારતની કંપની યુનિકોર્ન બની હોવાનું જાણવા મળે છે. જેમાં સોફ્ટવેયર એઝ અ સર્વિસ ( એસ.એ.એ. એસ) કંપનીઓ પ્રથમ ક્રમે, ફીનટેક કંપનીઓ બીજા ક્રમે, તથા લોજીસ્ટિક કંપનીઓ ત્રીજા ક્રમે રહી છે.  વૈશ્વિક બજારમાં ભારતીય ટેકનોલોજી કંપનીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. કદાચ આજ કારણ છે કે સૌ કોઇ આજે ભારતમાં ટેકનોલોજી સ્ટાર્ટઅપ શરૂ કરવા તત્પર છે.

ભારતના ગાર્ડન સીટી તરીકે વિખ્યાત બેંગલૂરૂ હાલમાં ટેકનોલોજી યુનિકોર્નનું હબ ગણાય છે. કુલ 115 માંથી 43 કંપનીઓ બેંગલૂરૂમાં છે. તેથી આઇ.ટી સેક્ટરની યુવા પેઢી આજે બેંગલૂરૂ ભણી દોટ મુકે છે. 2022 માં આ શહેર વિશ્વનું સાતમા ક્રમનું યુનિકોર્ન હબ બન્યું હતું. આ ઉપરાંત ભારતમાં દિલ્હી તથા મુંબઇ અનુક્રમે 34 અને 20 યુનિકોર્ન કંપનીઓ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.

બહુ જ રસપ્રદ તારણ આવ્યું છે કે યુનિકોર્નનાં સ્થાપકો મોટાભાગે આઇ. આઇ. એમ કે આઇ.આઇ.ટી નાં સ્નાતકોને નોકરી માટે પસંદ કરે છે આજે ભારતની 66 ટકાથી વધારે યુનિકોર્ન કંપનીઓમાં એક કે તેથી વધારે આવા સ્નાતકો સ્થાપક છે. એમાં પણ 80 ટકાથી વધારે એન્જીનિયર છૈ.

મૂળ તો 2020 માં આવેલા કોવિડ-19 નાં લોકડાઉનનાં કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન ઓર્ડરના ખ્યાલને મોકળું મેદાન આપ્યું તે આજે જંગલની આગની જેમ સમાજમાં ફેલાઇ રહ્યું છે. હવે માનવજાત માનતી થઇ છે કે ઘરે બેઠા નોકરી પણ થઇ શકે છે, વેપાર પણ થઇ શકે છે, ખરીદી પણ થઇ શકે છે અને મનભાવતી વાનગી પણ મંગાવી શકાય છે. તેથી હવે કોવિડ-19 ન હોવા છતાં આ રોગ ઘરેઘરે ફેલાયેલો છૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.