Abtak Media Google News

 

નર્સીંગ સ્કુલમાં જીએનએમ તથા એએનએમના કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા તાલિમર્થીઓ કાર્યક્રમમાં જોડાયા

 

ઉપલેટાના ડુમિયાણીમાં પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભુમી આશ્રમ ખાતે ચાલતાં નર્સીંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમના કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલિમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટીંગનો કાર્યક્રમ તા.20/05/2022ના રોજ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવરે નર્સીંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી. માનવ જીંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવતા સાથેનું થિયરીકલ અને પ્રેક્ટીકલ આપવામાં આવે છે અને બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઇને ડીગ્રી મેળવે છે. તેનુ ગૌરવ છે. વધુમાં જણાવેલ કે આ સંસ્થાના નર્સીંગ કોર્ષના તાલિમાર્થીઓ સેવા, શિસ્ત અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઇને જતાં હોય છે, જેને કારણે આ સંસ્થાના નર્સીંગના તાલિમાર્થીઓને ખુબ સારી નોકરી પણ મળી જાય છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો.આર. કે. દલસાણિયા તથા ડો. રૂખસારબેન મકડી ઉપસ્થિત રહીને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવેલ કે નર્સીંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પીટલમાં બજાવતાં હોય છે, દર્દી સાથે તેમની અમારા કરતાં પણ વિશેષ સેવા હોય છે.

આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા તથા ઉપલેટા તાલુકા પંચયતના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડિયા હાજર રહ્યા હતાં. મયુરભાઇ સુવાએ જણાવેલ કે આ સંસ્થા ઘણી જુની સંસ્થા છે. જ્ઞાતિના દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરીને પોતાની કારકિદી બનાવી છે. મણવરને રોજગારલક્ષી શૈક્ષણિક પ્રવૃતિ ચલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. વિનુભાઇ ચંદ્રવાડિયા જણાવેલ કે આ સંસ્થા સાથે મારે ખુબ જ જુનો નાતો છેં. સંસ્થાના તમામ કાર્યક્રમોમાં હું હાજર રહુ છું. મણવરના માર્ગદર્શન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પોસાય તેવી ફી ના ધોરણે આવી શૈક્ષણિક પ્રવૃતિ ચલાવે છે તે ખરેખર સરાહનિય છે.

તેમજ સંસ્થા પરિવારના અમૃતભાઇ માકડિયાએ નર્સીંગ કોર્ષના મહત્વ વિશે ઉંડાણથી જાણકારી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતિ સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એએનએમના વિદ્યાર્થીઓને આશિર્વચન આપીને પ્રોત્સાહિત કરેલ.

નર્સિંગ સ્કૂલના નવા વિદ્યાર્થીઓને ટ્યુટર રોહન મકવાણાએ વ્યવસાયના સોગંદ લેવડાવ્યા હતાં. આ પ્રસંગે ઉપલેટાના અગ્રણીઓ કે. ડી. સિણોજીયા, હ. કા. પટેલ, રાજશીભાઇ, અશ્વિન ભુવા બાલવા વિગેરે હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સીંગ સ્કૂલના ડાયરેક્ટર દિલીપ કોરડીયા તથા પ્રિન્સિપાલ નૂતન સિંગના માર્ગદર્શન હેઠળ તમામ ટ્યુટરઓએ અને વિદ્યાર્થીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.