Abtak Media Google News

સૂક્ષ્મ એવા કોરોના વાયરસએ વિશ્વ આખાને બાનમાં લઈ સ્થિતી કફોડી બનાવી દીધી છે. હાલ વાઇરસ સામે બચવા રસી જ એક માત્ર ઉપાય છે તેમ વિશ્વભરના નિષ્ણાંતો-ડોક્ટરો જણાવી રહ્યા છે. કોરોના વાયરસની પેલી, બીજી કે આવનારી કોઈ પણ લહેર સામે જો બચવું હોય તો ગાઈડલાઈનનું કડકપણે પાલન અને સાવચેતી ઉપરાંત રસી જ લેવી હાલ એક મોટા અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કોરોના સામેના જંગમાં જીતવું હોય તો રસી જ જાદુઈ છડી હોય તેમ મોટાભાગના તમામ દેશોમાં વેક્સિનેશન ડ્રાઈવ જોરોશોરમાં ચાલી રહી છે. અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશોમાં તો મોટાભાગની વસ્તીને ડોઝ અપાઈ ચુક્યા છે. વેક્સિનેશનની આ જ આયોજનબદ્ધ ઝુંબેશે આ દેશોને કોરોના સામે સુરક્ષિત કરી દીધા છે. ત્યારે હવે ભારતમાં આગામી ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવી અનિવાર્ય બની છે.

હાલ 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી અપાઈ રહી છે. ગુજરાતમાં પણ રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. પરંતુ ઘણા એવા લોકો છે ખાસ તો ગરીબ મજૂર વર્ગ કે જે રસી લેવા માટે સમયસર પહોંચી શકતા નથી. અથવા કામના બોઝ હેઠળ રસી લેવાનું જ ટાળી દયે છે. આવા લોકો માટે સુરેન્દ્રનગર જીલ્લામાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જે દરેક જીલ્લામાં લાગુ થાય તો કોઈ ગરીબ મજૂર, ટકની રોજી રોટ્ટી મેળવતા લોકો રસીથી વંચિત રહે નહીં.

વેકસીનની કામગીરી ગતિશીલ બનાવવા માટે હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં રાત્રી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હાલ જે લોકો દિવસ દરમ્યાન મજુરી કે ખેત કામે ગયા હોય તેવા  લોકોને રાત્રિ દરમ્યાન રસીકરણ કરી શકાય તે હેતુથી આ કાર્યકમનુ આયોજન કરવામા આવ્યુ છે. ચોટીલામાં રાત્રિ રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રથમ દિવસે 53 જેટલા લોકોએ કોરોના વેક્સિનનો લાભ લીધો હતો. પોપટપરા વિસ્તારમાં થયેલા કોરાના  વેક્સીન રસીકરણની કામગીરીમાં ચોટીલાના મામલતદાર પી.એલ.ગોઠી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.