Abtak Media Google News

રાજ્યમાં વરસાદે 4 દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે.

રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત જૂનાગઢમાં ગિરનાર ઉપર પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ગિરનારના પગથિયાં ઉપર ધોધની માફક પાણી વહ્યા હતા. જેથી આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ  ઉપલેટામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે દિવસભર વરસાદ રહ્યો હતો. કાથરોટા, પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લીધે લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.