Abtak Media Google News

ગુજરાત 2036માં યોજાનારા ઓલિમ્પિકની યજમાન માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. ઓલિમ્પિકની યજમાની કરી ગુજરાત સમગ્ર વિશ્ર્વમાં ડંકો વગાડી દેશે તેવા સમાચાર ‘અબતક’ દૈનિકમાં ગઈકાલે પ્રસિધ્ધ કરાયાના બીજા જ દિવસે રમત-ગમત જગતમાંથી મીઠા વાવડ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ત્યારે ચાલુ વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતની નારીશક્તિની સ્પોર્ટસ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ જોવા મળી રહી છે. ગુજરાતની 6 મહિલા ખેલાડીઓ આગામી ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદગી પામી છે.

OO 1

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

o 3

ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં યોજાશે ઓલિમ્પિક ? આ 12 આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય ક્ન્સલ્ટન્ટએ દાખવ્યો રસ

મુખ્યમંત્રી રૂપાણીએ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે. જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.

Tokyo Olympics 2021

રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે. ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૦ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે. જ્યારે વર્ષ 2036માં યોજાનારા ઓલિમ્પિકની યજમાન માટે ગુજરાતના અમદાવાદની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.