Abtak Media Google News

બ્રાહ્મણ યુવક આદિવાસી ઉપર પેશાબ કરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આરોપી યુવકના ઘરનું ડીમોલેશન : આરોપીના ગુનાની સજા તેમનું ઘર પાડીને તેમના પરિવારને કેમ અપાઈ ?બ્રાહ્મણ સમાજનો સરકારને સીધો સવાલ 

47 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવતા આદિવાસી સમાજ અને 56 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવતા બ્રાહ્મણ સમાજ બન્નેમાં નારાજગી સરકાર માટે બની ચિંતાનું કારણ

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. તેવામાં ભાજપને પેશાબકાંડ ડેમેજ કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણકે આદિવાસી યુવક ઉપર બ્રાહ્મણ યુવકે પેશાબ કર્યાની ઘટનામાં ભાજપે બ્રાહ્મણ યુવકના ઘરનું ડીમોલેશન કર્યું છે. આમ આ પ્રકરણમાં આદિવાસી અને બ્રાહ્મણ બન્ને સમુદાયમાં નારાજગી પ્રવર્તી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાંથી વાયરલ થયેલા વીડિયોમાં આરોપી પ્રવેશ શુક્લા આદિવાસી યુવક દશમત રાવત પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે.  વીડિયો વાયરલ થયા બાદ આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી.  તેના પર એનએસએ લાદવામાં આવ્યો છે.  અત્યારે તે જેલમાં છે.  તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 294 અને 504 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ પોલીસે આદિવાસી યુવક પર પેશાબ કરવાના આરોપમાં પ્રવેશ શુક્લાની ધરપકડ કર્યાના કલાકો બાદ સ્થાનિક અધિકારીઓએ તેના પિતાના ઘરનું ડીમોલેશન કર્યું હતું. વિપક્ષ કોંગ્રેસે માંગ કરી હતી કે રાજ્યની ભાજપ સરકાર શુક્લાની મિલકતોને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે. જો કે આ ઘટનાને લઈને બ્રાહ્મણ સમુદાય નારાજ થયો છે તેઓએ ઘટનામાં યુવકનો આરોપ બરાબર હોવાનું જણાવ્યું છે પણ આ આરોપના વાંકે ઘરનું ડીમોલેશન કરવું તે તેના પરિવારને સજા આપવા જેવું છે. જે યોગ્ય નથી.

આ ઘટનાથી આદિવાસી સમાજના નારાજગી હતી જ. તેવામાં બ્રાહ્મણ સમાજમાં પણ નારાજગી જોવા મળી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. જેમાં 47 આદિવાસી અનામત મતવિસ્તારો છે. જ્યારે બ્રાહ્મણો ઓછામાં ઓછા 56 મતવિસ્તારોમાં નિર્ણાયક પરિબળ છે. આમ બન્ને સમુદાયની નારાજગી વિધાનસભાના પરિણામો ઉપર ભારે અસર કરી શકે છે.

બ્રાહ્મણ સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે તેમની નારાજગીની અસર આ વર્ષે ચૂંટણી પર પણ પડશે. અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના રાજ્ય અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંનેને ચૂંટણીમાં બ્રહ્મસમાજની નારાજગીનો સામનો કરવો પડશે. કોંગ્રેસના નેતાઓ જ ઘર તોડવા માટે દબાણ કરી રહ્યા હતા. સરકારે આરોપીઓ સામે પગલાં લેવા જોઈએ એમાં કોઈ શંકા નથી, પરંતુ પરિવારનું ઘર શા માટે તોડવામાં આવ્યું? મિલકત તો આરોપીના નામે પણ નથી.

મુખ્યમંત્રીએ ભોગ બનનાર યુવાનના પગ ધોયા!!

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે સિધી જિલ્લામાં નિર્દયતાનો શિકાર બનેલા આદિવાસી યુવક દશમત રાવતને મળ્યા હતા. આ દરમિયાન સીએમ શિવરાજે દશમત રાવતના પગ ધોયા અને તેમની માફી પણ માંગી. આમ મુખ્યમંત્રીએ બનાવને પગલે થયેલા ડેમેજને રિકવર કરવા બનતા તમામ પ્રયાસ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.