Abtak Media Google News

રાજ્યસભાની ચુંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામની કરી ઘોષણા: કેશરીદેવસિંહ ઝાલા ઉપરાંત કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇને ટિકિટ: બંને ઉમેદવારોએ વિજય વિશ્ર્વાસ સાથે ફોર્મ ભર્યા

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ યોજાનારી ચુંટણી માટે ભાજપ દ્વારા આજે બપોરે બાકી રહેતી બે બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કાંકરેજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ જેસંગભાઇ દેસાઇને રાજ્યસભાના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપના આ બંને ઉમેદવારોએ આજે બપોરે વિજય વિશ્ર્વાસ સાથે પોતાના નામાંકન પત્ર ફાઇલ કર્યા હતા.

રાજ્યસભાના સાંસદ અને વિદેશીમંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડીયાની મુદ્ત આગામી ઓગસ્ટ માસમાં પૂર્ણ થઇ રહી છે. આગામી દિવસોમાં બાકી પડનારી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24મી જુલાઇના રોજ ચુંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિદેશ મંત્રી એસ.જયશંકરને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓએ ગત સોમવારે જ ઉમેદવારી પત્ર ભરી દીધું હતું. અન્ય બે બેઠકો પર નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ તરીકે ક્ષત્રિય સમાજના શક્તિસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવતા એવી વાતો ચાલતી હતી કે રાજ્યસભામાં ભાજપ ક્ષત્રિય સમાજના આગેવાનને ટિકિટ આપશે. દરમિયાન આજે બપોરે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો અને બંગાળની એક બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ.ડો.દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના તેઓ પુત્ર છે.

તેઓનો જન્મ તા.05/11/1982ના રોજ થયો છે. તેઓ પ્રાથમિક શિક્ષણ વાંકાનેરના ભારતી એજ્યુકેશન ટ્રસ્ટમાં લીધું હતું ત્યારબાદ ન્યૂ દિલ્હીની મોર્ડન સ્કૂલ, રાજકોટની રાજકુમાર કોલેજ અને મહારાષ્ટ્રના પંચગીનીની ન્યૂ એરા સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેઓ બી.એ.ની ડિગ્રી ધરાવે છે. ટુરિઝમ એન્ડ એઇસર મેનેજમેન્ટ એટ ધ યુનિવર્સિટી ઓફ હડર્સ ફીલ્ડ, યોર્કશાયર યુ.કે.માં લીધું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના એક સક્રિય કાર્યકર તરીકે પક્ષ દ્વારા સોંપવામાં આવતી દરેક જવાબદારી ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.

વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં તેઓ વાંકાનેર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર હોવા છતાં એક યા બીજા સમિકરણોના કારણે તેઓને ટિકિટ આપવી શક્ય બની ન હતી. છતાં કોઇપણ જાતના વિરોધ કે વિવાદ વિના તેઓ સતત કમળને વફાદાર રહ્યા હતા. જેની કદર ભાજપ હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી છે. માત્ર 41 વર્ષની ઉંમરે તેઓ રાજ્યસભાના સાંસદ બની ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યા છે.

કેશરીદેવસિંહના પિતા સ્વ.ડો.દિગ્વિજયસિંહ ઝાલા બે ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી રહેવાનું પણ બહુમાન ધરાવે છે. કેશરીદેવસિંહજીના નશનશમાં જ રાજનીતી વહી રહી છે. એક જમીની કાર્યકરને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપતા વાંકાનેર પંથકમાં ભારે હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.

રાજ્યસભાની અન્ય એક બેઠક માટે કાંકરેજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ ગૌ સંવર્ધન સેલના કન્વિનર બાબુભાઇ જેસંગભાઇ દેસાઇ (રબારી)ને ટિકિટ આપવામાં આવી છે. તેઓનું મૂળ વતન મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાનું મકતુપુર ગામ છે. પરંતુ હાલ તેઓ અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. ભાજપના આ બંને ઉમેદવારોએ આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મંત્રી મંડળના સભ્યો તથા ધારાસભ્યો અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર ફાઇલ કર્યું હતું. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.

જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભાની ચુંટણીમાં ઉમેદવારો ઉતારવામાં નહિં આવે તો ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચુંટાઇ આવશે. કોંગ્રેસ કે આપ ઉમેદવારો ઉતારે તો પણ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ર્ચિત મનાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.