Abtak Media Google News

ડાયપર પહેરેલા બેબી બલૂન ઉડાવ્યા: અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અતિશય

ભારવાળી, આપણો દેશ વસતીના હિસાબે ભરચક થઇ ગયો છે: ટ્રમ્પ

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની ઘૂસણખોરીને અટકાવવાની નીતિ પર સેનાએ અમલ કરી દીધો છે. અમેરિકન સૈન્યએ મેક્સિકો બોર્ડર બંધ કરી દીધી છે, જેની અસર ત્યાંથી પસાર થતાં વાહનો, કરિયાણું અને શાકભાજીની સપ્લાય પર થવા લાગી છે. શુક્રવારે ટ્રમ્પ અહીંની ૩૦ ફૂટ ઉંચી બોલાર્ડ વોલને જોવા પહોંચ્યા હતા. કેલિફોર્નિયા બોર્ડર પર ૩.૬ કિમી લાંબા બેરિયર્સને હટાવીને ફેન્સિંગ બોર્ડર તૈયાર કરી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું કે, યુએસ-મેક્સિકો બોર્ડરની વોલનું પ્રથમ સેક્શન પૂર્ણ થઇ ગયું છે. પ્રેસિડન્ટે પત્રકારોને કહ્યું કે, અમે વોલને લગતાં ઘણાં બધા કામો કરી દીધા છે. બોર્ડર પર સ્ટ્રક્ચર મુકવા અને સ્ટીલ બેરિયર્સ લગાવવાથી યુએક બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ બીજી તરફ જોઇ શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. આ (કૂદી ના શકાય તેવી) વોલનું કામ અત્યંત ઝડપથી પૂર્ણ થઇ જશે.

ટ્રમ્પે કેલિફોર્નિયા બોર્ડરની મુલાકાત બાદ ટ્વીટ કરી હતી કે, બોર્ડર પર નવી દીવાલની મુલાકાત લીધી! પ્રેસિડન્ટે સેન્ટ્રલ કેમ્પેઇન ઇશ્યુને ધ્યાનમાં રાખી સતત બોર્ડર સિક્યોરિટીના મુદ્દાઓને ઉઠાવ્યા હતા. ટ્રમ્પે કેલિફોર્નિયાના કેલિક્સકો સિટી પહોંચી ઇમિગ્રેશન એજન્ટ્સ સાથે પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અફિતશય ભારવાળી છે અને આપણો દેશ હવે વસતીના હિસાબે ભરચક થઇ ગયો છે.

ટ્રમ્પે બોર્ડર એજન્ડાને લગતાં મીડિયા કવરેજ સામે પણ રોષ ઠાલવ્યો હતો. તેઓએ બોર્ડર એજન્ટ્સની મુલાકાત દરમિયાન પત્રકારોને પણ આમંત્રણ આપ્યું હતું જેથી તેઓને હકીકત દર્શાવી શકે. ટ્રમ્પનું એરફોર્સ વન જેવું કેલિક્સકો સિટી પહોંચ્યું તે સમયથી જ રાજકીય યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. કેલિક્સકો સિટી મેક્સિકોથી વધુ દૂર નથી. વળી, કેલિફોર્નિયા સહિત અન્ય ૧૯ રાજ્યોએ ટ્રમ્પના ફંડ પ્રોજેક્ટ માટે પૈસા વાપરવાની જાહેરાત સામે કોર્ટમાં અરજી પણ કરી છે.

ટ્રમ્પ પોતાના ઇલેક્શન દરમિયાન બોર્ડર વોલની જાહેરાત કરી હતી તે હજુ પણ અધૂરી જ છે. ટ્રમ્પે જાહેરાત કરી કે, આગામી બે વર્ષોમાં અંદાજિત ૬૪૩ કિમી લાંબી દીવાલ તૈયાર થઇ જશે. ટ્રમ્પે ડેમોક્રેટ્સ સામે સહયોગ નહીં આપવા બદલ રોષ ઠાલવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રકારના અવરોધો ડેમોક્રેટ્સના વલણના કારણે ઉભા થઇ રહ્યા છે.

ટ્રમ્પે કેલિફોર્નિયાની મુલાકાત લીધી તે દરમિયાન વિરોધીઓ પણ દીવાલની બીજી તરફ પહોંચી ગયા હતા. તેઓએ ટ્રમ્પના ડાયપર પહેરાવેલા બેબી ટ્રમ્પ બલૂન ઉડાવ્યા હતા.

ટ્રમ્પે મેક્સિકો બોર્ડર બંધ કરવાના પોતાના નિર્ણય પર ફેરવિચાર કરી રહ્યા છે તેવા દાવાને ફગાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, મેક્સિકો છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમેરિકા સાથે ખૂબ જ સારી રીતે વર્ત્યુ છે. પરંતુ તેણે ઇમિગ્રન્ટ્સને અમેરિકા તરફ આવતા અટકાવ્યા નથી. તેથી જ હું મારો નિર્ણય ક્યારેય નહીં બદલું. આ બોર્ડર ક્યારેક તો બંધ કરવાની જ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.