Abtak Media Google News

ગઈ કાલે ‘વેલેન્ટાઈન ડે’ હતો.14 ફેબ્રુઆરીના રોજ ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી કરવામાં આવે છે.આ ખાસ વીકની શરૂઆત સાત ફેબ્રુઆરીથી થાય છે.સાત તારીખે પ્રથમ દિવસ ગુલાબની સુગંધ એટલે કે ‘રોજ ડે'(Rose Day)થી થાય છે.કપલ આ દિવસને સ્પેશિયલ બનાવવાથી લઈને પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી ગુલાબના ફુલો તથા ચોકલેટનો સહારો લેશે.

Advertisement

આ દિવસને સ્પેશિયલ દિવસ બનાવવા માટે ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે.જો તમે roseના અક્ષરોની આગળ ‘e’ લગાવો,તો તે બની જાય છે, ‘erose.’ જે પ્રેમના દેવતા છે.દરેક માઈથોલોજી અનુસાર પ્રેમના દેવી ‘venus’ને પણ પસંદ કરે છે.પરંતુ સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી અત્યંત નજીક છે.આથી આ દિવસ સાથે સંત વેલેન્ટાઇનની વાત વધુ જોડાયેલી છે.

કોણ હતા સંત વેલેન્ટાઇન ?

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન’ પુસ્તકમાં વેલેન્ટાઈનની વાત મળે છે.વેલેન્ટાઈનના નામ પર દુનિયાભરમાં ‘વેલેન્ટાઈન ડે’ મનાવવામાં આવે છે. કહેવાય છે કે રોમના સમ્રાટ કલાઉડીયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઇન દુનિયાભરમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા.પરંતુ તેમની આ વાત રાજાને બિલકુલ પસંદ ન હતી.કલાઉડિયસને લાગતું હતું કે,રોમના લોકો પોતાની પત્ની તથા પરિવાર સાથે મજબૂત રીતે જોડાયેલા રહેશે,તો સેનામાં ભરતી નહીં થાય.અત્યારે પણ સેનામાં ભરતી ઓછી થઈ રહી છે.

આથી સમ્રાટે પ્રેમ પર રોક લગાવી.લોકો વધારે સંખ્યામાં સેનામાં ભરતી થઈ શકે,એ માટે રાજા કલાઉડીયસે રોમમાં લગ્ન પર પાબંધી લગાવી દીધી.ક્લાઉડીયસના આ આદેશનો સંત વેલેન્ટાઈને વિરોધ કરી,અધિકારીઓ તથા સૈનિકોના લગ્ન કર્યા. સંતના આ વિરોધથી નારાજ થઈને રાજાએ તેમને 14 ફેબ્રુઆરીના દિવસે ફાંસી પર ચઢાવ્યા હતા.

માનવામાં આવે છે કે સંત વેલેન્ટાઈનની યાદ માં 14 ફેબ્રુઆરીને ‘પ્રેમના દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.સાતથી ચૌદ તારીખ સુધીના આ સપ્તાહના દરેક દિવસને અલગ અલગ નામથી મનાવવામાં આવે છે.સાત ફેબ્રુઆરીના ROSE DAY,આઠ ફેબ્રુઆરીના PRAPOSE DAY,નવમી ફેબ્રુઆરીના CHOCOLET DAY,દસમી ફેબ્રુઆરીના,TEDDY DAY,અગિયારમી ફેબ્રુઆરીના PROMISE DAY, બારમી ફેબ્રુઆરીના HUG DAY,તેરમી ફેબ્રુઆરીના KISS DAY અને ચૌદમી ફેબ્રુઆરીના ‘વેલેન્ટાઈન ડે.’

આ દિવસે પ્રેમીઓ એકબીજાને મીઠાઈની આપ-લે કરે છે.પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.પૂર્વે ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા આ વ્યક્તિના નામ ઉપરથી આ દિવસનું નામ ‘વેલેન્ટાઈન ડે’ રાખવામાં આવ્યું છે.

આ દિવસને વેલેન્ટાઇન્સના રૂપે અન્યોન્ય આદાન-પ્રદાન કરવામાં આવતા પ્રેમ પત્ર સાથે ખૂબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યો છે.વેલેન્ટાઈનના આધુનિક પ્રતીકોમાં હૃદય આકારની રૂપરેખા,કબૂતર અને પંખ વાળા રોમન કામદેવના ચિત્રનો સમાવેશ થાય છે.19 મી સદીમાં હાથેથી લખેલા પત્રોને બદલે જંગી માત્રામાં ઉત્પાદિત થતાં શુભેચ્છા કાર્ડનું ચલણ વધુ હતું.૧૯મી સદીના ગ્રેટ બ્રિટનમાં વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમ પત્રો મોકલવા,તે એક પ્રચલિત રિવાજ કે ફેશન બની ગયા હતા.વર્ષ 1847 માં ‘યસ’ નામની વ્યક્તિએ તેના વોર્સેસ્ટર મેસાકુસેટ ખાતે આવેલા ઘરમાંથી બ્રિટિશ સંસ્કૃતિને આધારિત હાથેથી બનાવેલા વેલેન્ટાઇન કાર્ડનો સફળ વ્યવસાય શરૂ કર્યો.

20 મી સદીના બીજા ભાગમાં અમેરિકી ગણરાજ્યો ખાતે શુભેચ્છા પત્રિકાઓના આદાન-પ્રદાનની પ્રથા ભેટ સોગાદો આપવામાં પરિણમી.સામાન્યત: પુરુષો દ્વારા સ્ત્રીઓને ભેટ આપવામાં આવતી હતી.૧૯૮૦ ના દાયકામાં હીરા ઉદ્યોગે વેલેન્ટાઈન ડેને ઘરેણાનું પ્રદાન કરવાના અવસર તરીકે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.આ દિવસને શાબ્દિક શુભેચ્છા આપતા શબ્દો ‘હેપ્પી વેલેન્ટાઇન ડે’ સાથે સાંકળવામાં આવ્યો.મજાકમાં વેલેન્ટાઈન ડેને કુંવારાઓ માટેનો જાગૃતતા દિવસ પણ કહેવામાં આવે છે.કેટલીક ઉત્તર અમેરિકા પ્રાથમિક શાળાઓમાં બાળકો વર્ગખંડો શણગારે છે.

ભારતમાં ખાસ કરીને હિન્દુ ધર્મવાદીઓ દ્વારા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવામાં આવે છે.આ દિવસે વેલેન્ટાઈન દિવસ નિમિત્તે તેને લગતી ચીજ વસ્તુઓ વેચતા દુકાનદારો સાથે ઘણા લોકો ઘર્ષણ પણ કરતા જોવા મળે છે.ભારતવાસીઓનું માનવું એવું છે કે,આ પશ્ચિમમાંથી આવેલું સાંસ્કૃતિક પ્રદૂષણ છે.

રાજકોટમાં ‘દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ સંસ્થા દ્વારા 85 વર્ષથી મોટી ઉંમરના દંપતિઓનો સન્માન કાર્યક્રમ ‘વડીલ વંદના’ નામે આ દિવસે ઉજવવાનું આયોજન કર્યું હતું.દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સંસ્થાનું એમ કહેવું છે કે,વેલેન્ટાઈન ડેની ઉજવણી વડીલોની વંદના કરીને ઉજવીએ એ જ સાચી સાર્થકતા ગણાય ને…! પ્રેમની આપ લે માટેના દિવસે વડીલોને પ્રેમ અને આદર સન્માન આપવાથી વધુ રૂડું શું હોઈ શકે?જે દેશની જેવી સંસ્કૃતિ.ભારતની સંસ્કૃતિ મુજબ આપણે આ રીતે પ્રેમ વ્યક્ત કરીએ.

સમસ્ત મહાજન સમાજ અને જીવદયા પ્રેમીઓ દ્વારા આ દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.ભારતીય પશુ કલ્યાણ બોર્ડ પાસે આ દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની મંજૂરી આપવા અપીલ પણ કરી છે.14મી ફેબ્રઆરીના રોજ ગાયને ભેટવા,પંપાળવાના દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી છે.એમ કહેવામાં આવે છે કે વૈદિક પરંપરા પશ્ચિમ સંસ્કૃતિની પ્રગતિના કારણે લગભગ વિલુપ્ત થવા આવી છે.

પશ્ચિમી સભ્યતાની ઝાકમજોળે ભારતીય ભૌતિક સંસ્કૃતિ અને વારસાને લગભગ ભૂલાવી દીધો છે.સમસ્ત મહાજને જણાવ્યું છે કે,પશ્ચિમના આંધળા અનુકરણમાં આપણે આપણા દેશની આર્ય સંસ્કૃતિને ભૂલીને ‘વેલેન્ટાઈન ડે’ જેવા ગતકડામાં ફસાઈને સ્વત્વ ગુમાવી રહ્યા છીએ.જ્યારે આનાથી ઊલટું યુરોપ અમેરિકામાં ગાયમાંથી પોઝિટિવ એનર્જી મેળવવા ગાયને ગળે લગાવવા માટે લોકો 5,000 થી વધુ રકમ ચૂકવી રહ્યા છે.

રાજકોટમાં શ્રીજી ગૌશાળા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ સવારના નવથી સાંજના છ સુધી લોકોને ગાયો સાથે સમય પસાર કરવા અપીલ કરવામાં આવી છે.ભારતની અનેક ગૌશાળામાં 14 મી ફેબ્રુઆરીના રોજ ગૌ વંદનાના કાર્યક્રમોનું આયોજન કરવાની જાહેરાતો થઈ છે.ગાયનું મહત્ત્વ આ દેશમાં કંઈ આજે જ છે,એવું નથી.આ તો આપણી વેદકાલીન સંસ્કૃતિનું મોટું પ્રતીક છે.ગાયનું પૂજન અહીં સદીઓથી થાય છે.ભારતીય પરંપરામાં ગૌમાતાનું પૂજન કરવાની પરંપરા વર્ષો પુરાણી છે.શ્રાવણ માસની ચોથના દિવસે તો બહેનો દ્વારા ગાયનું પૂજન કરવામાં આવે છે.વ્રત રાખવામાં આવે છે.ગાય માટે શાશ્વત પ્રેમ હોવો જોઈએ.કોઈપણ દિવસે તે વ્યક્ત થઈ શકે.આપણી સંસ્કૃતિ એટલી પોચી અને તકલાદી નથી કે,અન્ય કોઈના તહેવારથી હચમચી જાય!ગાય સંસ્કૃતિનું પ્રતીક છે અને રહેશે.

ગાયનું સંવર્ધન મહત્ત્વનું છે. કોઈપણ ગાય તેના કુદરતી મોત સુધી સુરક્ષિત રહે તે દિશામાં વિચાર અનિવાર્ય છે.ગાયની જવાબદારી માત્ર ગામમાં કે શહેરમાં વસતા નાગરિકો જ નથી,બલકે જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે,તેઓની વિશેષ જવાબદારી છે.રસ્તે રઝળતી ગાયોનો પ્રશ્ન આપણા રાજ્યમાં અને દેશના અન્ય પ્રાંતમાં વર્ષોથી છે.

હિંદુત્વ વિચાર ધારાને વરેલા આ દેશમાં અનેક ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય જ છે. પશ્ચિમના આંધળા અનુકરણ લીધે આજે આપણા દેશમાં પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ વધારે થતું જોવા મળે છે.પછી તે ખાનપાન હોય પહેરવેશ હોય કે પછી ઉત્સવો હોય.કોણ જાણે કેમ લોકોને બીજી સંસ્કૃતિ વધુ સારી દેખાતી હોય છે.ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે.વિશ્વની બધી સંસ્કૃતિઓ તેનું અનુકરણ છે.

આવી સર્વ માન્ય સંસ્કૃતિ હોવા છતાં લોકો ફેંકેલી સંસ્કૃતિને અપનાવવા માટે દોડતા હોય છે.આપણે સૌ જાણીએ છીએ કે,પશ્ચિમના લોકો ભોગ અને વિલાસ ભોગવી ભોગવીને ઉબ આવી ગયા છે.અંતે તેઓ ભારતની સંસ્કૃતિ તરફ વળ્યા છે.ભારતના ખાનપાન અને પહેરવેશને અપનાવવા લાગ્યા છે.

ભારતના ધર્મ અને રીત રિવાજોને અપનાવા લાગ્યા છે.તેઓને સમજાઈ ગયું છે કે,સાચું સુખ ભોગ વિલાસમાં નથી.સાચું સુખ ધનસંપન્નતામાં નથી.સાચું સુખ માંસાહારમાં નથી.આજે પશ્ચિમના લોકો જાહેરમાં હરે રામ હરે રામ,હરે કૃષ્ણ હરે કૃષ્ણની ધૂન અને નૃત્ય કરતા થઈ ગયા છે.જયારે આપણે બધા પશ્ચિમના લોકોએ ફેંકેલી સંસ્કૃતિ અપનાવવા તલ પાપડ થયા છીએ.એના પહેરવેશ એનો ખોરાક એમના તહેવારો આપણે અપનાવીને કંઈક ગૌરવ લઈ રહ્યાનો અહેસાસ કરીએ છીએ.જ્યારે સમજાશે ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હશે.

ભારતમાં આજે ઘણી બધી શાળાઓમાં આ વેલેન્ટાઈન ડેના દિવસે વિદ્યાર્થીઓને અને વાલીઓને એકત્ર કરીને માતૃ પિતૃ પૂજન કરવામાં આવે છે.વડીલ વંદના કરવામાં આવે છે.આ એક ખૂબ જ ઉમદા અને આવકાર્ય અભિગમ છે.નવી પેઢીને સાચા માર્ગે દોરવાનો આ ઉમદા પ્રયાસ અને પ્રયોગ છે.આ માતૃ પિતૃ પૂજનમાં માતા-પિતા કે કુટુંબના વડીલોને વિદ્યાર્થીની સામે બેસાડવામાં આવે છે.વિદ્યાર્થી માતા-પિતા કે કુટુંબના વડીલોને અક્ષત કંકુથી તિલક કરી,ફૂલહાર પહેરાવે છે.

દીપક પ્રગટાવીને આરતી ઉતારે છે.બાળકોને બચપણથી જ વડીલો પ્રત્યે આદર જન્મે તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી અટકે.બાળક બચપણથી જ વડીલો પ્રત્યે આવો આદરભાવ કેળવતો થાય તો આ બાળકો જીવનભર સંસ્કારી અને આજ્ઞાંકિત બની રહેશે,એમાં કોઈ શંકાને સ્થાન નથી.આ માતૃ પિતૃ પૂજનના તો એવા સુખદ પરિણામો આવ્યા છે કે,આ પ્રસંગે આ ભાવવાહી દ્રશ્ય જોઈને ઘણા બધા બાળકો રડી પડ્યા છે.ઘણા બધા માતા પિતાની આંખો આંસુથી છલકાય છે. જ્યારે કોઈ પણ ઉત્સવની ઉજવણીના પરિણામો આવા સુખદ અને હિતકર જોવા મળે,એવા ઉત્સવોની તરફેણ કરવી જોઇએ.આટલી ચર્ચા પછી,આપણે કેવા ઉત્સવો ઉજવવા એ નિર્ણય સુજ્ઞ વાંચક મિત્રો ઉપર છોડીને અહીં અટકું છું.

– વિઠ્ઠલ વઘાસિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.