Abtak Media Google News

નવ ખાસ આમંત્રિત દેશોના વિદેશ મંત્રીઓ અને 13 વૈશ્વિક સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ

ભારત વિશ્વ આખાના નેતૃત્વની દિશામાં, જો જી 20માં યુદ્ધનો ઉકેલ નીકળે તો વિશ્વભરમાં મોદીનો જયજયકાર થઈ જશે

જી20 બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધના મુદા ઉપર વિશ્વ આખાની મીટ મંડરાયેલી છે. આ બેઠકમાં નવ ખાસ આમંત્રિત દેશોના વિદેશ મંત્રીઓ અને 13 વૈશ્વિક સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા છે. બીજી તરફ ભારત વિશ્વ આખાના નેતૃત્વની દિશામાં જઈ રહ્યું છે. જો જી 20માં યુદ્ધનો ઉકેલ નીકળે તો વિશ્વભરમાં મોદીનો જયજયકાર થઈ જશે.

દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે જી 20ની બેઠકમાં નવ ખાસ આમંત્રિત દેશોના વિદેશ મંત્રીઓ અને 13 વૈશ્વિક સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.  આ પહેલીવાર છે જ્યારે આટલા વિદેશ મંત્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ એકસાથે ભારત પહોંચ્યા છે.

એક તરફ રશિયા અને ચીન અને બીજી તરફ અમેરિકા-કેનેડા-ફ્રાન્સ-યુકે-જર્મનીની તૈયારીઓને જોતા ભારત ઊર્જા અને ખાદ્ય કટોકટી અને બહુરાષ્ટ્રીય એજન્સીઓમાં સુધારા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય રાજદ્વારીએ યુક્રેન વિવાદ પર સામસામે ઉભેલા બંને જૂથોને સમાધાન કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાનું કહેવું છે કે, “યુક્રેન અને રશિયાની વર્તમાન સ્થિતિ પર બેઠકમાં ચર્ચા થશે અને તેના પરિણામ શું આવશે, તેના વિશે અત્યારે કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં. ભારત જે પણ પ્રાથમિકતાના મુદ્દાઓ છે તે અંગે ચર્ચા કરવા માંગે છે.” “યુક્રેન-રશિયા યુદ્ધ પછી જે રીતે ભારત માટે ઊર્જા, ખાદ્ય અને ખાતરની કટોકટી ઊભી થઈ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક  દેશો  માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ બેઠકમાં વર્ષ 2023 દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં સંભવિત ઘટાડા અને ફુગાવાની સ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.  આમ છતાં યુક્રેન-રશિયા વિવાદ છવાયેલો રહે તેવી શક્યતા છે.  ક્વાત્રાએ કહ્યું કે યુક્રેન-રશિયા વિવાદ પર ભારતનું વલણ જૂનું છે અને તેમાં કોઈ ફેરફાર નથી.  પીએમ નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે આ યુદ્ધનો યુગ નથી અને હાલના વિવાદને માત્ર ચર્ચા અને કૂટનીતિથી જ ઉકેલવો જોઈએ.

ભારત પહોંચ્યા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ જયશંકરને મળ્યા હતા અને બાદમાં એક કાર્યક્રમમાં પણ જી-20 બેઠકમાં રશિયાના કડક વલણના સંકેત આપ્યા હતા.  તેમણે કહ્યું છે કે પશ્ચિમી દેશો રશિયા પાસેથી બદલો લેવાની નીતિ અપનાવી રહ્યા છે.  લવરોવે તુર્કી અને બ્રાઝિલના વિદેશ મંત્રીઓ સાથે અલગથી મુલાકાત કરી હતી.  એવું માનવામાં આવે છે કે રશિયા દ્વારા એવા દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સંપૂર્ણપણે કોઈપણ કેમ્પમાં નથી.  ચીન અને અમેરિકા એક મંચ પર હશે

બીજી તરફ, બલૂન જાસૂસી કાંડ બાદ પહેલીવાર ચીન અને અમેરિકાના વિદેશ મંત્રીઓ એક મંચ પર આમને-સામને હશે.  બ્લિંકને ચીનના જાસૂસી બલૂનને યુએસ પર પકડવાના મુદ્દે બેઇજિંગનો તેમનો પ્રવાસ પણ રદ કર્યો હતો.

આ યુદ્ધનો યુગ નથી : ભારતનો વિશ્વને સ્પષ્ટ સંદેશ

ભારતે બુધવારે રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપ્યું કે ‘આ યુદ્ધનો યુગ નથી.’ જી 20 વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે ભારતની સ્થિતિ રશિયા-યુક્રેન સંઘર્ષ પર ખૂબ જ સ્પષ્ટ છે કે ‘આ યુદ્ધનો યુગ નથી’, જ્યારે સંવાદ અને રાજદ્વારી આગળનો માર્ગ છે.  આ બેઠકમાં વિદેશ મંત્રીઓ માટે ચર્ચા કરવા માટેનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.