Abtak Media Google News

હિમાલયન રેન્જમાં હીમશીલા પીગળવાની ઘટના ભારે ચિંતાજનક : અસામાન્ય પુરની આગાહી

ચારધામ યાત્રા પર એક તરફ જ્યારે સંકટના વાદળો ઘેરાયાં છે ત્યાં બીજી બાજુ ચારધામ યાત્રાને સંલગ્ન વધુ એક સમાચાર સામે આવ્યા છે. ચારધામ યાત્રા વિસ્તારમાં હિમશીલાઓ પીગળવાથી ૭૭ હિમ તળાવ ઉભા થઇ ગયા છે. આ ૭૭ તળાવનું સર્જન ફક્ત છેલ્લા ૩ દાયકામાં જ થયું છે જેનો સીધો અર્થ છે કે, હિમાલય રેન્જમાં હિમશીલાઓ ઝડપથી પીગળી રહી છે જે ખતરાની ઘંટડી સમાન છે. જો આ રીતે હીમશીલાઓ પીગળતી રહી તો તે એક અસામાન્ય પુરમાં પરિવર્તિત થઈ શકે છે.

ગ્લેશિયરના સતત પીગળવાના કારણે નિષ્ણાતોની ચિંતા પણ વધી છે. ઉત્તરાખંડના ગ્લેશિયર્સ પર ક્લાઈમેટ ચેન્જની અસર વધુને વધુ દેખાઈ રહી છે.વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ગ્લેશિયર્સ પર ઝડપથી નવા તળાવો બની રહ્યા છે.

નવીનતમ સંશોધન મુજબ ગ્લેશિયર્સમાં ૫૦ મીટરથી વધુ વ્યાસવાળા ઘણા હિમ તળાવો રચાયા છે. ભૂસ્તર હિલચાલને કારણે આ સરોવરોમાંથી પૂરનો ભય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. કુમાઉ યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના પ્રોફેસર ડૉ. ડી.એસ. પરિહારે જીઆઈએસ રિમોટ સેન્સિંગ અને સેટેલાઇટ ડેટા સાથે ગ્લેશિયર્સ પર આ અભ્યાસ કર્યો છે.

ડો. પરિહારે જણાવ્યું હતું કે, પિથોરાગઢ જિલ્લામાં મુખ્યત્વે મિલામ ગ્લેશિયર, ગોંખા, રાલમ, લ્વાન અને મુરતોલી ગ્લેશિયર ગ્લોબલ વોર્મિંગથી વધુ પ્રભાવિત થયા છે. જીઆઈએસ રિમોટ સેન્સિંગ અને સેટેલાઇટ ડેટા દ્વારા અભ્યાસ કરવાથી જાણવા મળ્યું છે કે આ ગ્લેશિયર્સની આસપાસ કુલ ૭૭ તળાવો છે.

જેનો વ્યાસ ૫૦ મીટરથી વધુ છે. જેમાં મિલામમાં સૌથી વધુ ૩૬ તળાવો, ગોંખામાં સાત તળાવો, રાલમમાં ૨૫ તળાવો, લ્વાનમાં ત્રણ તળાવો અને મેર્ટોલી ગ્લેશિયરમાં છ તળાવો છે. નવા તળાવો બનાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સૌથી મોટું તળાવ ગોંખા ગ્લેશિયર પર ૨.૭૮ કિમી વ્યાસ ધરાવે છે.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને વહીવટીતંત્રે પણ ગ્લેશિયર્સની નજીકના વિસ્તારોમાં અચાનક પૂરની વારંવારની ઘટનાઓને સ્વીકારી છે કે આ તળાવો આપત્તિનું કારણ બની શકે છે.  સંશોધનમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે ગ્લેશિયર્સને અડીને આવેલા વિસ્તારોમાં કોઈ મોટી ઘટનાને ટાળવા માટે આ માટે સમયસર વિસ્થાપન સહિત અન્ય વ્યવસ્થા કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.