Abtak Media Google News

વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે,  નાગમદે નાનેરૂ બાળ,  ભેડાંની પાણીડાં ભરે …

જ્યાં પ્રભુના રૂપ જેવો નિર્મળ પ્રેમ પ્રસરે છે ત્યાં દેહભૂખની કલ્પનાને પણ સ્થાન મળતું નથી

લાલચમાં લપેટાયેલો માનવી ઘણી વાર પોતાનું કર્તવ્ય, ધર્મ અને વફાદારીને નેવે મૂકી દેતો હોય છે

નમણી નાગમદે !

લાલચમાં લપટાયેલો માનવી ઘણી વાર પોતાનું કર્તવ્ય , ધર્મ અને વફાદારીને નેવે મૂકી દેતો હોય છે.

સવલો બે દિવસ પર્યંત લપાઈ છુપાઈને પોતાના જ માલિકો પીછો કરતો રહ્યો . બીજે દિવસે મધ્યાહ્ન પછી ઘણી વારે નાગવાળો વડવાળી વાવેથી માણકી પર બેસીને બહાર નીકળ્યો ત્યારે સવલો એક વાડય પાછળ છુપાઈ રહ્યો હતો . તે એટલું જ જાણી શક્યો કે દરબાર વડવાળી વાવે આવે છે . ત્યાં ચોપાટ રમાય છે કે ભાઈબંધો ભેગા થઈને ગપાટા મારે છે , તે કશું તેનાથી જાણી શકાયું નહોતું .

નાગવાળો નજરથી દૂર થયો એટલે સવલો વડવાળી વાવે ગયો..પણ ત્યાં કોઈ હતું નહિ . નાગમદે ને લાખુ નેસના માર્ગે ચાલ્યાં ગયાં હતાં …

સવલાના મનમાં થયું , માળું અહીં તો કોઈ નથી … શું દરબાર વડના છાંયે વિસામો લેવા આવતા હશે ? રામ જાણે ? બાને આજ જે જાણ્યું છે તે કહી દઉં ..

મનથી આમ નક્કી કરીને સવલો ગામ તરફ વળ્યો . તે દરબારગઢમાં આવ્યો ત્યારે દી આથમી ગયો હતો . નાગવાળો કચેરીમાં બેઠો હતો . આજ ડેલીએ ચારપાંચ માણસો જ બેઠા હતા.

ગામના દેવચોરે સંધ્યા આરતીની ઝાલરું રણકી રહી હતી.

સવલો સીધો દરબારગઢમાં ગયો. આલણદે નીચે જ ઓસરીમાં ચાકળો નાખીને બેઠી હતી .

સવલાએ બાને નારાયણ કર્યા.

આલણદે સમજી ગઈ કે સવલો કાંક વાત કહેવા આવ્યો છે. એટલે તે ઊભી થઈને ઓરડામાં ગઈ.

સવલો પણ પાછળ ગયો.

આલણદેએ પ્રશ્ન કર્યો :  ‘કાંઈ જાણી શક્યો ?’

‘ હા . મા … ચોરને કાંધ મારે એવા ધોમ ધખતા તાપમાં ધોડા

 

કરીને પગના તળિયા બળી ગયા…’

ચારે તરફ નજર કરીને સવલોબોલ્યો: ‘મા

મારા બાપુ રોજ રોઢા ટાણે વડવાળી વાગ્યે જાતા લાગે છે.’

‘હા કોંઢ ગાઉ છેટી છે … પણ નવાઈની વાત તો એ દેખાણી કે ત્યાં  મારા બાપુ શું કામ જાતા હશે એ કાંઈ સમજાણું નઈ.’

‘ ત્યાં બીજું કુણ કુણ હોય છે ?’

‘એે કાંઈ કળાણું નથી..’

‘ત્યાં જાય છષ એ તો બરાબર છે ને?’

” હા મા..ઈ બરાબર છે … ”

‘ તો કાલ તું વહેલો ત્યાં પોંચી જાજે અને ત્યાં કોણ ભાઈબંધ આવે છે . શું કરે છે એ બધું નજરે જોઈને મને કે’જે … ’

‘ પણ કાલ તો વતાંની પાળી છે ..’

‘તે વે’લી પતાવી નાખજે … આજ રોંઢાટાંણે તારી વઊ આવી’તી … કાંઈ જોઈતો મને કે’જે એટલે કોઠારમાંથી કઢાવી આપીશ.’

‘ ભલે મા . કાલ વે’લો નીકળી જઈશ …’   કહી સવલો પગે લાગીને બહાર નીકળી ગયો.

આલણદેના મનમાં નાગવાળાને રોજ રોંઢો કરવા ભાઈબંધને ત્યાં જવું પડે છે ? શા માટે જવું પડે છે ? શું ઘરના રોટલા અબખે પડ્યા છે ? વગેરે પ્રશ્નો પૂછવાનો ઉધામો થયા કરતો . પરંતુ સવલો પાકા સમાચાર લાવે ત્યારે જ પ્રશ્ન કરવો એમ નક્કી કરીને તે મૌન રહેતી હતી .

રાતે આડીઅવળી વાતો થયા કરતી . નાગવાળો પણ પત્નીને રાજીપામાં રાખવાનો પ્રયત્ન કરતો..પરંતુ નાગમદે સાથેનો પરિચય જેમ જેમ વધતો જતો હતો , તેમ તેમ નાગવાળાના અંતરમાંથી દેહભૂખ પણ દૂર થઈ રહી હતી . જ્યાં પ્રભુના રૂપ જેવો નિર્મળ પ્રેમ પ્રસરે છે ત્યાં દેહભૂખની કલ્પનાને પણ સ્થાન મળતું નથી .

છેલ્લા બે દિવસથી આલણદે એ પણ જાણી શકી હતી કે દરબાર મોડી રાત સુધી જાગતા જ પડ્યા રહે છે..કયા વિચારો આવતા હશે ? શ

જુગાર રમવા જાતા હશે ? ન … ની … જુગાર તરફ તો એમને ભારે નફરત છે . ત્યારે ભાઈબંધો ભેગા થઈને નશો કરતા હશે ? ના .. .ના . .દરબાર તો હુકકો પણ માત્ર મોઢે જ અડકાડે છે .. .દારૂ , અફીણ કે ગાંજાને તેઓ અડતા પણ નથી..ત્યારે રોજ બપોરે રોઢો કરવા ક્યાં જતા હશે ? શું કોઈ જાદુગરણીના ફાંસલામાં સપડાયા હશે ? શું હશે એ કેમ ખબર પડે ? જુવાની તો છે … ભરપૂર જુવાની છે . કઈ ઘડીએ જુવાની પડખું બદલાવે ઈ કોઈથી કળી શકાતું નથી … ! જુવાનીનો વેગ ગમે તેમ કરીને સ્ત્રી તો થંભાવી શકે..પણ પુરુષ માટે ભારે કઠણ છે !

બીજે દિવસે સવલો વતાંનું કામ પતાવીને કોઈને કહ્યા વગર ઊપડી ગયો . આલણદેએ પેંડા ગાંઠિયાનું ટીમણ કરવા એક કોરી આપી હતી .

સવલો પેંડા ગાંઠિયાનાં બે પડીકાં લઈને સીધો પોતાના ઘરે ગયો . વગડામાં બેસીને એકલા ખાવું એ કરતાં સંતલી હારે ટીમણ કરીને જાવું શું ખોટું ?

ડેલીએ સાંકળ ચડાવી હતી … સવલાના મનમાં થયું , આટલામાં જ ક્યાંક ગઈ હશે ! સાંકળ ઉઘાડીને તે અંદર ગયો.

ત્યાં તો ડેલી ઊઘડી ને સાથોસાથ અવાજ આવ્યો :  ‘કુણ આવ્યું  છે.’

‘બીજું તે કુણ આવતું હશે ? શું બાયડી મળી છે ! ધણીનો પગ પારખતાં ય હજી સુધી ના આવડ્યો ! હવે ડેલી બંધ કરીને ઝટ અંદર આવ …’  સવલાએ ઓરડામાંથી બહાર નીકળીને કહ્યું .

સંતલી પડોશમાં જ ગઈ હતી . ડેલી ઊઘડ્યાનો અવાજ સાંભળીને તરત ઊભી થઈ ગઈ હતી .

ઓસરી પર પગ મેલતાં મેલતાં સંતોકે કહ્યું :  આમ કટાણે કેમ આવવું થયું ? કાલ તો કે’તાતા કે વતાની પાળી છે !

‘અરેરે … મારે વાત મનમાં રાખવી છે ને તું ઓકાવ્યા વગર નહિ રે  એમ લાગે છે ! હવે ઝટ અંદર આવ … પાછું મારે ભાગવું  છે.’

‘તે કે‘વું હોય ઈ કહી નાખો ને ! ધોળે દીયે ઓરડામાં શું દાટ્યું છે?’

‘શું બાયડી મળી છે . ભેગાં બેસીને થોડુંક ટીમલ કરી લઈ, હરિભાઈના ગાંઠિયા લાવ્યો છું ને ગલા કંદોઈના માથે તોડી નાખે એવા પેંડા લાવ્યો છું.’

‘ કોક મે’માને ઇનામ આપ્યું હશે .. તમારે મકતીની ગાંઠે  એલચી રીયે શેની’

‘જરા પીરી પડ . . . આ તો બાએ નાસ્તો કરવા કોરી આપી’તી . લે આટલા ઢીંગલા વધ્યા છે ઈ હું સાચવજે . ’

બંનેએ ધરાઈને પેંડા ગાંઠિયાનો નાસ્તો પૂરો કર્યો . બંનેએ પાણી પીધું … ત્યાર પછી સવલાએ પત્નીને બથમાં લેતાં કહ્યું.  મજો આવ્યો ને ? ’

‘આવું રોજ લાવતા હો તો …’

‘ ઠાકરની કી25ા હશે તો રોજ આવું મળતું રે’શે … પણ તું રોંઢા પછી બા પાસે જાજે હોં..લે જરાક … ’

‘હવે ગાંડાં કાઢો મા … વળી તમે કે’શો કે મોડું થઈ ગીયું ..’

‘ હાં … તે ઠીક યાદ કર્યું … હવે તો મારે દોડતા જ જાવું પડશે !’  અને સવલો તરત ઓરડા બહાર નીકળી ગયો . કાંટારખાં પે’રીને તે બોલ્યો :  હું જાઉં છું..ડેલી અંદરથી બંધ કરજે.’

ઉત્ત2ની રાહ જોયા વગર સવલાએ વડવાળી વાવે જવાનો કેડીનો મારગ પકડ્યો.

આજ નાગમદેને ભારે ચિંતા થઈ રહી હતી . લાખુ ગામમાં ઘી વેચવા ગઈ હતી … અને છેક આરતી ટાણે પાછી આવે તેમ હતી . જે વાવે નો જાય તો સાજન નિસાસા નાખીને પાછો વળે . અને બીજા કોઈને હાર્યે લઈ જવાય એમ નો’તું … ગયા વગર છૂટકો નહોતો.

આજ તો કાનસુર ભગત પણ નેસમાં રોકાણા હતા … બાપુ પાસેથી કયા બહાને જાવું ઈ નાગમદેને માટે ભારે કોયડો થઈ પડ્યો હતો.

કાનસુર ભગત એક વૃક્ષના છાંયે ખાટલા પર બેસીનો મોરીયું ગુંથી રહ્યા હતા.

ઝૂંપડાનું બધું કામ પતાવી હાથ મોં ધોઈ નાગમદે બહાર આવી અને બાપુ પાસે બેસતા બોલી: ‘બાપુ, તમારૂ કડીયું ને પછેડી દીયો’

‘કાં, દીકરી?’

‘આજ ધોણ લઈને જાવું છે…’

‘કડીયું પછડી તો તે પરથી ધોથાં’તાં … આવા તડકામાં શું કામ જાવું જોઈ….’

‘વગડાના વસનારને તડકો ને ટાઢ કેવાં ! વળી, હમણાં તો હું ને લાખુ બેય રોજ નાવણ કરવા જાઈ છી તે નાયા વિના ગભરામણ જેવું  થાય છે.

‘તો માર્યો લૂગડાં પાછી લઈ જાજે તું પાછી ઝટ આવતી રેજે …’

‘હા બાપુ…’

‘પણ નાગમ લાખુડી તો શે’રમાં ગઈ છે ..’

”  મને ખબર છે , પણ ભો જેવું કાંઈ નથી ’

” સારૂ ઊંડા પાણીમાં ઊતરી નહી, સમજી, બેટા ?’

‘ હા બાપુ’ ‘કહીને નાગમદે એક જોડ કપડાંની નાની પોટલી, ભેળું રોઢાનું ભતવાર અને પાણી ભરવાનો માટીનો એક ગોળો લઈને વડવાળી પાપ કોર નીકળી ગઈ.

બે આયરાણીઓ નેસમાં રોકાયેલી હતી… પરંતુ બંને પોતાનાં બાળકો સાથે ઝૂંપડીમાં જ બેઠી હતી … નહિ તો નાગમદેને કોઈ પ્રશ્ન કરત.

સવલો વડવાળી વાવે હજી આવી પહોંચ્યો નહોતો . એક તો ટીમલ કરવા રોકાઈ ગયો અને માથે ધોમધખતો હતો . વળી , સરખી રીતે ટીમણ કર્યું હોવાથી ઉતાવળે હાલવું ભારે આકરું લાગતું હતું .

નાગમદે આજ એકલી જ હતી … અને હંમેશ કરતાં વહેલી પણ હતી. તેણે મનથી વિચાર્યું કે નાગ આવે એ પહેલાં નાઈધોઈને તૈયાર થઈ જવું . પછી નિરાંતે હાર્યે બેસીને રોંઢો કરશું ને એકબીજાને હેતથી નીરખશું.

નાગમદેએ રોંઢાનો સામાન, દહીંની દોણી , ઘીથી નીતરતાં કુણાં ઢેબરાં અને લીલી ડુંગળી..ઢાંકીને વડના થડ પાસે મૂક્યાં . ત્યાર પછી ગોળો લઈને વાવમાં ઊતરી . ગોળો વીંછળીને ભરી લીધો … ત્યાર પછી વાવને કાંઠે મૂકીને ના’વા અર્થે વાવમાં જતાં પહેલાં તેણે એક વાર નાગવાળાના મારગ તરફ નજર કરી … પણ માણકીનો પગરવ સંભળાતો નહોતો.

આ વાવે મોટે ભાગે કોઈ આવતું નહોતું . વખતે રડયો ખડયો કોઈ વટેમાર્ગુ કે વગડામાં ફરતો કોઈ ગોવાળ આવી ચડતો પણ આસો માસમાં અહીં હજારો માણસો એકત્ર થતા . ગિરનાથ મહાદેવના મેળો ભરાતો એટલે આસપાસના પંથકના હજારો જાત્રાળુઓ આવતા અને આ વાવનું પાણી પીતા.

આસપાસ કોઈ નથી એની ખાતરી કરીને નાગમદે વાવમાં ઊતરી . ચોરસો એક કોર મૂક્યો … કાપડું કાઢી નાખ્યું . અને થેપાડું પહેરીને તે વાવમાં ઊતરી . તેને તરતાં આવડતું હતું .. એટલે માથું પલળે એટલી કાળજી રાખીને તે વાવમાં તરવા માંડી , જાણે કોઈદેવી સ્વર્ગમાંથી ઊતરીને માનવ લોકનો આનંદ માણવા ન આવી હોય.

સવલો હજી એકાદ ખેત2વા દૂર હતો . . .તડકામાં હાલીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તે વડવાળી વાવથી થોડેક દૂર રહ્યો હશે ત્યાં તેના કાન પર માણકીના દાબડાનો અવાજ અથડાયો અને તરત તે એક વાડય વાંસે સંતાઈ ગયો.

માણકી રૈવાલ ચાલે વા સાથે વાતું કરતી આવતી હતી .. સવલે જોયું … માણકી જ છે ને માથે બાપુ બેઠા છે ભારે થઈ ! વહેલા વાવ પાસે પહોંચવું’તું ને જરાક મોડું થઈ ગયું.

માણકી વડવાળી વાવ તરફ વળી ગઈ … વાવ ફરતો નાનો મજાનો ચોક હતો અને ચોક ફરતી વાડય હતી . વડ ને વાવ એ ચોકમાં આવી જતાં . પણ ચારે દિશાએ છીંડાં પડી ગયાં હતાં . તેમાંય નેસડા તરફ જતી દિશાએ તો વાડ્ય સાવ નહિ જેવી જ હતી.

નાગવાળો અંદર દાખલ થયો અને માણકી પરથી નીચે ઊતરીને ઘોડીને છૂટી મૂકી દીધી.

નાગવાળાએ ચારે તરફ જોયું , કોઈ આવ્યું લાગતું નહોતું . તેના મનમાં થયું પોતે કાંક વહેલો છે . પણ એકાએક તેની નજર વડના થડે પાસે ઢાંકેલા ઠામ પર ગઈ … એટલે તેને થયું , નાગમદે આવી લાગે છે … કદાચ વાવમાં હશે … તે તરત વાવના કાંઠે ગયો . પાણીથી ભરેલો ગોળો પડ્યો હતો . અને નાગમદે થેપાડું બદલાવીને ભીનુ થેપાડું ઝબોળી રહી હતી.

વડલા હેઠળ વાવ,

હાલે ને હિલોળા કરે.

નાગમદે નાનેરું બાળ,

ભેડાંની પાણીડાં ભરે …

વડલા હેઠળ વાવ,

વાવળથી વાતું કરે

નાગમ નમણી નાર,

સોનવરશી નાવણ કરે…

બરાબર આ સમયે સવલો લપાતો છુપાતો વાડયની પાછળ સંતાઈને જોઈ રહ્યો હતો . દરબાર વાવના કાંઠે ઊભા હતા . કેમ ઊભા રહ્યા હશે ? શું વાવમાં ના’વા પડશે કે વાવમાં કોઈ હશે ?

ત્યાં તો નાગવાળો બોલ્યો :

‘નાગમ !’

નાગમની અડધી કાયા ખુલ્લી હતી. તે વાંકી વળી ગઈ અને ત્રાંસી નજરે નાગવાળા સામે જોઈને બોલી : ” આવી ગયો , મારા નાગ ? જરા પાછું જોઈને ઊભો રે ’ .  હું અબસાથે આવી …’

શરમાતા કોમળ અંગ:

મ કર નજરું નાગ ;

વહાલા, રે’જે વેગળો

ઢાંકી લઉં મારી લાજ …

પાલાવડા પેરીયે,

ઊજળાં ઢાંકીય ઉર;

કાઉ નજરુંનાં નૂર,

નાખી રીયો નાગડા.

નાગવાળો તરત પીઠ ફેરવીને ઊભો રહી ગયો. એની આંખમાં વિકારનો અણસારો યે નો’તો … જેને જોઈને યોગી પણ ચળી જાય તે નાગમદેની સોનાવરણી કાયા જોઈને નાગવાળો તરત મોઢું ફેરવીને ઊભો રહી ગયો.

સવલો સજ્જડ બંબ થઈને જોઈ રહ્યો હતો … વાવમાંથી રૂપાની ઘંટડી જેવો કંઠ તે સાંભળી શક્યો હતો … કોણ બોલતું હશે ? શું વાવમાં

કોઈ ડેણડાકણ રે‘તી હશે ?  દરબાર એવી કોઈ ડાકણના ફાંસલામાં સપડાયા હશે?

થોડી વાર સુધી નાગચાળો પીઠ ફેરવીને પ્રસન્ન વદને ઉભો  રહ્યો . તેણે મધુર સ્વરે કહ્યું ‘કયાં સુધી તપ કરૂ?’

ે નાગવાળાને કઈ જવાબ ન મળ્યો , પણ કપડા છબછબતાં  હોય એવો અવાજ સંભળાયો.

સવલાને પણ કપડાં  છબછબાાતા હોય સંભળાયું તેના મનમાં થયું , આ તો ભારે ચરિતર લાગે છે … જરૂર કોક ચૂંડેલે જાળ પાથરી લાગે છે … પણ દરબાર આમ પીઠ વાળીને કેમ ઉભા હશે.

થોડી પળો વધારે પસાર થઇ. નાગવાળાની ધીરજ  એવી તે એવી જ રહી … ત્યાં તો નાગમદ બીનાં કપડાંનો વીંટી એક હાથમાં લઈને બહાર આવી અને નાગવાળાના ખભા પર હાથ મૂકતાં  બોલી : ‘ગનો માફ કરજે , નાગ ! મનમાં ભૈ …’

નાગવાળાએ તરત નાગમદે તરફ ફરીને કહ્યું ‘કોનો ભે, નાગમ ? ’

‘ગમે તેમ તોય તું પુરુષ’

‘નાગમ , જેના કાળજે નેડલો ઊગે એનો ભય  રખાય નહીં પણ તું એકલી કાં ? લાખું કેમ નોં દેખાણી ? ’

લાખુ શે’રમાં ઘીનાં ઠામ લઇને ગઈ છે …’

સવલો તો આવાક બની ગયો હતો . આ તો નથી . ચૂડેલ કે નથી ડાકલ … આ તો જેના હીરારોકા નખ હતા ઈ નાગમદે છે . હવે વાત સમજાણી … ’

વાવના કાંઠેથી એકબીજાના હાથ પકડીને બંને વડલા તરફ વળ્યાં … ચારછ ડગલાં ચાલીને નાગવાળો ઊભો રહી ગયો અને બોલ્યો :  ‘નાગમ , એકલાં આવતાં તું ને ભય નોં લાગ્યો ?’

‘ તારી પાસે આવવામાં ભય શેનો ?’

‘ તો તેં માફી શા સારું માગી’તી ?’

‘અસ્ત્રી જાતનો સ્વભાવ છે ને…’

નાગવાળાએ નાગમના મસ્તક પર હાથ મૂકતાં કહ્યું : ‘નાગમ, હું પુરૂષ જાતિનો સ્વભાવ ભૂલી ગયો છું… તું અસ્ત્રી જાતીનો સ્વભાવ

ભૂલી જા પછી કોઈને કોઈનો ભયં નઈ રીયે.’

‘તો એક કામ કરીશ ? ’

‘કે’નેૅ?’

‘કાલ જરા વે’લો આવજે , આપણે   બેય વાવમાં નાશુ… તરતાં તો આવડે છે ને…’

‘હા…  હું તને બૂડવા નહીં દઉં..તું મને બુડવા દઈશ મા …’

સવલો આ વાર્તાલાપ સાંભળી ગયો. મનમાં થયું   આવી સોનાવરણા અપ્સરા મળે પછી દરબાર રોઢા ટાણે શું કામ નો આવે…?

બંને વડ પાસે ગયો . નીચે બેઠા … નાગમદેએ રોઢાની સામગ્રી કાઢીને એકબીજાને બટકાં આપવા માંડમાં બે કલ્લોલ કરવા માંડમાં.

સવલાને થયું . આ તો ભારે કે’વાય .. બા ને વાત કરીને બાપુને બચાવી લેવા જોઈ હવે મારે અહી રોકાવું એ બરાબર નથી . છે હાલતો થઈ જાઉં…

‘પણ હૈયું જરા ય હચમચતું  નહોતું , રોઢો કરીને બેય બથોડે બંધાશે કે શું કરશે જોવાની તાલાવેલી સવલા માટે તીવ્ર બની હતી … અને સાથોસાથ , જો કળાઈ ગયો તો માથું વઢાઈ જાશે એવો ભય પણ ઊભો થયો હતો . ભયને માથા પર રાખવો તે ડા’પણ નથી , આવડી નાની ઉંમરે સંતલીને બીજું ઘર માંડવા જાવું પડે એ કેમ જીરવી શકાય ? ના ના હવે જીવતા હાલતો જ થાઉં … જોવાનું હતું ઈ જોવાઈ ગીયું છે.

આમ વિચારી સવલો આસ્તેથી ચાલતો થઈ ગયો.

નાગમદે ને નાગવાળો હૈયાધરપતથી વાતું કરતાં કરતાં કૂણાં ઢેબરાં , મીઠું દહીં ને ડુંગળી ખાઈ રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.