Abtak Media Google News

યુપીએના ગોપાલકૃષ્ણ ગાંધી સાથે વેંકૈયા ટકરાશે

ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીનો કાર્યકાળ પુરો થઈ રહ્યો હોવાથી ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે. યુપીએ તરફથી ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એનડીએ દ્વારા ઉમેદવારના નામ માટે લાંબો સમય લેવામાં આવ્યો હતો. ઉમેદવારી નોંધાવવાના એક દિવસ અગાઉ મળેલી ભાજપની સંસદીય બેઠકમાં લાંબી ચર્ચા બાદ અંતે વેંકૈયા નાયડુને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નાયડુની પસંદગી માટે ભાજપમાં તમામ સભ્યો દ્વારા આનંદ વ્યકત કરવામાં આવ્યો છે. અમિત શાહે આ બાબતે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે, ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે વેંકૈયા નાયડુ ઉમેદવારી નોંધાવશે. હાલમાં વેંકૈયા નાયડુ શહેરી વિકાસ મંત્રાલય અને સુચના અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી ધરાવે છે. જો કે, ઉપ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ બન્ને પદ છોડવા પડશે જેથી મંત્રી મંડળનું પણ વિસ્તરણ થવાની પુરેપુરી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

વેંકૈયા નાયડુની પસંદગી પાછળ પણ ભાજપની મહત્વની રણનીતિ છે. દક્ષિણ રાજયોમાં ભાજપની પકડ નબળી છે. વેંકૈયા નાયડુ દક્ષિણના એક એવા નેતા છે કે જે હિન્દી ઉપર મજબૂત પકડ ધરાવે છે. ઉપરાંત ઉત્તરમાં પણ વેંકૈયા બહોળુ સમર્થન ધરાવતા નેતા છે. આ પરિસ્થિતિમાં વેંકૈયાના નામની પસંદગી દક્ષિણમાં ભાજપની પકડ મજબૂત કરે તેવી આશા છે.

 


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.