Abtak Media Google News

બાળકોને સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડયા:  શિક્ષણાધિકારીએ  તપાસના આદેશ આપ્યા: ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા

વેરાવળની ખાનગી શીશુ મંદિર ઈન્ટરનેશનલ સ્કુલમાં બપોરનું ભોજન જમ્યા બાદ  65થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા બે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવયા હતા. જેની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ હોસ્પિટલે દોડી જઈ સ્કુલ દ્વારા પોતાના બાળક અને ઘટના અંગે કોઈ જાણ ન કરી હોવાને  લઈ સ્કુલ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવી ઘટનાની તપાસ કરવા માગ કરી હતી.જિલ્લા શિક્ષણધિકારીએ ટીપીઓની ટીમને ઘટનાની તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા આદેશ કર્યો છે.

Advertisement

વેરાવળની શીશુ મંદિર ઇન્ટરનેશનલ ડે સ્કૂલમાં  ે ધો .1 થી 5 ના વિદ્યાર્થીઓએ ભોજન લીધાના થોડા સમય બાદ અમુક વિદ્યાર્થીઓને પેટમાં દુ:ખાવા સાથે ઉલટી થવા લાગી હતી. થોડા સમયમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને એકસાથે ઉલટી થવા લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં સ્કૂલવાનમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ખાનગી બિરલા અને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . આ ઘટનાને પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમા , પીઆઇ સુનિલ ઈશરણી , ગોસ્વામી સહિત સામાજિક આગેવાનો અને બિરલા કંપનીના અધિકારી નસીર મીરઝા , લક્ષેષ ગોસ્વામી હોસ્પિટલે દોડી આવ્યા હતા.

આ ઘટના અંગે એક બાળક્ના વાલી મમદભાઈ ઝાગાએ જણાવેલું કે , આ ઘટનાની જાણ અમોને સમાચાર મારફતે થઈ હતી . આવડી મોટી ઘટના બની હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ તરફથી વાલીઓને સમયસર જાણ ન કરી ગંભીર બેદરકારી દાખવી છે. આ ઘટના ક્યાં કારણોસર બની તે બાબતે તપાસ કરી કસૂરવારોને સજા કરવા માગ છે. સ્કૂલના ટ્રસ્ટી રમેશ ચોપડકરે બચાવ કરતા જણાવેલું કે, બાળકોએ બપોરનું ભોજન જમ્યા બાદ યોગ કર્યા હોવાથી આવું બની શક્યું હોય શકે છે કારણ કે , આજનું ભોજન બાળકો સાથે શિક્ષકો અને સ્ટાફે પણ આરોગ્યું છે . ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, જો વાલીઓ ફરિયાદ કરવા આગળ આવશે તો તેમની સાથે રહી ઘટનાને લઈ તટસ્થ તપાસ કરાવવા મદદરૂપ બનીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.