Abtak Media Google News

વેરાવળમાં બુદ્ધનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતાં પુત્રએ જીવન ટૂંકાવી લીધું હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુકાવતા પરિવારમાં કલ્પાંત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં બુધ્ધનગર વિસ્તારમાં રહેતા અંકિત ઉર્ફે ભૂરો બિપીનભાઈ દાફડા નામના 20 વર્ષીય યુવાને ગત મોડી રાત્રીના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અંકિત ઉર્ફે ભૂરો દાફડાના માતાનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયું હતું. ત્યાર બાદ યુવકે અભ્યાસ મૂકી દીધો હતો. તે દરમિયાન પિતાએ પરિવારનું ગુજરાન ચલાવવા બાબતે કામ કરવા અંગે પુત્રને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા પુત્રએ આપઘાત કરી લીધાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.