Abtak Media Google News

અમદાવાદમાં ૧૭ વોર્ડને આવરી લેતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ૨૨ કિ.મી.ની લાંબી જનસંપર્ક યાત્રા: વડોદરામાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસની વોર્ડવાઈઝ સ્કૂટર રેલી

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી રવિવારે યોજાનારી ચૂંટણીના મતદાનના આજે સાંજે છ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય પક્ષો તથા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. હવે બંધ બારણે બેઠકોનો દૌર શરૂ થશે જેમાં મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. અમદાવાદમાં આજે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ૧૭ વોર્ડને આવરી લેતી ૨૨ કિ.મી. લાંબી જનસંપર્ક યાત્રા યોજી હતી. તો વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે સવારે રાજકોટમાં વોર્ડવાઈઝ સ્કૂટર રેલી યોજી અંતિમ ઘડીઓમાં મતદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યો હતો.

Advertisement

રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, વ ડોદરા અને સુરત મહાનગરપાલિકા માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણીપંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાને ૪૮ કલાકે પૂર્વે પ્રચાર બંધ કરી દેવાનો રહે છે. આજે સાંજે છ કલાકે છ મહાપાલિકાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ બંધ થઈ જશે. પ્રચારના અંતિમ કલાકોમાં મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને શક્ય તેટલા મતદારોને પોતાની તરફ આકર્ષીત કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે સવારે અમદાવાદ ખાતે ૧૭ વોર્ડને આવરી લેતી ૨૨ કિ.મી. લાંબી એક વિશાળ જન સંપર્ક યાત્રા યોજી હતી. જેમાં રીતસર જન શૈલાબ ઉમટ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે પણ અંતિમ કલાકોમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે વડોદરામાં પ્રચાર કર્યા હતા તો ભાવનગર, સુરત, જામનગરમાં પણ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં એડીચોટીનું જોર લગાવી દીધું હતું.

આજે સવારે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વોર્ડવાઈઝ સ્કૂટર રેલી કાઢી પ્રચાર કરવામાં આવ્યો હતો. આજે સાંજે છ વાગ્યાથી પ્રચારના ભુંગળા શાંત થઈ જશે. ત્યારબાદ મતદારોને મનાવવા માટે બંધ બારણે બેઠકોનો દૌર શરૂ થશે. મતદાન પૂર્વેની રાતને સામાન્ય રીતે કત્તલની રાત તરીકે ઓળખવામાં આવતી હોય છે અને આ રાત્રે શકય તેટલા લોકો પોતાની તરફ આકર્ષાય તેવા પ્રયત્ન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા હોય છે.

આ વખતે મહાપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારના દિવસો ખુબજ ઓછા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણતરી કરવામાં આવે તો માત્ર ૧૩ દિવસ જ પ્રચાર માટે બચ્યા હતા. વોર્ડનો વિસ્તાર વધ્યો હોવાના કારણે આટલા દિવસોમાં ડોર ટુ ડોર લોકસંપર્ક માટે પણ ઉમેદવારોએ મહામહેનત કરવી પડી હતી. ટૂંકમાં આ વખતે ચૂંટણીલક્ષી માહોલ જામે તે પહેલા  જ પ્રચારના ભુંગળા શાંત થઈ ગયા હોય તેવો અહેસાસ ખુદ મતદારો કરી રહ્યાં છે.

આગામી રવિવારે સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૬ વાગ્યા સુધી રાજ્યની છ મહાનગરપાલિકાઓની ૫૭૬ બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના બે વોર્ડની બે બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૩મી ફેબ્રુઆરી અર્થાત મંગળવાર સવારથી એકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.