૩૧મીએ “વર્ચ્યુલી” અને ૧૨મીએ “ફિઝીક્લી” મોદી ગુજરાતમાં!!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મીએ રાજકોટ ખાતે એઈમ્સ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટનું વર્ચ્યુલી ખાતમુહૂર્ત કરશે

૧૨મીએ કેવડીયા ખાતે નવનિર્મિત રેલ્વે સ્ટેશનનો શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૩૧મીના રોજ રાજકોટ ખાતે વર્ચ્યુલી હાજર રહેશે. વડાપ્રધાન રાજકોટ ખાતે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સમાન એઇમ્સ પ્રોજેક્ટનું ૩૧મી વર્ચ્યુલી ખાતમુહૂર્ત કરનાર છે. તે ઉપરાંત ૩૧મીના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ મહાનગર પાલિકાના રૈયા સ્માર્ટ સીટી એરિયા ખાતે રૂ. ૧૧૮ના ખર્ચે નિર્માણ પામનાર લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું પણ ઈ-ખાતમુહૂર્ત કરશે. ત્યારે ૧૨મીએ વડાપ્રધાન ગુજરાતમાં ફિઝીકલી હાજર રહે તેવી સંપૂર્ણ શકયતા છે. ૧૨મી વડાપ્રધાન કેવડિયાની વધુ એક મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેવડિયા ખાતે નવનિર્મિત રેલવે સ્ટેશનનું અનાવરણ કરે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી તારીખ ૩૧મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે વર્ચ્યુલી હાજર રહી એઇમ્સનું ઈ-ખાતમુહૂર્ત કરાવી એઇમ્સ પ્રોજેકટનું શ્રી ગણેશાય નમ: કરાવશે. તે ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા રૈયા રોડ ખાતે નિર્માણાધીન રૈયા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું પણ ઈ-ખાતમુહૂર્ત કરે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે. રાજકોટ મનપા અને વહીવટી તંત્ર દ્વારા પ્રોજેકટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તકે વડાપ્રધાનની વર્ચ્યુલ હાજરી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ફિઝિકલ હાજરી રાજકોટ ખાતે રહેનાર છે.

તે સિવાય હાલ વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે. આગામી તારીખ ૧૨ની જાન્યુઆરીના રોજ કેવડિયા ખાતે નવનિર્મિત રેલવે સ્ટેશનના લોકાર્પણ માટે વડાપ્રધાન ગુજરાત આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ઉપરાંત અનેક પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના વરદ હસ્તે કરાવવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલ પ્રબળ બની છે.

સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન ૧૨મી કેવડિયાનું નવનિર્મિત રેલવે સ્ટેશનના લોકાર્પણ તેમજ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત હોટેલનું પણ લોકાર્પણ કરશે. તે ઉપરાંત પાટીદાર સમાજના વડું મથક સમાન સરદાર ધામ ખાતે યોજાનાર એક સામાજિક કાર્યક્રમમાં પણ વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.