Abtak Media Google News

વાયા વિસાવદર થઇને પસાર થતો રોડ જર્જરિત હોવાથી નાની મોણપરી, દાદર, બરડીયાનો લોકો ત્રાહિમામ

મેંદરડા- બગસરા રોડ હાલ સાવ બિસ્માર  હાલતમાં હોવાથી લોકોને ખુબ હાલાકી વેઠવી પડે છે. વાયા વિસાવદર થઇને પસાર થતો રોડ જર્જરીત હોવાથી નાની મોણપરી, દાદર, બરડીયાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમાં પણ સ્થાનીક નેતાઓના ઉડાવ જવાબના કારણે લોકો ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે. જે આ અંગે તાકીદે ઘટતું કરવામાં નહી આવે તો આ વિસ્તારના લોકો રસ્તા રોકો આંદોલન કરશે.

Advertisement

છેલ્લા કેટલાય સમયથી મેંદરડા બગસરા રોડ જે વાયા વિસાવદર થી પસાર થાય છે તેની હાલત જોઈ એમ લાગે છે કે આ આખેઆખા રોડને ઉપાડી અને રાષ્ટ્રીય ધરોહર તરીકે પુરાતત્વ ખાતાને સોંપી દેવો જોઈએ. આમ જોઈએ તો ખરાબ રોડની વ્યાખ્યા માં રોડની વચ્ચે કયાંક કયાંક ખાડા જોવા મળતા હોય છે પણ આ રોડમાં તો કયાંક ખાડાઓની વચ્ચે રોડના અવશેષો જોવા મળે છે. વિસાવદર આવતા નાની મોણપરી, દાદર, બરડીયા ગામડાના સ્થાનિક લોકો એટલા ત્રાહિમામ છે કે વિસાવદર આવવાની વાતથી ક્રોધ અને આવેશમાં આવી જાય છે.કોઈ ગર્ભવસ્થ મહિલા માટે આ રોડ ખુબજ ખતરા‚પ બની ગયો છે.  આ રસ્તા પરથી કાયમ પસાર થતા લોકો પણ સતત હાડમારી ભોગવી રહયા છે તો કેટલાક લોકોએ સ્થાનિકો નેતાઓને આ બાબતે રજૂઆત કરી તો એમ જવાબો મળે કે કયાં વિભાગ હેઠળ આ રોડ આવે છે તે જાણીને કહો તો ત્યાં રજુઆત કરીએ, લોકો  આ રોડને લઈ ખૂબ જ હૈરાન પરેશાન છે તો આ રોડની મરમ્મત અથવા નવા રોડની તાત્કાલીક ધોરણે કામની ફાળવણી કરવામાં આવે તેવું ઈચ્છી રહયા છે.

જો આ બાબતે પ્રશાસન યોગ્ય કાયેવાહી નહીં કરે તો આ વિસ્તારના લોકો રસ્તા રોકો આંદોલન કરવાનું વિચારી રહયા છે. તેમ છતા આ પ્રશ્ર્નનો ઉકેલ શાંતિથી મળી જાય તેવી લોકમાંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.