Abtak Media Google News
  • 2019માં આ બેઠકોમાંથી એનડીએએ 61 અને યુપીએએ 24 અન્યોએ 3 બેઠકો જીતી હતી: 2 પૂર્વ કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ રાજ્ય મંત્રીઓનું પણ કાલે ભાવિ થશે નક્કી
  • મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ઠેલવાય

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે. ગઈકાલે પ્રચાર ભૂંગળા શાંત થયા બાદ આજે કતલની રાત છે. તમામ રાજ્યોમાં હાલ તંત્ર એલર્ટ મોડ ઉપર છે.

આવતીકાલે કેરળની તમામ 20 સીટો પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14, રાજસ્થાનમાં 13 સીટો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો, મધ્યપ્રદેશની 7 સીટો, આસામ અને બિહારમાં 5-5 સીટો પર મતદાન થશે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર મતદાન થશે જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. અગાઉ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું.  આમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.

બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.  તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે સુરેશના ભાઈ ડી.કે. શિવકુમાર (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સહિતના ઉમેદવારો છે.

Screenshot 1 4

દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં કાલે મતદાન થશે.  બીજા તબક્કાની 88 બેઠકોમાંથી છેલ્લી ચૂંટણીમાં, એનડીએએ 61 બેઠકો જીતી હતી અને યુપીએએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી.  બીજા તબક્કામાં 2 મંત્રીમંડળ અને 4 રાજ્ય મંત્રીઓનું ભાવિ જનતા નક્કી કરશે.  આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી.  તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે.  ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 7 બેઠકો છેલ્લે 2019માં ભાજપ પાસે હતી.

ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી છે.  જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થશે.

બીજા તબક્કામાં, યુપીની 8 લોકસભા બેઠકો કે જેના માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે.  બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.  તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલનો પણ સમાવેશ થાય છે.  અમરોહાથી કોંગ્રેસના દાનિશ અલી, ગાઝિયાબાદથી બીજેપીના અતુલ ગર્ગ, ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા પણ મેદાનમાં છે, અને સતત તેમના વિસ્તારોમાં જઈને લોકો પાસેથી સમર્થન માંગી રહ્યા છે.

આ તબક્કામાં જે આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપે 2019ની ચૂંટણીમાં 7 બેઠકો જીતી હતી, જ્યારે અમરોહામાં બસપાનો વિજય થયો હતો.  અમરોહાના સાંસદ દાનિશ અલી આ બેઠક પરથી ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  ચૂંટણી પંચના નિયમો મુજબ, મુક્ત, સમાવેશી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા માટે, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી તમામ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિઓ મતદાનનો સમયગાળો પૂરો થવાના 48 કલાક પહેલા સાંજે 6 વાગ્યાથી બંધ થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.