Abtak Media Google News

પેટા ચૂંટણીના પરિણામો લોકસભામાં અસર કરશે?

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અલગ અલગ મુદ્દાઓના આધારે લડાતી હોય છે: કેન્દ્રમાં પ્રજા મોદીને જોવા ઇચ્છે છે: પ્રદેશ ભાજપના નેતાઓ હવે સ્થાનિક કાર્યકરોને કેવી રીતે ઉત્સાહનો બુસ્ટર ડોઝ આપશે ?

કોંગ્રેસ માટે પેટા ચૂંટણીના પરિણામો નવી આશાનું કિરણ: ભાજપની જ બી ટીમ સમી ‘આપ’ હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ‘એ પ્લસ’ રિઝલ્ટ આપી શકશે?

ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગર પાલિકાની પેટા ચુંટણીના પરિણામોએ લોકસભાની ચુંટણી પહેલા ભાજપ માટે ચિંતા વધારનારા બન્યા છે. લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાના ભાજપના સપનાનું સુરસુરિયું તો નહી કરી નાંખને તેવી પણ દહેશત ઉભી થવા પામી છે. બીજી તરફ કોંગ્રેસ માટે ચુંટણીના પરિણામો નવી આશાના કિરણસમાન છે.

દરેક ચુંટણી અલગ અલગ મુદ્દાઓના આધારે લડાતી હોય છે સ્થાનીક સ્વરાજયની ચુંટણી હવે પરિપકવ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. પક્ષના આધારે નહી પરંતુ કામ કરે તેવા લોકોને જનતા ચુંટતી હોય છે. કેન્દ્રમાં વડાપ્રધાન પદે દેશની જનતા નરેન્દ્રભાઇ મોદીને જોવા ઇચ્છી રહી છે. તેમાં કોઇ શંકા નથી પરંતુ પેટા ચુંટણીના પરિણામોએ ભાજપની ચિંતા  વધારી દીધી છે. સતત ત્રીજી વખત ગુજરાતમાં લોકસભાની તમામ ર6 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે જ પરંતુ વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ તમામ બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે. આ ટારર્ગેટ સામે પેટા ચુંટણીના પરિણામે આ લક્ષ્યાંક સામે વિઘ્ન ઉભું કર્યુ છે.

પેટા ચુંટણીમાં ભાજપની ચાર બેઠકો ઘટી છે જયારે જે ર1 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે ત્યાં પણ માર્જીને પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. બે બેઠકોમાં એવી છે કે જયાં ભાજપના ઉમેદવાર બે અને ચાર મતોથી લીડ સાથે જીત્યા છે.

સુરત મહાપાલિકામાં પણ ભાજપના વોટશેરમાં ઘટાડો નોંધાયો છે. આ તમામ બાબતો લોકસભાની ચુંટણીમાં તમામ ર6 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાના પાટીલના લક્ષ્યાંક સામે પહાડ બનીને ઉભા રહી ગયા છે.

અત્યાર સુધી આમ આદમી પાર્ટીને કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ ગણાવતા હતા. પરંતુ મજબૂરીના કારણે હવે કોંગ્રેસે આપ સાથે બેસવાની જરુરીયાત ઉભી થઇ છે. બી ટીમ એવી ‘આપ’ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચુંટણીમાં એ પ્લસ પરિણામ હાંસલ કરી શકશે કે કેમ તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે.

કોંગ્રેસ માટે પેટા ચુંટણીના પરિણામો ચોકકસ ઉત્સાહપૂર્વક છે પરંતુ કાર્યકરોમાં આ ઉત્સાહ સતત જળવાય રહે તે પણ જરુરી છે.

બીજી તરફ પ્રદેશ ભાજપના સંગઠનના હોદેદારો સામે પણ હવે પક્ષના કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરવાની જવાબદારી આવી પડી છે. નેતાઓ હમેશા કહે છે કે ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી. જીતે છે અથવા શીખે છે હવે જોવા એ રહે છે કે પેટા ચુંટણીના પરિણામમાંથી ભાજપના કાયકરો શું શીખ લેશે. પેટા ચુંટણીના પરિણામોએ સત્તાના સમીકરણો પર કોઇ જ પ્રકારની અસર કરી નથી છતાં બન્ને પક્ષો માટે પરિણામો ખુબ જ સુચક છે.

રાજયની સુરત મહાનગરપાલિકાની એક બેઠક અને અલગ અલગ 18 નગરપાલિકાની ર9 બેઠકો માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું. ગઇકાલે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ ર1 બેઠકો પર વિજેતા બન્યું છે. જયારે કોંગ્રેસ આઠ બેઠકો પર જીત્યું છે. જયારે અન્ય એક બેઠક પર કોગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.1 ની ત્રણ બેઠકો જે અગાઉ ભાજપ પાસે હતી તે પેટા ચુંટણીમાં કોંગ્રેસે આંચકી લીધી છે. ત્રણેય બેઠકો પર કોંગ્રેસના પ્રતિક પરથી ચુંટણી લડતા ઉમેદવારોની જીત થઇ છે. આ ઉપરાંત જંબુસર નગરપાલીકાના વોર્ડ નં. 1 ની એક બેઠક પણ ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી છે.

આમોદ નગરપાલિકાની બેકઠક અગાઉ ભાજપ પાસે હતી. જે બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. આ બેઠક પર જીતનાર અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પેટા ચુંટણીના પરિણામોથી ભલે સત્તાના સમિકરણો પર કોઇ જ અસર પડવાની ન હોય પરંતુ કોંગ્રેસ માટે લોકસભાની ચુંટણી પૂર્વ ઉત્સાહ વધારનારી બની જશે રાહુલ ગાંધીની સજા સામે સ્ટે અપાયા બાદ ફરી તેઓ લોકસભાના સભ્યપદે પુન: સ્થાપિત થતા હાલ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોનો  ઉત્સાહ સાતમાં આસમાને પહોચ્યા છે. દરમિયાન પેટા ચુંટણીના પરિણામોએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોની નવી શકિત પ્રદાન કરી છે. બન્ને પક્ષો ભલે એવા દાદા કરી રહ્યા હોય કે પેટા ચુંટણીના પરિણામો અમારા તરફી રહ્યા છે. પરંતુ  વાસ્તવમાં કોંગ્રેસ માટે પરિણામો નવી આશા લઇને આવ્યા છે. જયારે ભાજપ માટે લોકસભાની ચુંટણી પૂર્વ  થોડી ચિંતા ઉભી કરનારા છે. ભાજપે એવો દાવો કર્યો છે કે ત્રણ બેઠકો પર તો કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ પણ ડુલ થઇ છે. જયાર સામા પક્ષે કોંગ્રેસે દાવો કર્યો છે કે અમારી ચાર બેઠક વધી છે જયારે બે બેઠકો તો અમે માત્ર  બે થી લઇ ચાર મતોની પાતળી લીડથી ગુમાવી છે.

પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે,  પેટા ચૂંટણીના આ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે આજે પણ ગુજરાતના મતદારોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં દેશ અને ગુજરાતમાં જે રીતે કામો થઇ રહ્યા છે તેનાથી જનતાનો પક્ષ પ્રત્યે વિશ્વાસ વધતો જાય છે. ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે. પેટા ચૂંટણીમાં દરેક મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ બતાવ્યો છે  ભાજપે એક મહાનગર પાલિકા અને  20 નગરપાલિકા મળીને કુલ 21 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. અંદાજે કુલ 70 ટકા જેટલી બેઠકો ભાજપને ફાળે આવી છે. તો ત્રણ બેઠકો પર કોંગ્રેસની તો પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે.

પ્રદેશ કોંગ્રેસ ા ઉપપ્રમુખ બિમલ શાહે જણાવ્યું હતું કે, નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય થયો છે. રાજ્યમાં 18 નગરપાલિકાની 29 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષનો એટલે કે 9 બેઠક પર વિજય થયો છે. આઠ બેઠકો અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે. યોજાયેલ પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ બની છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે. સુરત શહેરની મહાનગરપાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે.

હંમેશા એવું જોવાતુ હોય છે કે પેટા ચૂંટણીમાં સત્તા ધારી પક્ષની જીત થતી હોય છે પણ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યો છે અને જનતાએ નાની ચૂંટણીમાં પણ ભાજપા સરકારની નિતીઓ ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓથી ત્રસ્ત થઈને મતદાન કર્યું છે, જે પરિણામોમાં ઊડીને આંખે વળગે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જે મત વિસ્તારમાં છે ત્યાં માત્ર 23 ટકા મતદાન થયું હતું જે દર્શાવે છે કે જનતા ભાજપા શાસકોના વચન-વાયદાથી ત્રસ્ત થઈ નિરાશાજનક મતદાન જોવા મળ્યું.

હમારી જેલ મેં સુરંગ

પાટીલ વિરૂઘ્ધ પત્રિકા કાંડમાં સૌરાષ્ટ્રના બે સહિત પાંચ પૂર્વ મંત્રીઓની સંડોવણીની આશંકા

ભાજપમાં આગામી દિવસોમાં મોટા ધડાકાના એંધાણ

ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ વિરૂઘ્ધ પત્રિકા વિતરણમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યો છે આ ઘટનામાં સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના 3 પૂર્વ મંત્રીઓની સંડોવણી હોવાનો નવો જ ધડાકો થયો છે.

પક્ષ પ્રમુખ સી.આર. પાટીલ સામે ફરતી થયેલી પત્રિકા, પેનડ્રાઇવ અને પત્ર ફરતા કરનારાઓને ઝડપી લીધા પછી સમગ્ર ષડયંત્ર પાછળ દોરીસંચાર કરનારાના પોલીસ તપાસમાં બહાર આવેલા નામોથી  છેક દિલ્હી સુધી આંચકો અનુભવાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના બે મળી કુલ પાંચ પૂર્વ મંત્રીઓની સીધી-આડકતરી ભૂમિકાની વિગતો બહાર આવી છે. જોકે, હાલ આ મામલે રાષ્ટ્રીય નેતૃત્ત્વના જ આદેશ પછી આગળની રાજકીય કાર્યવાહી હાથ ધરાશે એ

ગયા મહિને એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો અને એમાં દેખાતા વ્યક્તિએ ભાજપ પ્રમુખ પાટીલ સામે કેટલાક આર્થિક વ્યવહારોના આરોપ મૂક્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી વીડિયોમાં દેખાનાર વ્યક્તિ અને એની પાછળ દોરીસંચાર કરનારાઓની એક પછી એક

ધરપકડ કરવાની શરૂઆત કરી હતી. આ તપાસ ચાલી રહી હતી, એવામાં આગળનો ઘટનાક્રમ આકાર પામે છે. એમાં ભાજપના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોના સરનામા પર એક વાદળી કલરના કવરમાં પત્ર, પેનડ્રાઇવ પહોંચે છે, એમાં વધુ ચોંકાવનારા આરોપો પાટીલ અને અન્ય કેટલાક લોકો સામે કરવામાં આવ્યા હતા. આથી તત્કાળ સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઇએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી. આમ, બે ફરિયાદોને ગંભીરતાથી લઇ સુરત પોલીસે સમગ્ર પગેરું દબાવ્યું હતું. એમાં પૂર્વ મંત્રી અને પાટીલના મતવિસ્તાર માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના પીએ રાકેશ સોલંકી, ખુમાનસિંહ પટેલ, અને દીપુ યાદવને ઝડપી લીધા હતા. આ જ રીતે વીડિયોમાં દેખાય છે એ અને અન્ય વીડિયો પણ ક્યાં તૈયાર કરાયા હતા એની તમામ વિગતો, વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે.

આ તમામે ક્યાંથી પત્ર ટાઇપ કર્યો, કેટલી કોપી કઢાવી, ક્યાંથી પેનડ્રાઇવ ખરીદી અને કોને આ કવરો પોસ્ટ કરવાની કામગીરી સોંપી હતી એની કબૂલાત કરી હતી. આની સાથોસાથ આમ કરવા પાછળ કોણે પ્રેરિત અને સૂચના આપી હતી એની જાણકારી પોલીસને આપી હતી.

સૌરાષ્ટ્રના એક મંત્રી બનેલા વગદાર આગેવાનની પણ સુરતમાં અવારનવાર મુલાકાતોએ રાજનેતાઓમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. કહે છે કે, આની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક આગેવાનો, મંત્રીઓએ પણ ગોઠવણો પાર પાડી હતી.  આથી આ લોકોની મુરાદ અધૂરી રહી જવા પામી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.આ જાણકારી અને પછી દોરીસંચાર કરનાર પૂર્વ મંત્રી ગણપત વસાવાએ પ્રમુખ પાટીલને મળી પોતાના કારનામાનો ચીઠ્ઠો અને માફીનામુ લખીને આપ્યું હતું. સ્વાભાવિક છે કે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારમાં શિક્ષિત આદિવાસી આગેવાન તરીકે કરેલી કામગીરીથી આકર્ષાઇને વસાવાને ધારાસભ્ય, મંત્રી અને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.

2022ની ચૂંટણીમાં મોટાભાગના મંત્રીઓને પડતાં મૂકાયા ત્યારે વસાવાને ટિકિટ મળી હતી એમ છતાંય આવુ પગલું ભરવા પાછળ અન્ય કોઇ હોઇ શકે એવી આશંકા વધારે મજબૂત થઇ હતી. આખરે સાંયોગિક પુરાવા, વિગતો, માહિતી પછી પક્ષ અને પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતોએ ભૂકંપ સર્જી દીધો છે.હાલ તો મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું પ્રકરણ બહાર આવ્યું છે એની સાથે હવે લોકસભાની ચૂંટણીની આગળની તૈયારીઓમાં સંગઠનને વધુ સક્રિય કરવા તરફ નેતૃત્ત્વએ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું છે, પણ જેમની સામે શંકાની સોય છે એવા રાજનેતાઓને હમણાં સંવેદનશીલ કામકાજ સોંપાશે નહીં એ નિશ્ચિત છે. હાલ તેમની સામે કોઇ દેખીતા પગલાં લેવામાં આવે તેવી શક્યતા નજીકના ભવિષ્યમાં નથી એમ છતાં સઘળો આધાર રાષ્ટ્રીય નેતૃત્ત્વ પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.