Abtak Media Google News

ભાજપના વિજયરથને રોકવા વિપક્ષોની વન ઓન વન ફોર્મ્યુલા, 543 પૈકી 450 બેઠકો ઉપર વિપક્ષમાંથી કોઈ પણ એક મજબૂત પક્ષ એકલા હાથે ભાજપ સામે લડશે

ભાજપનો વિજય રથ સતત આગળ વધી રહ્યો છે. જેને રોકવા હવે વિપક્ષ એક થઇ રહ્યું છે. હાલ વિપક્ષે વન ઓન વનની ફોર્મ્યુલા બનાવી છે. જેમાં લોકસભાની 543 પૈકી 450 બેઠકો ઉપર વિપક્ષમાંથી કોઈ એક મજબૂત પક્ષ ભાજપ સામે એકલા હાથે લડશે. હાલ આ રણનીતી ઉપર વિપક્ષોએ કામ પણ શરૂ કર્યાના અહેવાલો મળી રહ્યા છે.

આ મહિનાના અંતમાં પટણામાં વિપક્ષો તેમની પ્રથમ બેઠક યોજવાની તૈયારી કરી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ સામે સંયુક્ત રીતે લડવા માટે હાલ અંદરખાને તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

હાલ વિપક્ષોએ 543 લોકસભા બેઠકોમાંથી 450 બેઠકો એવી શોધી છે જેમાં ભાજપ સામે એકલા હાથે વિપક્ષમાંથી જ કોઈ એક પક્ષ લડશે. બીજા વિપક્ષ મેદાન છોડી દેશે. જેથી મતનું વિભાજન ન થાય. તે ફોર્મ્યુલા કેવી રીતે કાર્ય કરે છે તે વિવાદાસ્પદ ભાગ છે જેને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે અને જ્યારે વિપક્ષી નેતાઓ પટના ખાતે બેઠક કરશે ત્યારે આ મુદ્દે અંતિમ રૂપરેખા આપવામાં આવનાર છે.

વન-ઓન-વન ફોર્મ્યુલાનો અર્થ એવો થશે કે પ્રાદેશિક પક્ષો જેઓ પોતપોતાના ક્ષેત્રોમાં મજબૂત છે, તેઓ પોતે ભાજપનો સામનો કરશે અને કોંગ્રેસ, રાષ્ટ્રીય પક્ષ એવા રાજ્યોમાં ભાજપનો સામનો કરશે જ્યાં તે સત્તાધારી ભાજપ સામે મુખ્ય દાવેદાર છે.  2021 માં તેમની વિધાનસભાની જીત પછી, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પ્રથમ વખત પ્રસ્તાવિત કરેલી આ ફોર્મ્યુલા અમુક રાજ્યો માટે જટિલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યાં બે વિરોધ પક્ષો મુખ્ય હરીફ છે, પરંતુ  વિપક્ષી એકતા માટે તેમના પક્ષો વતી કામ કરી રહેલા સુત્રોના જણાવ્યા અનુસાર અમુક સ્વરૂપે વિચારણા કરવી પડશે.

ટીએમસીના મુખપત્ર ‘જાગો બાંગ્લા’ના સંપાદકીય અનુસાર, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, વિપક્ષી જૂથના સંયોજક તરીકે  પટનામાં બેઠકની તૈયારી કરી રહ્યા છે,તેઓ વિરોધ પક્ષના ઘણા નેતાઓ અને મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતાઓ એકતા સુનિશ્ચિત કરવા આતુર છે. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા રાહુલ ગાંધી બંને પટના કોન્ક્લેવમાં હાજરી આપવાના છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંકેત આપ્યો હતો કે ભાજપ સામે લડવા માટે વિપક્ષી એકતા પર કામ સારી રીતે ચાલી રહ્યું છે.

કોંગ્રેસ માત્ર અડધી બેઠકો ઉપરથી જ ચૂંટણી લડી શકશે

લોકસભાની વાત આવે તો કોંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર મારી શકે તેમ નથી. કોંગ્રેસે વિપક્ષી એકતાનો સહારો લેવો પડે તેમ છે. પણ આવું કરવાથી કોંગ્રેસને ગુમાવવું પણ પડે તેમ છે. વિપક્ષી એકતા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું ગણિત રજુ કર્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસને 2019ના પ્રદર્શનના આધારે 242 થી વધુ બેઠકો પર લડવાની તક મળી શકે છે. આ એવી બેઠકો હતી જે ભાજપ સાથે સીધી લડાઈમાં કોંગ્રેસે જીતી હતી અથવા તો ઉપવિજેતા બની હતી. કોંગ્રેસ ગત વખતે 543 બેઠકમાંથી 421 બેઠકો ઉપર ચૂંટણી લડી હતી. આ 421 બેઠકોમાંથી 141 બેઠકો પર કોંગ્રેસે પોતાનો દાવો છોડવો પડશે. આ બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ ત્રીજા કે ચોથા ક્રમે આવી હતી. આમ કોંગ્રેસ જો વિપક્ષી એકતામાં સામેલ થાય છે તો કુલ 301 બેઠકોને જતી કરવી પડે તેમ છે.

વિપક્ષી એકતાની ગંધ આવતા ભાજપે સ્થાનિક કક્ષાએ ગ્રાઉન્ડ મજબૂત કર્યું

વિપક્ષી એકતાની ગંધ આવતા જ ભાજપે સ્થાનિક કક્ષાએ પોતાનું ગ્રાઉન્ડ મજબૂત બનાવ્યું છે. વિપક્ષી એકતા સામે મજબૂત ટક્કર આપવા ભાજપે વિકાસ કામોનું મોટું સરવૈયું બનાવ્યુ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાજપે હીરાસર એરપોર્ટનું 15 જુલાઇએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાજકોટથી અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીક ટ્રેનો આગામી જૂલાઈ માસમાં શરુ થઈ જશે તેમ  બે સાંસદોએ જાહેર કર્યું હતું. આમ ભાજપ હવે વિકાસના કામોને પુરપાટ ઝડપ આપી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.