“તને અહીં કામવાળી બનાવી લાવ્યા છીએ તારો ખર્ચ તારો બાપ ઉઠાવશે” કહી રાજકોટની પરિણિતા પર સાસરિયાનો ત્રાસ

દહેજ માંગતા પતિ,સસરા,સાસુ અને નણંદ  વિરુદ્ધ નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

રાજકોટમાં દહેજના લાલચુ અને પરણીતાને ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં છેલ્લા 5 મહિનાથી પુત્રી સાથે દોઢસો ફૂટ રિંગ રોડ, જલજીત સોસાયટીમાં તેના ભાઇ સાથે રહેતી ધર્મિષ્ઠા મકવાણાએ મૂળ જોડિયાના હડિયાણા ગામના અને હાલ રાજકોટના અટલ સરોવર પાસે રહેતા પતિ , સસરા , સાસુ અને નવસારી રહેતા નણંદ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ એલએલબી સુધીનો અભ્યાસ કરનાર ધર્મિષ્ઠાના લગ્ન તા.7-3-2014માં દેવેન ઉર્ફે ડેવિન સાથે થયા હતા. લગ્નના બીજા દિવસથી જ સસરા લલિતભાઇ લવજીભાઇ મકવાણા, સાસુ પ્રવિણાબેન, નવસારી રહેતા નણંદ મીરાબેનએ ત્રાસ આપવાનું શરૂ કરી પતિને ચઢામણી કરી દાંપત્ય જીવનમાં આગ ચાંપતા હતા. લગ્ન પૂર્વે અમારે એકલા રહેવાનું નક્કી થયું હતું. છતાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સાસુ-સસરાની ચઢામણીથી પતિ દેવેન ઉર્ફે ડેવિને ગાડી લેવાના મુદ્દે ઝઘડો કરી પિયરથી પૈસા લઇ આવવાનું કહી માર માર્યો હતો. જેથી પિયરથી રૂ.2.60 લાખ મગાવી પતિને આપ્યા હતા.

દરમિયાન એલએલબી બાદ પોતાનો બીજેએમસીનો અભ્યાસ ચાલુ હોય સાસરિયાઓ તને અહીં નોકરાણી  તરીકે લાવ્યા છીએ, તારે ભણવું હોય તો ખર્ચો તારા બાપ ઉઠાવશે તેમ કહી મેણાં માર અને સાસુ-સસરા મારા માતા-પિતાને ગાળો ભાંડતા હતા. પતિ કહ્યાં વગર 10 દિવસ સુધી ઘરે આવતા નહિ. ત્યારે નણંદ મીરા મેણાં મારી કહેતી કે તું કાળી છો, કામવાળી જેવી છો, આવી કાળીને કાઢી મૂકો, આનાથી પણ સારી કામવાળી ગોતી લાવીશું, મારો ભાઇતો હેન્ડસમ છે, બીજા લગ્ન કરાવી દઇશું. આવા મેણાની વાત પતિને કરતા તે દારૂ પીને ઝઘડો કરી માર મારતા હતા.

પોતાનું લગ્નજીવન ન તૂટે તે માટે સહન કરતી હતી. ત્યારે નણંદના લગ્ન સમયે પ્લોટ ખરીદવા માટે વધુ એક વખત પિયરથી રૂપિયા લઇ આવવાનું દબાણ કરતા ફરી પિતા પાસેથી કટકે કટકે સાડા ચાર લાખ રૂપિયા મગાવીને આપ્યા હતા. પોતે સગર્ભા હતી ત્યારે દવાનો તેમજ પ્રસૂતિનો ખર્ચ પણ મારા પિતાએ ભોગવ્યો હતો. દીકરીનો જન્મ થતા પતિ, સાસુ-સસરાએ વધુ ઝઘડા કરવા લાગ્યા હતા. દરમિયાન ગત રક્ષાબંધને ભાઇને રાખડી બાંધવા ગયા બાદ પતિ તેડવા આવવાની ના પાડી તું હવે નથી જોઇતી, તારા બાપના ઘરે જ રહેજે. અંતે પતિ સહિતના સાસરિયાઓના સામે મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે.