Abtak Media Google News

આપણા રાજકીય ક્ષેત્રને અને રાજકર્તાઓને લાખેણો બોધપાઠ

આપણી પૂણ્યભૂમિ પર માઁ હિંગળાજની શકિતપીઠ જેવી શકિતપીઠો ઉભી થાય તો ‘વિજયાદશમી’ નિશ્ચિત

આપણે ત્યાં નવરાત્રિ-શકિતપૂજાના પર્વની ઉજવણીનો થનગનાટ અને અણમોલ ઉત્સાં આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ પ્રતિદિન આગળ ધપી રહ્યો છે. અહી ગુણિયલ ગુજરાતણોનાં ગરબા, રાસ અને સંગીત નૃત્યની અસલિયત લુપ્ત થતા હોવાની લોકલાગણી અંગે ચોકકસ કાંઈ ટીકા-ટિપ્પણી કરવાનું ઉચિત નથી લાગતું એમાં ‘અભિપ્રાયભેદ’ની લક્ષ્મણરેખા લક્ષમાં લેવી પડે તેમ છે.

આમ છતા, પાસ-પ્રવેશ-વ્યવસ્થા-ગોઠવણો અને લેતીદેતીની ધમાચકડી વચ્ચે આ પર્વ અત્યંત ઉત્સાહ ઉમંગ અને શ્રધ્ધા-આસ્થા સાથે ઉજવાયું અને સુભગ સાફલ્યને પામ્યું એવું ચિત્ર ઉપસ્યા વિના રહેતું નથી.

અહીં એવો પ્રશ્ર્ન ઉઠે જ છે કે, મનોરંજનને ભકિતભીના મુકત વસ્ત્રાભિષેક તથા શોભાશરગારની જાજરમાન ઉજવણી ઉપરાંત આ પર્વએ આપણા સમાજને અને આપણી યુવા પેઢીને તથા રાષ્ટ્રને શું આપ્યું?

આ અનોખા પર્વનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે, જયારે માણસનો અહંકાર માઝા મૂકે ત્યારે રાવણોએ અને તેના સમગ્ર કૂળે ‘હતા-નહતા’ થવું પડે છે, જેની પ્રતીતિ દશેરા-વિજયાદશમી કરાવે છે.

ગોસ્વામી તુલસીદાસજીએ ભવાની શંકરૌ વંદે શ્રધ્ધા વિશ્વાશ રૂપીણે કહીને ભવાનીને શ્રધ્ધા અને શંકરને વિશ્ર્વાસ સ્વરૂપ દર્શાવીને રામ ચરિત માનસના બાલકાન્ડના પ્રારંભમાં પોતાની વિનયાંજલી અર્પિત કરી છે.એમના આરાધ્ય શ્રી રામમાં આ જ નિષ્ઠા મુખ્ય બતાવી છે. શ્રધ્ધા વગર વિશ્વાસનું ઉદભવવું અસંભવ જ છે. વિદ્વાનોનાં મતાનુસાર તેથી જ શ્રી રામે સતત નવ દિવસ સુધી માતા દુર્ગાની ઉપાસના પૂર્ણ કર્યા પછી દશમાં દિવસે કિષ્કિંધાની સીમાનું ઉલ્લંઘન કરીને પોતાની વિજય યાત્રાની શરૂઆત કરી હતી. આસો સુદ દશમી આ તિથિને આપણે વિજયાદશમીનાં નામથી ઉજવતા આવ્યા છીએ

વિજયા દશમીને દિવસે તેથી જ લોકો પોતાના ગામ અથવા શહેરની સીમાનું ઉલ્લંઘન કરવાનુ શુભ સમજે છે. નીલકંઠ નામના પક્ષીનું દર્શન આ દિવસે શિવ દર્શન સમાન માનવામાં આવે છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન પછી સંસારની રક્ષા કરવા માટે શિવજીએ સમુદ્રથી પ્રાપ્ત થયેલા વિષનું પાન કર્યું હતુ. આપણા રાજકીય ક્ષેત્ર અને નેતાઓ માટે આ લાખેણા બોધપાઠ છે.

આ પર્વના નવ દિવસમાં ‘હવનઅષ્ટમી’ નો મહિમા દૈત્યોના વિનાશને લગતી ગતિવિધિઓને સાંકળે છે. અને તે ભગતિના મંગલાચરણની ગરજ સારે છે.

આ નવરાત્રી -પર્વ આગામી સમયમાં આપણા સમાજ માટે અને આપણા રાષ્ટ્ર માટે શુભગતિના મંગલાચરણની ગરજ સારે એવું આપણે બધાએ ઈચ્છવાનું છે અને એને માટે પ્રાર્થના પણ કરવાની છે.

બધા જ ‘જોગમાયા’ની જેમ જે માનવજાત માટે ઉપકારક છે. અને સદીઓથી તેઓ શુભકર્તા હોવાની તથા મનોકામનાઓ પૂરી કરવાની પ્રતીતિ કરાવતા રહ્યા છે તે દક્ષ પ્રજાપતિએ એકવાર મહાન યજ્ઞ કર્યો ત્યારે સતી અને શિવજીને આમંત્રણ પાઠવ્યું નહી યજ્ઞની જાણ થતા દક્ષપુત્રી સતી શિવજીની અનિચ્છ છતા સ્વચ્છાએ પિતાને ઘેર ગયા દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કયું ક્રોધથી સતીએ અગ્નિપ્રવેશ કર્યો. શિવજીને આની જાણ થતા ત્યાં જઈ મોહાંધપણે સતીનું શબ ખંભે ઉચકયું અને વિક્ષિપ્ત મનોદશામાં ચોતરફ ભટકવા લાગ્યા એ વખતે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શબના એકાવન ટુકડા કરી નાખ્યા આ ટુકડા જયા કયાં પડયા ત્યાં ત્યાં એક એક શકિતપીઠ સ્થપાઈ, સતીનું તાળવું જયાં પડયું તે અધોરપંથ અથવા અકળપંથ તરીકે ઓળખાય છે. તાળવું જયાં પડયું હતુ તે ભૈરવી દેવીને નામે પ્રસિધ્ધ થયું અને આ શકિતપીઠને હિંગળાજ શકિતપીઠ તરીકે ઓળખવામાં આવે છે.

માં હિંગળાજનું સ્થાનક હાલ પાકિસ્તાનમાં આવેલું છે. આ પવિત્ર સ્થાન બલુચીસ્તાનના લાસબેલા જિલ્લાના લ્યારા તાલુકામાં વિધમાન છે. મહામાયા માં હિંગળાજનું પ્રાગટય સૃષ્ટિના સર્જનકાળના સમયનું છે. હિંગળાજ માતાનો ઉલ્લેખ આપણા અનેક પવિત્ર પૂરાણો જેવા કે શ્રીમદ દેવી ભાગવત માર્કડેય પુરાણ, સ્કંદ, પુરાણ, બ્રહ્મવૈવત,પુરાણ, શ્રીમદ ભાગવત બૃહન્નીલ તંત્ર, શિવચરિત્ર વગેરેમાં મળી આવે છે.

માં હિંગળાજના દર્શને વિશ્વની મહાન વિભૂતિઓ પણ જઈ આવેલ છે. એવો શાસ્ત્રો તથા ઈતિહાસમાં ઉલ્લેખ છે.

આપણી પૂણ્યભૂમિ પર માં હિંગળાજની શકિતપીઠ જેવી શકિતપીઠો ઉભી થાય તો વિજયાદશમીઓ નિશ્ચિત…. રઘુવંશી સમાજ ‘રઘુવંશી શકિતપીઠ’થી આની શુભ શરૂઆત કરી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.