Abtak Media Google News

પ્રવર્તમાન બેન્કીંગ સિસ્ટમને ખામીયુક્ત કરવા અને તેમાં સુધારો કરીને નફાકારકતા વધારવા સામે જો કોઇ મોટુ જોખમી પરિબળ હોય તો તે છે વધતી જતી એનપીએ એટલે કે નોન પર્ફોમિંંગ એસેટ્સ. જી હા, આવી મિલ્કતો કે જેમાં મૂડી રોકાયેલી છે અને તે બેંકોના રોકડ પ્રવાહને બાધિત કરે છે તેના રેશિયોમાં દિન-પ્રતિદિન વધારો સૂચવતા આંકડા જોઇએ તો તો આશરે એક હજાર જેટલા મોટા ખાતાઓમાં આવી ૫૦ ટકા મિલ્કતો ધરબાયેલી છે. અને એમાંય ૧૫ થી ર૦ હજાર જેટલા ખાતાધારકોના ખાતે બાકીની ૩૫ ટકા જેટલી નોન પર્ફોમિંગ એસેટ્સ અંકાયેલી હોવાના અહેવાલ છે.

બેડ લોનને કારણે સર્જાતી નાણા ખાદ્યને નિવારવા તેમજ નાણાપ્રવાહને સમતુલીત રાખવા માટે બેંકોએ એનપીએ ઘટાડવાની દિશામાં અસરકારક પગલા લેવા અનિવાર્ય બની રહ્યા છે. અને તેના માટે હાલની બેન્કીંગ પ્રણાલીમાં સુધારા કરવાની તાતી જરૂરિયાત જણાઇ આવે છે.

સૌથી પહેલુ કાર્ય તો મોનીટરીંગ સિસ્ટમ એટલે કે લોન સંદર્ભે લોન લેનારની સક્ષમતા, તેનુ આયોજન, તેના વળતરની સાચી આંકડાકીય માહિતી વગેરે ચકાસવાની પઘ્ધતિમાં ફેરફાર ઇચ્છનીય છે. કેમકે, લોન લેનાર મોટો ખાતાધારક છે, અથવા તો તેની લોન મોટી છે માટે તેને પહેલી પસંદગી આપવી, નાણાંની રીકવરીમાં છૂટછાટ આપવી વગેરે કરતા નાના ખાતાધારકોને વધુ ને વધુ આવરી લઇને ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક કરીને બેંકની નફાકારકતા વધારવાના પ્રયાસો થવા જોઇએ.

ત્યારબાદ નાણાંની ઉચાપત કરવાના હેતુથી કરવામાં આવતી અરજીઓને કેમ પરખવી તેનું ક્રોસ વેરિફીકેશન કઇ રીતે કરવું તેની કડક પઘ્ધતિ અમલમાં મૂકવી જરૂરી છે. આનાથી એનપીએને મેનેજ કરવાની સાથે સાથે ખાસ વાત એ બનશે કે નવી એનપીએનો ઉદભવ થવાની શક્યતા નહીવત બની જશે. કેમકે યોગ્ય રીતે પરખ થયેલા અરજદારને જ નાણા મળશે તો તેના પાસેથી વ્યાજ રૂપે નાણા પરત આવી શકશે.

આંકડાકીય માહિતીને બદલે નિર્દેશન પઘ્ધતિ પર ભાર મૂકવો એ બેન્ક માટે વધારે હિતાવહ બની રહેશે. કેમકે વાર્ષિક હિસાબો, ત્રિમાસીક ગાળા કે માસીક વ્યવહારોમાં દર્શાવાયેલી આંકડાકીય માહિતી મુજબની કામગીરી ભવિષ્યમાં જળવાઇ રહેશે કે તત્કાલીન નફાકારકતા આવનારા સમયમાં બરકાર રહેશે તેવી કોઇ ગેરન્ટી હોતી નથી. તો પછી જે-તે અરજદારની લોન મંજૂર કરતી વખતે જોખમના માપદંડોનું નિર્દેશન કરવામાં આવે તો તેના પરથી સમયાંતરે નાણાંની સલામતી અંગેનો અંદાજ આવી શકે અને યોગ્ય પગલા લેવાની દિશામાં વિચારી શકાય.

આધુનિક પોર્ટફોલીયો મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવવી એ આજના સમયની બેન્કો માટેની આવશ્યકતા બની ગઇ છે. આવી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા બેંક પોતાના ખાતેદારની મિલકતોની પળેપળની માર્કેટ વેલ્યુથી માહિતગાર થઇ શકે છે. વળી બેન્કોએ પોતાના નેટવર્કને વિસ્તૃત કરીને સરકારના વિવિધ વેરા વિભાગ સાથે સંકળાયેલા આંકડા પણ સમયાંતરે મેળવીને ખાતાધારકની મિલકતોની આકારણી કરતા રહેવી પડે. હવે સરકારના ડિજિટલાઇઝેશનના પ્રોત્સાહક સાધનો જેવા કે જીએસટી,  ઇ-વે બીલ વગેરે ઉપરાંત સેવિંગ, જન-ધન, કરન્ટ એકાઉન્ટ કે ડિપોઝીટરી એકાઉન્ટ સહિતના તમામ ખાતેધારકોનો ડિજિટલ ડેટાબેઝ બનાવેલો હોય તો બેડલોન અને એનપીએના વધારાને નાથી શકાય તેમ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.