Abtak Media Google News

એસઆરપીથી કોઠારીયા જતી બસમાં જિલ્લા પંચાયત પાસે ક્ધડક્ટરની તબિયત લથડી: મુસાફરો સાથે જ બસ સિવિલ પહોંચી

સિવિલમાં સિટી બસ જોતા હોસ્પિટલના સ્ટાફ અને લોકો પણ ચોંકી ઉઠ્યા

એસઆરપી કેમ્પથી કોઠારિયા ચોકડી રૂટની સિટી બસમાં મહિલા ક્ધડક્ટર ટિકિટ કાપતા હતા અને અચાનક તબિયત લથડતાં ચક્કર આવતા બેભાન થયા હતા. આથી અંદર રહેલા મુસાફરોએ મહિલા ક્ધડક્ટરને ચક્કર આવ્યાની ડ્રાઇવરને જાણ કરતા ડ્રાઇવરે કોઇ પણ જાતનો વિલંબ કર્યા વિના બસ મુસાફરો સાથે જ સિવિલ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી હતી. સિવિલ હોસ્પિટલ સિટી બસ પહોંચતા હોસ્પિટલના સ્ટાફ અને લોકોમાં મૂંઝાયા હતા. જોકે બાદમાં બસમાંથી મહિલા ક્ધડક્ટરને મહિલા મુસાફરોએ નીચે ઉતારી હતી. બાદમાં ડ્રાઇવરે બે હાથથી ઉંચકી મહિલા ક્ધડક્ટરને ઇમરજન્સી વોર્ડ સુધી લઈ ગયો હતો. મહિલા ક્ધડક્ટરે આજે સવારે નાસ્તો ન કર્યો હોવાથી તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામાપીર ચોક નજીક રહેતી છાયાબેન અમરસીભાઈ લીંબાણી (ઉ.વ.20) 15 દિવસ પહેલા જ સિટી બસમાં મહિલા ક્ધડક્ટર તરીકે નોકરીએ જોડાયા છે. આજે સવારે તેઓ એસ.આર.પી. કેમ્પથી કોઠારીયા રૂટની બસમાં ફરજ પર હતા. મહિલા ક્ધડક્ટર નાસ્તો કર્યા વિના ફરજ પર હાજર થયા હતા. આથી તેમની તબિયત લથડી હતી.

આ અંગે સિટી બસના ડ્રાઇવર દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, મારો ઘંટેશ્વર એસઆરપી કેમ્પથી કોઠારિયા ચોકડી સુધીનો રૂટ છે. આજે સવારે બસ જિલ્લા પંચાયત ચોક પહોંચી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલા ક્ધડક્ટર બસમાં મુસાફરોની ટિકિટ કાપતા હતા ત્યારે તેઓને ચક્કર આવ્યા હતા. બાદમાં તેઓ બેભાન થઈ ગયા હતા. આથી હું તેને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.જોકે, સિટી બસના ડ્રાઇવરની સતર્કતાથી મહિલા ક્ધડક્ટરને તાત્કાલિક સારવાર મળી હતી. છાયાબેનની તબિયત હાલ સુધારા પર છે. ડોક્ટરોએ છાયાબેનના બીપી, સુગર સહિતના રિપોર્ટ કર્યા હતા. પરંતુ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

છાયાબેન આજે સવારે ભૂખ્યા હોવાથી ચક્કર આવ્યા હોય તેવું તારણ તબીબોએ આપ્યું છે.આ ઘટના દરમિયાન રાજકોટના લોકોએ ફરી માનવતાનો દાખલો પ્રસ્થાપિત કર્યો હતો. મહિલા ક્ધડક્ટર છાયાબેન બસની અંદર બેભાન થઈ જતા બસમાં બેઠેલા મહિલા મુસાફરોએ તેને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો હતો. તેમજ બસ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે પણ મહિલા મુસાફરોએ તેને બસમાંથી નીચે ઉતાર્યા હતા બસમાંથી નીચે ઉતારતી વખતે છાયાબેન લથડિયા ખાતા હતા. જોકે મહિલા મુસાફરોએ તેમને સંભાળી લીધા હતા. બાદમાં ડ્રાઇવરે તેમને ઉંચકી સ્ટ્રેચર પર સુવડાવી ઇમરજન્સી વોર્ડમાં ખસેડ્યા હતા.

તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ એમ્બ્યુલન્સ અને કાર દર્દીઓને લઈને આવતો હોય છે. પરંતુ આજ સવરે અચાનક કોઈ પણ રૂટ વગર હોસ્પિટલના પ્રાંગણમાં સિટી બસ ઘૂસી જતાં લોકો અને હોસ્પિટલના સ્ટાફના કુતૂહલ સર્જાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.