Abtak Media Google News

દુકાનોને ત્રણ ભાગમાં વહેચી સમય નકકી કરાયો: માસ્ક પહેરવાતું અને સામાજીક અંતર જાળવવું ફરજીયાત: બપોર બાદ દુકાન ખોલી શકાશે

લોકડાઉન હળવું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યા બાદ જામનગર જિલ્લા કલેક્ટરે શનિવારે રાત્રીના નિયમોને આધીન કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ આપતું જાહેરનામું બહાર પાડયું હતું. પરંતુ જાહેરનામાંમાં કંઇ કંઇ દુકાનો બંધ રાખવાની છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ કંઇ કંઇ દુકાનો ખોલાવાની છે તે દર્શાવામાં ન આવતા શહેરના વેપારી અને દુકાનદારોમાં રાહત અનુભવવાને બદલે ગોટાળે ચડતા ભારે દેકારો બોલી ગયો હતો. આથી વહીવટીતંત્રને કંઇ કંઇ દુકાનો ચાલુ રાખવાની છે તેની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. જે અનુસાર દુકાનોને ત્રણ ભાગમાં વહેંચી સમય નકકી કરવામાં આવ્યો છે અને માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત જાળવવાનું રહેશે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા તથા કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં, કોરોના ક્ધટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તે સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો તથા રહેણાંક સંકુલ સહિતની દુકાન જે સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલી છે તે દુકાનો ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકશે. આ હુકમ દરેડ ગામના ૯૦ ખોલી (નબ્બે ખોલી)નું સ્થળ તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર સિવાય સમગ્ર જામનગર જીલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે.

દુકાનો ખોલવાનો- બંધ કરવાનો કરાયેલો સમય

દૂધ,શાકભાજી,ફળ-ફળાદીની લારીઓ,દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો,પ્રોવિઝન સ્ટોર્સ સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી.

અનાજ, કરીયાણા તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓ(એફ.એમ.સી.જી.) જેવી કે, સાબુ, ટુથપેસ્ટ વગેરેના હોલસેલના વેપારીઓને છુટક વિક્રેતાઓને વેચાણ માટે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી

રવિવારથી જે દુકાનોને છૂટછાટ આપવામાં આવી છે તે દુકાનો બપોરે ૨ થી રાત્રીના ૯ કલાક સુધી ખુલી રાખી શકાશે.

પેટ્રોલ પંપ, દુધની ડેરીઓ તથા દુધનું વિતરણ કરતા વિક્રેતાઓ, કેરોસીનની દુકાનો, એલ.પી.જી. ગેસનું વિતરણ કરતી એજન્સીઓ, ફુડ પાર્સલની સેવાઓને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઇ છે.

આ દુકાનો બંધ રહેશે, રેસ્ટોરન્ટ-હોટેલો પાર્સલ સેવા ચાલુ રાખી શકશે

જાહેરનામા અનુસાર મીઠાઇ-ફરસાણની દુકાનો, લારી અને દુધના માવાની દુકાન, શેરડીના રસ, જયુશ, ઠંડાપીણાની દુકાનો,ફાસ્ટફુડ, કોફી શોપ, ગીફટ, દરજી, ચશ્માની દુકાન, ખાણીપીણીની લારીઓ, હેર કટિંગ સલૂન, વાણંદની દુકાનો, ચાની દુકાનો, લારીઓ, રેસ્ટોરન્ટ, હોટેલો, તમાકુ, પાનમાવા,સિગારેટ,બીડી વેચતી દુકાનો,ગલ્લા, રેસ્ટોરન્ટ, હોટલ બંધ રાખવાના રહેશે. મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલ ચાલુ રાખી શકાશે નહીં. તદઉપરાંત સિનેમાહોલ, સ્પોર્ટસ સંકુલ, સુપરમાર્કેટ, મોટી બજારો કે જ્યાં સંક્રમણ વધુમાં વધુ લોકોને લાગી શકે છે તે બંધ રહેશે.

શ્રમિકો વતનમાં જઇ શકશે નહીં, દુકાનદારોએ પાસ લેવાના નથી

અનેક શ્રમિકો કે જે ખેત મજુરો અને ઔધોગિક એકમોમાં કામ કરે છે તેઓ તેમના વતનમાં જઈ શકશે કે નહીં. આ બાબતે કલેકટરે જણાવ્યું હતું કે ૩ મે સુધી દરેક વ્યક્તિ જે જગ્યા ઉપર છે ત્યાં જ રહે.ત્યાં સુધી જામનગર જિલ્લામાંથી બહાર જઈ શકવાની પરવાનગી મળશે નહીં, માત્ર મેડિકલ ઈમરજન્સી માટે જ જિલ્લા બહાર જવાની પરવાનગી આપવામાં આવશે. શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજુરી કે પાસ લેવાના રહેશે નહીં પરંતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલા લાયસન્સની નકલ તેમજ ફોટો આઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. દુકાનદારોને તેમનો શોપ એકટ લાયસન્સ જ પાસ ગણવામાં આવશે. તેમને ૫૦ ટકા સ્ટાફ સાથે દુકાન ચાલુ કરવાની રહેશે.

બાળકો, વૃધ્ધો, અશકતોને બજારમાં લઇ ન જવા ખાસ તાકીદ

બજારમાં સમયાનુસાર જઇ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી લોકો વસ્તુઓની ખરીદી કરે, સાથે જ બાળકો, વૃદ્ધો, અશક્તોને બજારમાં ન લઈ જવા અને લોકોને બજારમાં જતા પહેલા હાથ ધોઈને જવા, તેમ જ ત્યાંથી આવી પરત ઘરે પહોંચતા સાબુથી હાથ પગ ધોવા અને શક્ય હોય તો ઘરે આવી સ્નાન કરવું જેથી કોરોનાથી બચી શકાય. સંકુલોમાં કે બજારમાં ભૂલથી પણ દુકાન ના ખુલે તે માટે માલિકો કાળજી લે અને જો પોલીસ માર્કેટ બંધ કરવા કહે તો તેને સહયોગ આપે.  રવિશંકર, જામનગર જિલ્લા કલેકટર.

જામનગરમાં આ માર્કેટ અને કોમ્પલેક્ષ બંધ રહેશે

  • કોમ્પલેકક્ષ માર્કેટ વિસ્તાર
  • જયોત ટાવર ટાઉનહોલ
  • સીટી પોઇન્ટ ટાઉનહોલ
  • ક્રોસરોડ વિકાસ રોડના નાકે
  • અવન્તિકા કોમ્પલેક્ષ લીમડાલાઇન
  • માધવપ્લાઝા લીમડાલાઇન
  • સીટી આર્કેડ ત્રણબતી પાસે
  • ધવદર્શન લીમડાલાઇન
  • શીવ કોમ્પલેક્ષ ગુલાબનગર
  • માધવસ્કવેર લીમડાલાઇન
  • ડાયમન્ડ માર્કેટ અંબર સિનેમા રોડ
  • એટલાન્ટીસ અંબર સિનેમા રોડ
  • સ્ટાર લાઇટ કોમ્પલેક્ષ રણજીતરોડ
  • સ્ટરલાઇટ પોઇન્ટ અનુપમ ટોકીઝ
  • મોર્ડન માર્કેટ અંબર સિનેમા રોડ
  • નિઓ કોમ્પલેક્ષ અંબર સિનેમા રોડ
  • પેનોરમા કોમ્પલેક્ષ સીટી આર્કેડ સામે
  • પટેલ સમાજ
  • સેન્ટલ બેંક રોડ
  • રણજીતનગર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.