Abtak Media Google News

ભોપાલની યુવતી અને રમેશ ધામેચા વચ્ચે શું સંબંધ?

થાન રેલવે પોલીસ પકડેલી યુવતી પાસેથી રૂા.55 લાખની કિંમતના સોનાના ઘરેણા કબ્જે કર્યા

 

અબતક,રાજકોટ

રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીએ રજપૂતપરામાં આવેલી હોટલ સિટી ઇનનો રૂમ નંબર 403માં મળવા આવેલી ભોપાલની યુવતી સોનાના ઘરેણા સાથે રફુચક્કર થયા બાદ થાન રેલવે પોલીસે લાખોની કિંમતના સોનાના ઘરેણા ઝડપી લેતાની સાથે પોલીસની ભેદી ભૂમિકા અંગે કેટલાક સવાલો ઉભા થયા છે. બબલીના ખેલમાં બન્ટીઓ કોણ?, હોટલનો રૂમ બુક કરાવના સાપ્તાહીકના માલિકને ભોપાલની યુવતી કેમ મળવા આવી તે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કેમ ન કરી? પોલીસ દ્વારા ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવ્યા? તંત્ર દ્વારા વ્હાઇટ કોલર ક્રિમીનલને બેનકાબ કરવા તટસ્થ તપાસ જરૂરી બની છે.

કાલાવડ રોડ પર કૃષ્ણાશ્રય હવેલી પાસે રાધા પાર્કમાં રહેતા સાપ્તાહીકના તંત્રી રમેશભાઇ ડાયાભાઇ ધામેચાએ ભોપાલની ઉર્વશી રમેશ યાદવ સામે રૂા.28 લાખની કિંમતના ઘરેણાની ચોરી કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રમેશભાઇ ધામેચાએ રજપૂતપરા શેરી નબંર 3માં આવેલી હોટલ સિટી ઇનનો રૂમ નંબર 403 બુક કરાવ્યો હતો તેને મળવા માટે ઉર્વશી યાદવ આવી હતી. તે દરમિયાન રમેશભાઇ ધામેચા પોતાના શરીરે પહેરેલા લાખોની કિંમતના ઘરેણા સોને મઢેલી રૂદ્રાક્ષની માળા, ગણપતીની કૃતિ, સાતેય ગ્રહના નંગ સાથેની આઠ વીંટી, સોનાનું કડલું અને બે મોબાઇલ લઇ ઉર્વશી ભાગી ગયાની ફરિયાદમાં જણાવ્યું છે.

હોટલ સિટી ઇનમાંથી જમીન મકાનના ધંધાર્થી રમેશભાઇ ધામેચાના રૂા.28 લાખની કિંમતના સોનાના ઘરેણા સાથે સ્વરૂપવાન ઉર્વશી યાદવ ભાગી જતા ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજ મેળવી યુવતીના ફોટા વાયરલ કર્યા હતા અને થાન રેલવે પોલીસને એલર્ટ કરતા થાન રેલવે પોલીસે પોરબંદરથી મુંબઇ જતી ટ્રેનના જનરલ કોચમાંથી મળી હતી. ઉર્વશી યાદવ પાસેથી રૂા.28 લાખના સોનાના ઘરેણા કબ્જે કરાયા છે. યાદવ છેક ભોપાલથી રાજકોટ રમેશભાઇ ધામેચાને શા માટે મળવા આવી તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ભોપાલથી આવેલી ઉર્વશીની સાથે આવેલા મિત્રો કોણ?

ભોપાલથી રાજકોટ રમેશભાઇ ધામેચાને મળવા આવેલી ઉર્વશી યાદવ સાથે આવેલા અન્ય મિત્રો કોણ છે? અને કયાં છુપાયા છે? તેઓને ઝડપી આકરી પૂછપરછ અને ઉંડી તપાસ કરવામાં આવે તો પણ કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી છે. તેમ છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે. તેવા સવાલે પણ ભારે ચકચાર જગાડી છે.

કહેવાતા ફિલ્મ નિર્માતાની કંઇ ફિલ્મ કયારે રિલીઝ થઇ?

રજપૂતપરામાં હોટલ ઇનમાં રમેશભાઇ ધામેચાને ભોપાલથી મળવા આવેલી સ્વરૂપવાન ઉર્વશી યાદવે રૂા.28 લાખની કિંમતના સોનાના ઘરેણાની કરેલી ચોરીના બનવા અંગે રમેશભાઇ ધામેચાને ફિલ્મ નિર્માતા તરીકે દર્શાવવામાં આવ્યા છે તેઓએ કંઇ ફિલ્મ બનાવી અને કયારે રિલીઝ થઇ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પણ કેટલીક શંકાસ્પદ બાબતો પ્રકાશમાં આવે તેમ છે.

હોટલ સિટી ઇનના રૂમ નંબર 403માં બનેલી ઘટના ‘હીમશીલા’ સમાન?

રાજકોટના સાપ્તાહીકના તંત્રી અને જમીન મકાનના ધંધાર્થી તેમજ કહેવાતા ફિલ્મ નિર્માતા રમેશભાઇ ધામેચાને છેક ભોપાલથી ઉર્વશી યાદવ મળવા હોટલના રૂમ નંબર 403માં ચોરી સહિતની કેટલીક ઘટનાઓ હીમશીલા સમાન ગણાવામાં આવી રહ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે. ઉર્વશી રૂમમાં હતી ત્યારે રમેશભાઇ ધામેચાએ રૂા.28 લાખની કિંમતના સોનાના ઘરેણા શરીરેથી ઉતારી કુદરતી હાજતે ગયા તે દરમિયાન ઉર્વશી યાદવ સોનાના ઘરેણા લઇ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે રૂમનો દરવાજો કોણે ખોલ્યો તે અંગે કોઇ સ્પષ્ટ ખુલાસો થયો ન હોવાથી આ અંગે પોલીસ દ્વારા તપાસ થવી જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.