Abtak Media Google News

ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામિએ ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, પ્રભુની સમિપ રહે તે ‘ઉપવાસ’

પાંચ કર્મેન્દ્રીય-પાંચ જ્ઞાનેન્દ્રીય અને અગિયારમું મન આમ અગિયાર ઇન્દ્રીયોને પ્રભુમાં પરોવી રાખીએ એ એકાદશી

મોટાભાગના ધાર્મિક વ્રતોની સાથે સાથે ક્યાંકને ક્યાંક વિજ્ઞાન જોડાયેલું જ છે. જીવન જીવવાની કળીના તાંતણાઓ વાર-તહેવારને અનાયાસે પણ સ્પર્ષ કરતા હોય તેવું આપણે અનુભવી શકીએ છીએ. આમ વ્રતની જો વાત કરીએ તો સર્વે વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે જ કિર્તનમાં પણ કહ્યું છે કે ‘ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામિયે’ આમ એકાદશીનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે. આમેય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો પેટને (જઠ્ઠર) મહિનામાં એક-બે દિવસ રજા આપવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે. (અને આવાજ કારણોસર કદાચ આવા વ્રતો બનાવવામાં આવ્યા હશે.)

જો કે આચાર્યો, શાસ્ત્રીજીઓના મત મુજબ એકાદશી વ્રત ત્રણ દિવસનું બતાવવામાં આવ્યું છે. જેમાં દશમી (દશમ)ના દિવસે અર્જીણ થાય તેવું ખાવું નહિં માત્ર એક જ વખત દૂધ-ભાત જેવા આહાર લેવો જોઇએ. જ્યારે એકાદશી (અગિયારસ)ના દિવસે શક્ય હોય તો નિર્જળા કરવી જોઇએ. પરંતુ આમ ન બની શકે તો માત્ર દૂધ પર રહેવું, છેવટે ઋતુના ફળ પર રહેવું જોઇએ. અહિં સુધી તો બરાબર છે. પરંતુ એથી આગળ જઇએ તો એકાદશી વ્રતનું ફળ મળતું ન હોવાનું પણ માનવામાં આવે છે. જેમકે મોરૈયો, સાબુદાણા, રાજગરાનો શીરો વિગેરે…. એક વાત એવી પણ છે કે વ્રત કરવાનો મક્કમ નિર્ણય હશે. તો ભગવાન શક્તિ આપશે.

આમ અગિયારસ કરવાનો સંકલ્પ કરીએ તો ઇશ્ર્વર મદદ કરશે. સત્યનારાયણ ભગવાનની કથામાં કઠીયારાના સંકલ્પની વાત આવે છે તેમાં કઠીયારાએ સંકલ્પ કર્યો કે મને આજે પુરતા પૈસા મળશે તો હું સત્યાનારાયણ ભગવાનની કથા કરીશ અને પરમાત્માએ તેના સંકલ્પને પરિપૂર્ણ કર્યો સત્કર્મમાં પરમાત્મા સહાય કરે છે. જ્યારે એક વાત એવી પણ છે કે, એકાદશીના દિવસે ઘરમાં અન્ન રંધાય નહીં, અન્નના દર્શન પણ ન કરાય. અગિયારસના દિવસે સુવાય નહીં અને રાત્રે કિર્તન કરવું જોઇએ. એકાદશીએ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી આખી રાતનું જાગરણ કરે છે. ‘શયન’ થતું નથી.

એકાદશી (અગિયારસ) વિશે જો કે, અનેક મત-મંતાતરો જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે જોઇએ તો પાંચ કર્મેન્દ્રીય, પાંચ જ્ઞાનેન્દ્રીય અને અગિયારસમું ‘મન’ આ અગિયાર ઇન્દ્રીયોને પ્રભુમાં પરોવી રાખવીએ એકાદશી, આખો દિવસ ભક્તિ કરવી તે એકાદશી…..

‘ઉપવાસ’ અંગે જોઇએ તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપ રહેવું તેનું નામ ‘ઉપવાસ’ ઇશ્ર્વરના ચરણમાં વાસ તેનું નામ ‘ઉપવાસ’ જ્યારે બારસના દિવસે એક વખત આહાર કરવો. બ્રાહ્મણનું સન્માન કરી પછી જ પ્રસાદ ગ્રહણ કરવો અને બારસના દિવસે બે વખત ભોજન કરીએ તો એકાદશીનો ભંગ થાય તેવું પણ તજજ્ઞોનું માનવું છે. સમજીને બુધ્ધિપૂર્વક ઉપવાસ કરવાથી તન અને મન શુધ્ધ થાય છે. ખરેખર તો મહિનામાં એક-બે દિવસ આમ કરવાથી શરીર સારૂં રહે અને દિવસ આમ કરવાથી શરીર સારૂ રહે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વ્રત આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.