Abtak Media Google News

લવ મેરેજ  જાયે તો જાયે કહા ?

વર્તમાન સમયમાં વાલીની સંમતિ ફરજીયાત કરવાની પ્રબળ માંગ ઉઠી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાની બાહેંધરી આપી

અબતક, ગાંધીનગર : વર્તમાન સમયમાં લવ મેરેજમાં વાલીની સંમતિ ફરજીયાત કરવાની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાની બાહેંધરી આપી છે. માટે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બંધારણીય રીતે નહિ પરંતુ સામાજિક રીતે પ્રેમ લગ્નમાં વાલીની સંમતિ શા માટે જરૂરી છે ?

બંધારણીય રીતે જોઈએ તો યુવક અને યુવતી લગ્ન લાયક ઉંમર ધરાવતા હોય તો તેઓને પોતાનો જીવનસાથી પસંદ કરી તેની સાથે લગ્ન કરવાનો અધિકાર છે. જો આ માટે માતા પિતાની સંમતિ ફરજીયાત કરવામાં આવે તો યુવક યુવતીના સ્વતંત્રતા ઉપર તરાપ ગણાશે. પણ સામાજિક રીતે ચિત્ર આખું અલગ છે. યુવક યુવતીની ઉંમર પ્રમાણે  તેઓ હજુ જીવનસાથીની પસંદગીમાં દીર્ઘદ્રષ્ટિની બદલે ટૂંકી વિચારધારા મુજબ નિર્ણય લેતા હોય, વાલીઓ માટે આ બાબત ચિંતાજનક છે. અનેક બનાવો લવજેહાદના પણ છે. આ ઉપરાંત બે અલગ અલગ સમુદાયમાંથી યુવક યુવતી હોય તો તેઓ બીજા સમુદાયને અનુકૂળ થઈ શકે કે કેમ તે પણ પ્રશ્ન ઉભો થાય છે. આ ઉપરાંત પ્રેમ લગ્નના અનેક બનાવોમાં જ્યારે યુવતી પરિવાર વિરુદ્ધ જાય છે ત્યારે ઘણા ખરા કેસમાં પરિવાર તેની સાથે સબંધ તોડી નાખે છે. ત્યારબાદ યુવતી અને યુવક બન્ને વચ્ચે પણ મનમેળ ન થાય તો યુવતી માટે જાયે તો જાયે કહા તે પ્રશ્ન સર્જાય છે.

અગાઉ મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોકરીઓને ભગાડી જવાના બનાવો અટકાવવા બાબતે પણ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું હતું આ બાબતે પણ અભ્યાસ કરી સારૂ પરિણામ મળી શકે તેવા પ્રયત્નો કરીશું. તેમણે ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે.

મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ સમર્થન આપવાની વાત કરી હતી. ખેડાવાલાએ કહ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં જો આ બિલ રજૂ થશે તો મારૂ સમર્થન છે. સરકાર વિધાનસભામાં આ બાબતે કડક કાયજો લાવે. આજના સમયમાં આ તાતી જરૂરિયાત છે.પ્રેમ લગ્નમાં માતાપિતાની અવગણના કરવામાં આવે છે ત્યારે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવા સરકાર વિચાર કરી રહી છે.

લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે ત્યારે પ્રેમ લગ્ન મા-બાપની સંમતિથી થાય આ પ્રકારનો કાયદો બનાવવાની વાત મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કરી છે.જો સરકાર આવો કાયદો વિધાનસભા સત્રમાં બિલ લાવી બનાવે તો સરકારને મારું સમર્થન છે.18-20 વર્ષ સુધી માતા પિતા દીકરી ને ઉછેરે અને પ્રેમમાં પાગલ યુવતી કોઈ પણ બેરોજગાર, કોઈ પણ વ્યસની, કોઈ પણ નાપસંદ યુવક સાથે લગ્ન કરી જિંદગી બરબાદ કરે છે.

બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, હાલમાં દીકરીઓમાં બે પ્રકારના પ્રશ્નો છે. જેમાં એક લવ જેહાદનો પ્રશ્ન છે જે સમગ્ર દેશમાં છે. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મની દીકરીઓને લલચાલી ફોસલાવી ખોટું નામ અને ધંધો બતાવી તેમજ દીકરીને તે હિન્દુ છે તેવું બતાવી વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે. તે દીકરી સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરે છે.તેમણે કહ્યું કે, બીજા કિસ્સામાં આપણા જ લોકો દીકરીઓને ભોળવીને લગ્ન કરી લે છે અને મા બાપને વાત કરતા નથી અને પરિવારની સંમતિ લીધા વિના ભાગી જાય છે. જે તમામ બાબત અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.