Abtak Media Google News

કેમિકલના ગંદા પાણી ઠાલવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ખાસ ડ્રાઇવની જરૂર

સરકાર દ્વારા ઉનાળા પૂર્વે દર વર્ષે સુજલામ સુફલામ અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાન હેઠળ નદીઓ તેમજ ડેમોના તળ ઊંડા ઉતારવા ઉપરાંત તેનું રીપેરીંગ કામ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.  પરંતુ અત્યારે ગંભીર મુદ્દો નદીઓમાં ફેલાતા પ્રદૂષણનો છે.સરકારે આ મામલે જાગૃત બની તુરંત કાર્યવાહી હાથ ધરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ભારતની પ્રાચીન સભ્યતાઓ પણ નદીઓના કિનારે જ વસતી હતી. નદીઓ એ માનવ જાત માટે જીવા દોરી સમાન છે. કારણ કે શુદ્ધ પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. પોતાના ફાયદા માટે પાણીને જ પ્રદૂષિત કરવાના અમુક લાલચુઓના ષડયંત્ર ને નજર અંદાજ કરવા તે પણ ગુનાહિત કૃત્યથી કમ નથી.

અત્યારે સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર નદીઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કારખાનાઓ પોતાના જોખમી કેમિકલનો નદીઓના પાણીમાં નિકાલ કરે છે આ ઉપરાંત કેમિકલ વાળા સાધનોની સાફ સૂફી  પણ નદીઓમાં થાય છે. સરકાર જો પૂરજોશમાં સુજલામ સુફલામ અભિયાન ચલાવી શકતી હોય તો નદીઓમાં થતા પ્રદૂષણ અટકાવવા માટે ખાસ ડ્રાઇવ પણ યોજી શકે છે.

સરકારે સમયાંતરે આ કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારો કોઈ આદ્યતન ફિલ્ટર પ્લાન્ટ વસાવી શકતા નથી. તેઓ કુદરતી રીતે મળતું પાણી સીધી રીતે કોઈ પણ પ્રોસેસ વગર ઉપયોગમાં લે છે. જો નદીઓને પ્રદૂષિત થતી રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટું જોખમ ઊભું થશે.

આ જોખમ માત્ર માનવ જાત માટે નથી. કારણકે નદીઓમાં પણ અનેક જીવો વસે છે. નદીઓને પ્રદુષિત કરી આવા લોકો તે જીવો ઉપર પણ જોખમ ઉભું કરી રહ્યા છે. વધુમાં કુદરતની જે સાયકલ છે તે આખી આ પ્રદૂષણથી ડિસ્ટર્બ થાય છે. તો સરકારે વહેલી તકે જાગૃત બની રાજ્યવ્યાપી ડ્રાઇવ યોજી નદીઓને બચાવવા માટે આગળ આવવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.