Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૧૫ ઓકટોબર સુધીમાં જવાબ આપવા કરી તાકીદ

 

મોલ અને મલ્ટિપ્લેક્સમાં ફ્રી પાર્કિંગનો મામમલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારના નોટિસ પાઠવી સુરતના એક મોલ દ્વારા દાખલ કરવામાં આવેલ પિટિશન મામલે જવા આપવા જણાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેના મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફેસિલિટી માટે કોઈ ચાર્જ લઈ શકે નહીં. જે બાદ રાહુલરાજ મોલ કો. ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિ. સુરત દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેઓ હાઈકોર્ટની સમક્ષ કેસમાં પાર્ટી નહોતા. સુપ્રીમ કોર્ટે પિટિશન દાખલ કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારને આ મામલે ૧૫ ઓક્ટોબર સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુરતના મોલ્સ તરફથી કેસ લડતા કુમારેશ ત્રિવેદીએ કહ્યું કે, ડિવિઝન બેન્ચના જસ્ટિસ દીપક ગુપ્તાએ કોમેન્ટ કરી હતી કે મોલ્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફ્રી પાર્કિંગ સુવિધા આપવી શક્ય નથી.

મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે ૧૦ જુલાઈના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો મોલ્સ અને કોમર્શિયલ કોપ્લેક્સમાં પાર્કિંગ ફી વસૂલવા માટે મંજૂરી નથી આપતો. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજનો આદેશ જેમાં કહેવામાં આવ્યું હતું કે પહેલી એક કલાક માટે મોલ્સ અને કોર્શિયલ કોમ્પ્લેક્સમાં ફ્રી પાર્કિંગ સુવિધા હોવી જોઈએ ત્યાર બાદ મુલાકાતીઓ પાસેથી કલાકના આધારે સાધારણ ફી વસૂલવી જોઈએ. અરજદારે સુપ્રીમ કોર્ટમાં પોતાની અપીલમાં જણાવ્યું છે કે જ્યારે ગુજરાતમાં પાર્કિંગ અંગેનો કોઈ કાયદો જ નથી ત્યારે હાઈકોર્ટ એ પ્રકારે નિર્દેશ આપી શકે નહીં કે જે નિશ્ચિત ક્ષેત્રમાં કાયદાની જેમ ઉપયોગ થાય. તેમજ ગુજરાત સરકારને પણ પાર્કિંગ પોલિસી બનાવવા માટે કોર્ટ આદેશ આપી શકે નહીં તેવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો પણ વિરોધ નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.