Abtak Media Google News

જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓના ચકચારી યૌન શોષણ પ્રકરણમાં કલેકટરની કમીટીએ 8 યુવતીઓના નિવેદનો લીધા છે. હવે કોઇ યુવતીઓના નિવેદન નહીં લેવામાં આવે તેમ કમીટીના સભ્યોએ જણાવ્યું છે. પરંતુ સમગ્ર પ્રકરણનો તપાસ રિપોર્ટ કયારે સોંપાશે તે હજુ નકકી નથી.

કલેકટર કમિટિએ આઠ નિવેદનો લીધા, હવે નહિ લેવાય !

યૌન શોષણ પ્રકરણનો તપાસ રિપોર્ટ કયારે સોપાય તે હજુ પણ અનિશ્ર્ચિત

ચકચારી બનાવના પગલે રાજય સરકાર સફાળી જાગી હતી અને મુખ્યમંત્રીના આદેશના પગલે જામનગર કલેકટરે તપાસ કમીટીની રચના કરી હતી. આ કમીટીએ 8 એટેન્ડન્ટ યુવતીઓના નિવેદન લીધા છે. હવે કોઇના નિવેદન નહીં લેવામાં આવે તેમ જણાવ્યું છે. પરંતુ તપાસનો રિપોર્ટ હજુ સુધી કલેકટરને સોંપવામાં ન આવતા કયારે સોંપાશે તે સવાલ ઉઠયો છે. યુવતિઓના નિવેદનનો સાર શું નિકળે છે ? તેવા સવાલનો જવાબ અધિકારીઓએ ટાળ્યો હતો.

એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ પ્રકરણમાં 8 યુવતીના નિવેદન લેવામાં આવ્યા છે. હવે કોઇ નિવેદન બાકી નથી. રિપોર્ટ જેમ બને તેમ ઝડપથી કલેકટરને સોંપવામાં આવશે.તેમ  આસ્થા ડાંગર, શહેર પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે.આ ઉપરાંત  યૌન શોષણ પ્રકરણમાં નિવેદનો લેવાઇ ગયા છે. હવે, કોઇ નિવેદન બાકી નથી. પ્રકરણનો સમગ્ર રિપોર્ટ ઝડપથી અપાશે, આ સિવાય બીજું કંઇ કહેવા માટે અમે અધિકૃત નથી. તેમ નિતેશ પાંડે, એએસપી,જામનગર જણાવી રહ્યા છે.

આ ઉપરાંત કથિત યૌન શોષણના મામલે કોંગ્રેસના નગરસેવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરવામા આવી છે.થોડા દિવસ પહેલા સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર પર ગંભીર આરોપ લગાવાયા હતા. આરોપોના પગલે કલેકટર દ્વારા રચાયેલી તપાસ કમિટી હાલ તપાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસના નગરસેવક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરવામા આવી છે.

શહેર કોંગ્રેસ ના કોર્પોરેટર અને વોર્ડ નંબર 1 ના નગરસેવક નુરમામદ પલેજા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી અને જામનગર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે તપાસમાં ખૂલે તે તમામ જવાબદાર વ્યક્તિ સામે ફરિયાદ કરવાની રજૂઆત કરી હતી.

વિહિપની મહિલાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર

Img 20210619 Wa0016 1624085768

વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, માતૃ શક્તિ અને દુર્ગા વાહીનીના મહિલા અગ્રણીઓએ કલેકટર કચેરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે મહિલાઓએ આજના જમાનામાં નોકરી અર્થે બહાર નીકળતા આ પ્રકારના દૂષણનો ભોગ બને છે તે બનતું અટકાવવા માટે જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવા પણ માગણી કરાઈ છે.

પોલીસ ફરિયાદ નહીં થાય તો કોર્ટમાં લડી લેવાશે: ઈસુદાન

જામનગર સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર યૌનશોષણ મામલે પ્રથમથી જ આમ આદમી પાર્ટી પીડિત મહિલાઓ સાથે રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ હવે મેદાનમાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ચહેરા બનેલા ઈશુદાન ગઢવી જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત યુવતીઓને મળીને જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી.જામનગરની હોસ્પિટલમાં યુવતીઓ સાથે છેડતી થઈ છે, શોષણ થયું છે તો પછી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ ? આ બનાવના મેસેજ, પુરાવા તેમજ ઓડિયો ક્લિપ છે છતાં પણ કોને બચાવવામાં આવી રહ્યા છે ? આવી ગંભીર બાબતમાં કમિટીની વાત જ ક્યા આવી, કૌભાંડ હોય તો કમિટી નીમિને તપાસ કરો તે યોગ્ય ગણાય, પરંતુ આ તો ગંભીર પ્રકારનો ગુનો છે. આમાં પોલીસ ફરિયાદ થવી જ જોઈએ. જો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ નહીં થાય તો પીડિત બહેનોને સાથે રાખીને આમ આદમી પાર્ટી દોષિતો સામે પગલાં લેવા કોર્ટમાં ફરિયાદ કરશે અને આ મુદ્દે છેક સુધી લડી લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.