Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે ટૂંક સમયમાં જ આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે અને પુષ્કળ ક્ષમતા, માનવબળ, રચનાત્મકતા અને સતત સંશોધન પ્રવૃતિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોવા છતાં બૌદ્ધિક સંપદાના મુલ્યાંકનમાં હજુ મોટી ઉદાસીનતા સેવાઈ રહી છે. વિશ્ર્વમાં પેટર્ન રજિસ્ટ્રેશન અને બૌદ્ધિક સંપદાના મુલ્યાંકનની સાથે સાથે નોંધણી માટે ખુબજ ચિવટ રાખવામાં આવે છે. પેટર્નનું મહત્વ સામાન્ય રીતે બૌદ્ધિક સંપદાના એકાધિકાર અને વળતર મેળવવા માટે ખુબજ અનિવાર્ય બન્યું છે.

ભારતમાં પ્રાચિન યુગથી ઔષધ, ઉપચાર, વિવિધ ચીજવસ્તુઓની શોધ, કૌશલ્ય અને નવનિર્માણની પ્રવૃતિઓ સમગ્ર વિશ્ર્વના માનવ સમાજ માટે હંમેશા પથદર્શક રહી છે. દા.ત. વિશ્ર્વભરમાં પ્રચલીત આધુનિક ઉપચાર પદ્ધતિ એલોપેથીનું સર્જન-આવીષ્કારના મુળમાં ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને ઘરેલું ઉપચાર અને ઔષધના ઉપયોગમાં ભારતના પંથે સમગ્ર વિશ્ર્વ ચાલી રહ્યું છે. તેમ છતાં ભારતમાં થતી ઔષધીય વનસ્પતિ, ઘરેલું ઉપયોગની ચીજવસ્તુઓની પેટર્ન ભારતના બદલે વિદેશીના નામે નોંધાઈ છે. ભારતના લીંમડા, હળદર, આદુ, લસણથી લઈને આરોગ્ય પદ્ધતિ અને ઈજનેરી ટેકનોલોજી મુળભૂત ખેતીપ્રવૃતિના અનેક સંશોધનો ભારતની મુળ ખોજ હોવા છતાં ભારતના નામે પેટર્ન નોંધાતી નથી. પુષ્કળ કૌશલ્ય હોવા છતાં બૌદ્ધિક સંપદાના એકાધિકારના દાવામાં આશ્ર્ચર્યજનક રીતે આપણો દેશ ખુબજ પાછળ રહે છે. પેટર્ન લેવી અને તેના ઉપયોગ અંગેની જાગૃતિમાં દેશનું ઔદ્યોગીક જગત દુનિયાથી ઘણુ પાછળ ચાલી રહ્યું છે. હવે વિશ્ર્વના આર્થિક પરિમાણો સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા છે. સમૃદ્ધિની વ્યાખ્યા પણ બદલાઈ ચૂકી છે. આર્થિક મહાસત્તાની હોડના આ યુગમાં સૈન્ય શક્તિ, જમીનનો વિસ્તાર એ તેજુરીમાં ભરેલા પૈસાના બદલે દેશની શક્તિ અને સમૃધ્ધિ, બૌદ્ધિક સંપદા ગણવામાં આવે છે.

અમેરિકા, જાપાન, ચીન, બ્રિટન જેવા સમૃધ્ધ અને વિકસીત દેશોની આર્થિક સમૃધ્ધિનો આધાર બૌધ્ધિક સંપદના બની રહી છે. ભારતમાં પેટર્ન રજિસ્ટ્રેશન અને બૌદ્ધિક સંપદાનું મુલ્યાંકન કરવામાં ભારે ઉદાસીનતા સેવાઈ રહી છે. વિશ્ર્વના વિકસીત દેશોમાં ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપદાનું યોગ્ય મુલ્યાંકન કરવામાં આવે છે. કૌશલ્યવાન વ્યક્તિના વિચારની કદર કરીને તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે અલ્પવિકસીત અને વિકસીત દેશોમાં આર્થિક સમૃદ્ધિનું મુલ્યાંકન પૈસા અને ઉત્પાદકતાના પરિમાણમાં માપવામાં આવે છે. જો કે, હવે આપણા દેશમાં પણ બૌદ્ધિક સંપદાની કિંમત કરવાની વિચારધારા ઉજાગર થઈ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં પેટર્ન રજિસ્ટ્રેશનમાં ઉછાળો આવ્યો પરંતુ હજુ જોઈએ તેટલી જાગૃતિ નથી. સરકારે તાજેતરમાં જ પેટર્ન રજિસ્ટ્રેશન માટેની સીમા 80 ટકા જેટલી રાહતની જાહેરાત કરી બૌદ્ધિક સંપદાના મુલ્યાંકનનો માહોલ ઉભો કરવાના પ્રયાસો શરૂ ર્ક્યા છે. ભારતમાં જ્યારે બૌદ્ધિક સંપદાના મુલ્યાંકન માટેની ઉદાસીનતા દૂર થશે ત્યારે દેશ આપો આપ મહાસત્તા બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.