Abtak Media Google News

કોરોનાના કારણે વિશ્ર્વભરમાં આર્થિક મંદી અને અફરા-તફરીની પરિસ્થિતિમાં પણ ભારતનું અર્થતંત્ર અનેક પડકારો સામે અડીખમ ઉભુ રહ્યું છે. કોરોનાની બીજી લહેર ભલે ખતરનાક હોય પરંતુ ભારતના અર્થતંત્રને ઉની આંચ પણ નહીં આવે. 194.8 લાખ કરોડની જગ્યાએ 197.5 લાખ કરોડ જીડીપીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં જ પુરો થશે. દેશના મુખ્ય આર્થિક સલાહકારો એવું નિશ્ર્ચિતપણે માનવા લાગ્યા છે કે, ભારતીય અર્થ વ્યવસ્થા નક્કર અને પોતાની મજબૂત આર્થિક સ્થિતિ જાળવી રાખવામાં અડગ પુરવાર થશે. આ વર્ષે ખાદ્ય અનાજનું ઉત્પાદન વિક્રમજનક થશે. ચાલુ વર્ષે ચોમાસુ સારૂ રહેવાના કારણે જીડીપીનો વૃદ્ધિદરમાં જરાપણ ખાચ નહીં આવે. સરકારે ખેડૂતો પાસેથી 80 કરોડ લોકોને પેટ પુરતુ ભોજન મળી રહે તેટલા અનાજની ખરીદી કરી છે. ગયા વર્ષે જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો. હવે વૃદ્ધિ દર બેવડા આંકમાં જળવાઈ રહે છે. કોરોનાના કારણે વિશ્ર્વભરમાં છવાયેલી મંદીએ દરેક ક્ષેત્રમાં અસર ઉભી કરી છે. મોટાગજાની ગણાતી આર્થિક મહાસત્તાઓ પણ પોતાના રિઝર્વ ભંડોળ જાળવી રાખવા માટે સંઘર્ષમય સ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

કોરોનાની મહામારીએ જે સ્થિતિ ઉભી કરી છે તેનાથી આર્થિક આંચકો આવવો જોઈએ પરંતુ તેનો મતલબ એ હરગીજ કાઢવો જોઈએ નહીં કે ભારતનું અર્થતંત્ર નબળુ છે. અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ ખુબજ સારી છે. સરકાર, આરબીઆઈની દુરંદેશી નીતિના કારણે ખરાબ સ્થિતિમાં આર્થિક નુકશાનના બદલે આર્થિક પરિસ્થિતિ સંગીન ઉભી છે. એશિયાના દેશોમાં ભારતની સ્થિતિ સંગીન માનવામાં આવે છે.

પાકિસ્તાનની જ વાત કરીએ તો આવક કરતા 107 ગણુ વધુ કરજના ડુંગરમાં દબાયેલા પાકિસ્તાનની કમાણી કોઈ સંજોગોમાં દેખાય તેવી પરિસ્થિતિમાં નથી ત્યારે ભારતમાં ખાધાનની ખરીદીમાં વિક્રમજનક રોકાણ, ફોરેક્ષ રિઝર્વ ફંડમાં માતબર સ્થિતિ અને ફૂલગુલાબી અર્થતંત્રના વિશ્ર્વાસના વાતાવરણમાં વિદેશી મુડી રોકાણનો ધોધ પણ સતતપણે આવી રહ્યો છે. જો અર્થતંત્રની સ્થિતિ સારી ન હોય તો શેરબજારમાંં તેજી ક્યાંથી આવે. ભારતના શેરબજારમાં દેશના રોકાણકારોથી વધુ વિદેશના રોકાણકારોને વિશ્ર્વાસ છે.

વિદેશી મુડી રોકાણનો પ્રવાહ સતત વધતો જાય છે. એ જ દેશના મજબૂત અર્થતંત્રની બુનિયાદનો પાયો ગણાય. મજબૂત અર્થવ્યવસ્થા માટે જરૂરી તમામ પ્રયાસોમાં મોદી સરકાર સફળ રહી છે. પડકારજનક પરિસ્થિતિમાં એક તરફ મહામારી સામે જજુમવાનું હતું.

સાથે સાથે સ્થાનિક ઉદ્યોગ અને વેપાર પ્રવૃતિઓની સાંકળ પણ અકબંધ રાખવાની હતી તેવી પરિસ્થિતિમાં સરકારના નિતી વિષયક નિયમો અને વૈશ્ર્વિક ક્રુડ બજારની ઉથલ-પાથલમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં ક્રુડ તેલનો કોઈ લેવાલ ન હતો અને ભાવ તળીયે બેસી ગયા ત્યારે ભારતે ક્રુડની સાથે સાથે ડોલરની ખરીદીમાં જે ચીવટ દાખવી હતી અને ક્રુડ તેલના ભાવ ઘટાડાની તુલનામાં સ્થાનિક ધોરણે પેટ્રોલ-ડિઝલના ભાવની આયાત-ડ્યુટીમાં વધારાનું સંતુલન જાળવીને ક્રુડ તેલનો જે બફ્ર સ્ટોક અને ફોરેક્ષ રિઝર્વ ભંડોળથી લઈને ડોલરની ખરીદીમાં જે લાંબાગાળાની ગણતરીપૂર્વકનું આયોજન કર્યું તેના પરિણામે આજે ભારતની આર્થિક સ્થિતિ સંગીન માનવામાં આવે છે.

આગામી દિવસોમાં અર્થતંત્ર વધુ મજબૂત બનીને ઉભરશે તે વિશ્ર્વાસ પર જ ભારતની મુડીબજારમાં વ્યાપક પ્રમાણમાં તેજી જોવા મળે છે. ભારતનું અર્થતંત્ર વાસ્તવિક સધ્ધરતા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.