Abtak Media Google News

ઉમેદવારે પોતે પણ પોતાનો ઇતિહાસ ગુનાહિત હોવાનું રાષ્ટ્રીય મીડિયા, પ્રાદેશિક મીડિયા અને સોશિયલ મીડિયામાં કરવું પડશે જાહેર

ગુનાહિત ઉમેદવારને ટીકીટ કેમ આપી ? રાજકીય પક્ષોએ કારણ સાથે સોગંદનામું આપવું પડશે. આ ઉપરાંત ઉમેદવારે પોતે પણ પોતાનો ઇતિહાસ ગુનાહિત હોવાનું રાષ્ટ્રીય મીડિયા, પ્રાદેશિક મીડિયા અને સોશિયલ મીડિયામાં જાહેર કરવું પડશે.

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી વિશે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના ગુનાની વિગતો જાહેર કરવી પડશે. તેઓએ તેમના રેકોર્ડ મીડિયામાં પ્રકાશિત કરવા પડશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગુરુવારે જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. મુખ્ય કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે ગુજરાતમાં આ વખતે કુલ 4.9 કરોડ મતદારો મતદાનમાં ભાગ લેશે. જેમાંથી 3,24,422 નવા મતદારો છે.

ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ ઉમેદવારોએ આ અંગે લોકોને જણાવવું પડશે. આ સાથે જે રાજકીય પક્ષે આવા ઉમેદવારને ટીકીટ આપી છે તેની માહિતી પણ આપવાની રહેશે. પક્ષે તેને બીજો કોઈ તેનાથી સારો ઉમેદવાર ન મળ્યો તેવું સોગંદનામું રજૂ કરવું પડશે.

આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉમેદવારોએ તેમનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે. તેઓએ તેમના ગુનાની વિગતો એક રાષ્ટ્રીય અને એક પ્રાદેશિક મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમના ગુના વિશે ત્રણ વખત પ્રકાશિત કરવાની રહેશે.

મતદાર તરફથી મળેલી ફરિયાદ 100 મિનિટમાં ઉકેલવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે જો કોઇ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઇપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

મતદારોની જાણકારી માટે ઉમેદવાર વિશેની માહિતી સી-વિજિલ એપ પર મુકાશે

મતદારો સી- વિજીલ એપ દ્વારા પોતાના વિસ્તારના ઉમેદવારોની માહિતી પણ મેળવી શકે છ અને આ એપ પર કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકે છે. સી-વિજિલ એપ ઉંપર બેઠક વાઇઝ તમામ ઉમેદવારોની વિગતો મુકવામાં આવશે. જેથી મતદારો પોતાના મતવિસ્તારના ઉમેદવારોને ઓળખી શકે.

ભાજપ ગુજરાત સાતમી વખત જીતશે કે કોંગ્રેસનો ર7 વર્ષનો વનવાસ પુરો થશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ પણ મોટું ફેકટર સાબિત થઇ શકે છે

ગુજરાતને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવે છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો પર ભાજપ વિજેતા બને છે. આટલું જ નહી વિધાનસભાની છેલ્લી છ ચુંટણીથી ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થઇ રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર બની હતી. ત્યારબાદ 1997, 2002, 2007, 2012 અને 2017 માં ભાજપને ગુજરાતની જનતાનો આશિર્વાદ મળ્યો હતો. આ વખતે રાજયમાં સત્તા પરિવર્તન ના કોઇ આસાર હાલ વર્તાતા નથી. છતાં મતદારોના મનમાં એક વાત ચાલી રહી છે કે શુ ગુજરાતમાં સાતમી વખત ભાજપ પૂણ બહુમત સાથે સત્તારૂઢ થશે કે કોંગ્રેસમાં ર7 વર્ષનો વનવાસ પૂર્ણ થશે? આમ આદમી પાર્ટી પણ મોટું ફેકટર બની શકે છે.

મોરબી દુર્ઘટના ભાજપ માટે વાતાવરણ બગાડી શકે છે!

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. જેના કારણે ભાજપ ડબલ ફિઝરમાં સમેટાય ગયું હતું. 99 બેઠકો પર જીત મળતા ભાજપ 8 બેઠકોની પાતળી બહુમતી સાથે ફરી સત્તારૂઢ થયું હતું. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ માટે 2017ની સરખામણીએ માહોલ ખૂબ જ સારો હતો. પરંતુ મોરબીમાં ગત રવિવારે ઝૂલતો પૂલ તૂટવાની ઘટનામાં 136 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. માનવ સર્જીત આ ઘટના બાદ ભાજપ માટે વાતાવરણ થોડુ બગડ્યું છે. મોરબી દુર્ઘટનાની અસર સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર પડી શકે છે. તેવી અંદરખાને દહેશત ભાજપને પણ સતાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.