Abtak Media Google News

બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે થશે મતદાન: રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો માહોલ: 38 દિવસમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થશે પૂર્ણ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. 1 ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત રાજ્યની કુલ 89 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન થશે. તમામ 182 બેઠકો માટે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચારની રોકડી કરવા માટે માત્ર 12 દિવસ જ મળશે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે ક્રિમિનલ વ્યક્તિને ચૂંટણીની ટિકિટ આપનાર રાજકીય પક્ષોએ મતદારો સમક્ષ તેની ઓળખ કરાવી પડશે અને આથી સારો ઉમેદવારો અમારી પાસે નથી તેવું પણ જાહેર કરવાનું રહેશે. ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ રેકોર્ડ અંગે સ્થાનિક અખબારોમાં ત્રણ વખત જાહેરાત આપવી પડશે.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનું તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ સાથે રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત 89 બેઠકો માટે 1લી ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. જેમાં કચ્છની અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક, સુરેન્દ્રનગરની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક, મોરબી જિલ્લાની મોરબી, ટંકારા, વાંકાનેર બેઠક, રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા બેઠક, જામનગર જિલ્લાની કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર વિધાનસભા બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બેઠક, પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક, જૂનાગઢ જિલ્લાની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ બેઠક, ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠક, અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, અને રાજુલા બેઠક, ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ર્ચિમ બેઠક, બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ વિધાનસભા બેઠક માટે મતદાન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાની બે બેઠકો, ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો, સુરત જિલ્લાની 16 બેઠકો, તાપી જિલ્લાની બે બેઠકો, ડાંગ જિલ્લાની એક બેઠક, નવસારી જિલ્લાની ચાર બેઠક, વલસાડ જિલ્લાની પાંચ બેઠકો એમ દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે પણ મતદાન યોજાશે.

જ્યારે બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન થશે. જેમાં બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક, પાટણ જિલ્લાની ચાર બેઠક, મહેસાણા જિલ્લાની સાત બેઠક, સાવરકાંઠા જિલ્લાની ચાર બેઠક, અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો, ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો, અમદાવાદ જિલ્લાની 21 બેઠકો, આણંદ જિલ્લાની સાત બેઠકો, ખેડા જિલ્લાની 6 બેઠકો, મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો, પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ સહિત કુલ 93 બેઠકો માટે મતદાન થશે. તમામ 182 બેઠકો માટે 8 ડિસેમ્બરે એકસાથે મતગણતરી હાથ ધરવામાં આવશે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માત્ર 38 દિવસમાં પૂર્ણ થઇ જશે. આગામી 10 ડિસેમ્બરે ચૂંટણીની આચાર સંહિતા ઉઠી જશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ આગામી શનિવારથી થઇ જશે. 14 નવેમ્બર ફોર્મ ભરવાની અંતિમ અવધિ નક્કી કરવામાં આવી છે. 15મી નવેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણપંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો હોય છે. આમ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવાર અને રાજકીય પક્ષોને પ્રચાર માટે માત્ર 12 દિવસનો સમયગાળો મળશે.

જેમાં તેઓએ મતદારોને આકર્ષવા માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. જે રિતે પ્રચાર માટે ટૂંકો સમય આપવામાં આવ્યો છે તે જોતા એવું લાગતું નથી કે ભાજપ કે કોંગ્રેસ પોતાના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નવા ઉમેદવારોને મેદાન ઉતારવાનું જોખમ લેશે નહિં. બીજી તરફ આ વખતે ચૂંટણીપંચ થોડુ આક્રમક હોય તેવું લાગી રહ્યું છે. અપરાધી વ્યક્તિઓને ટિકિટ આપશે તો તેને મતદારો વચ્ચે એવી ઘોષણા કરવી પડશે કે અમારી પાસે આથી સારો ઉમેદવાર નથી. પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જેટલા મહત્તમ દિવસો નક્કી કરવામાં આવ્યા છે તેટલા જ ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચુંટણીપંચ રાજકીય પક્ષને તાબે થયું નથી.

8 ડિસેમ્બરે પરિણામ: કમૂરતા પહેલા નવી સરકાર બેસી જશે

ચૂંટણીની તારીખોનું એલાન થતાની સાથે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં ઇલેક્શન મોડમાં

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજાશે તેવી ઘોષણા કરવામાં આવી છે. આજથી જ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. 1લી ડિસેમ્બરે 89 બેઠકો માટે અને પાંચ ડિસેમ્બરે 93 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તમામ 182 બેઠકો માટે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં ચૂંટણીનું પરિણામ આવી જશે. 14 ડિસેમ્બરથી એક મહિનો કમૂરતા હોય જેમાં સારા કાર્યો થઇ શકતા નથી. આવામાં રાજ્યમાં કમૂરતા પહેલા નવી સરકાર સત્તારૂઢ થઇ જશે. કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી ઉમેદવારોની પસંદગી માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે આજથી ત્રણ દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ કરવામાં આવી છે. જેમાં ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

એક-એક બેઠકો માટે ટકોરા મારીને ઉમેદવારોની પસંદગી માટે રસ લઇ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી શનિવારથી શરૂ થઇ જશે. જ્યારે બીજા તબક્કા માટે 10મી થી ફોર્મ ભરવાનું શરૂ થશે. ચૂંટણી પ્રક્રિયા 10મી ડિસેમ્બરે પૂર્ણ થઇ જશે. 8 ડિસેમ્બરે બપોર સુધીમાં પરિણામ આવી જશે. દરમિયાન 14મી ડિસેમ્બરે કમૂરતા શરૂ થાય તે પહેલા જ નવી સરકાર કાર્યરત થઇ જાય તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. જે રિતે ચૂંટણપંચ દ્વારા પ્રચાર અને મતદાન માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોઇપણ રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગીમાં અતિભાર પણ જોખમ ઉઠાવશે નહિં. મોટાભાગના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે.

પ્રથમ તબક્કાના મતદાન માટે શનિવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

બીજા તબક્કાના મતદાન માટે 10મીએ પ્રસિદ્વ થશે જાહેરનામું

ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજાશે. તેવી ઘોષણા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ આગામી શનિવારથી થઇ જશે. પાંચ નવેમ્બરે નોટિફિકેશન પ્રસિદ્વ થશે. 14 નવેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 15મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 17 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ નિર્ધારિત કરાયો છે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ રાજ્યની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેનું નોટિફિકેશન 10 નવેમ્બરે પ્રસિદ્વ થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 17 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે. 18 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 21 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. બંને તબક્કાના મતદાન અને ફોર્મ પરત ખેંચવા વચ્ચે 14 દિવસનો સમયગાળો રહેશે. જેમાં અંતિમ બે દિવસને બાદ કરવામાં આવે તો પ્રચાર માટે માત્ર 12 દિવસ જ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.