Abtak Media Google News

કોરોના મહામારી દરમિયાન લોકોની રોજગારી બચાવવાના ટ્રમ્પના પગલા સફળ રહ્યાં પરંતુ ડેમોક્રેટીક પક્ષ દ્વારા આક્ષેપબાજી

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વની ઈકોનોમીને અસર થઈ છે. કરોડોની સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે. જો કે, અમેરિકામાં ટ્રમ્પે લોકડાઉન લાદવાના સ્થાને રોજગારી માટેના પગલા લેતા ૫.૧ કરોડ નોકરીઓને બચાવી લીધી છે. અમેરિકામાં લોકો આર્થિક વૃદ્ધિને વધુ પ્રાધાન્ય આપે છે. જ્ઞાતિ-જાતિ નહીં પરંતુ આર્થિક રીતે મજબૂત નેતાને વધુ પસંદ કરે છે. ધાર્મિક લાગણીઓના સ્થાને વિકાસવાદને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિશ્ર્વના અનેક દેશોએ કોરોના મહામારીને રોકવા લોકડાઉન લાદયું હતું. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જુદો નિર્ણય લીધો હતો. જો લોકડાઉન લાદી દેવામાં આવે તો લાખો પરિવાર ખેદાન-મેદાન થઈ જાય તેવી ભીતિ હતી. જેથી ટ્રમ્પે લોકડાઉન લાદયા વગર સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરાવી અર્થતંત્રને ધબકતું રાખ્યું હતું.

અમેરિકાનો સમાજ અન્ય તમામ દેશો કરતા અલગ છે. અમેરિકામાં મોટાભાગના લોકો બહારથી આવીને આર્થિક ઉન્નતિ માટે વસેલા છે. જેથી તેમનો સૌથી મોટો પ્રશ્ર્ન નાણાનો હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે લોકોનો આર્થિક પ્રશ્ર્ન વધુ જટીલ ન બને તે માટે પગલા લીધા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક છે ત્યારે ડેમોક્રેટીક પક્ષના નેતા કમલા હેરીસે લોકડાઉન ન લાદવાના ટ્રમ્પના નિર્ણયને વખોડ્યો હતો. ટ્રમ્પના કારણે અનેક લોકોના મોત નિપજયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, જો તેમણે લોકડાઉન લાદી દીધુ હોત તો અત્યારની ચૂંટણીનો સમય મળ્યો ન હોત. ઉપરાંત અનેક લોકોની રોજગારી છીનવાઈ જાય તેવી સ્થિતિ હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે, મેં આપેલા રાહત પેકેજના કારણે અમેરિકામાં ૫.૧ કરોડ લોકોની નોકરી બચી ગઈ છે અને ડેમોક્રેટ પક્ષને આ વાત મંજૂર નથી. લોકોની નોકરી બચી જવાથી ચૂંટણી સમયે ડેમોક્રેટે ઘડેલી રણનીતિ વિખરાઈ ગઈ છે. પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ લોકોને ૬૬૦ બીલીયન ડોલરનું ફંડ આપવામાં આવ્યું હતું. જેના કારણે અર્થતંત્ર ડુબતુ બચ્યું હતું. જો કે, ડેમોક્રેટીક પક્ષના બિડન અને કમલા હેરીસ આ વાતને માનવા તૈયાર નથી. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્રને બચાવવા પગલાને લઈને ડિબેટ કરવાની ઘોષણા કરી હતી. તેમણે કમલા હેરીસને ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્રને બચાવવા લીધેલા પગલાને કારણે અનેક લોકો આર્થિક કટોકટીમાં ધકેલાતા બચ્યા છે.  કોરોના મહામારીનો પ્રભાવ અમેરિકાની ચૂંટણી પર મહદઅંશે દેખાઈ રહ્યો છે. આખી ચૂંટણીના મુદ્દા કોરોનાથી થયેલી અસરોની આસપાસ રહ્યાં છે.

મહામારી દરમિયાન ટ્રમ્પે ૫.૧ કરોડ નોકરીઓ બચાવી

મહામારીને રોકવા લોકડાઉન લાદવાના સ્થાને અર્થતંત્ર ધબકતું રહે તેવા પગલા ડોનાલ્ડ ટ્રમ્પે લીધા હતા. જેના પરિણામે અમેરિકાના અર્થતંત્રને અન્ય દેશો કરતા ઓછી અસર થઈ છે. ઉપરાંત મહામારી દરમિયાન ૫.૧ કરોડ લોકોની નોકરી બચાવી શકાય હોવાનું પણ ટ્રમ્પનું કહેવું છે. ટ્રમ્પે જાહેર કરેલા બેલઆઉટ પેકેજના કારણે ઉદ્યોગ ધંધામાં પણ રાહત પહોંચી છે. લોકડાઉન ન લદાયું હોવાથી અમેરિકાની ચૂંટણી નવેમ્બરમાં કરવામાં પણ સરળતા રહી હોવાનું ટ્રમ્પનું કહેવું છે.

ડેમોક્રેટીક કમલા હેરીસ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની સામ સામ દલીલબાજી

રોજગારી બચાવવા ટ્રમ્પે લીધેલા પગલાના કારણે ૫.૧ કરોડ લોકોની નોકરી બચી હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે કમલા હેરીસ સાથે તેઓ આ બાબતે દલીલ કરવા જઈ રહ્યાં છે. બન્ને રાજનેતાઓ વચ્ચે લોકડાઉનની અસરો અંગે ચર્ચા થશે. કમલા હેરીસનું કહેવું છે કે, કોરોના મહામારીને રોકવા લોકડાઉન રાખવાની જરૂર હતી.  જો કે, અમેરિકામાં લોકડાઉન અને રોજગારી બન્નેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની મજબૂરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે લાખો-કરોડો લોકોની રોજગારીનો પ્રશ્ર્ન ઉકેલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.