Abtak Media Google News

“મોદી યુગ” અમેરિકામાં ડેમોક્રેટની જગ્યાએ રિપબ્લિકનનો દબદબો શા માટે વધારશે?

ડેમોક્રેટના વાઈસ પ્રેસિડેન્ટના ઉમેદવાર કમલા હેરીસ ભારત માટે શા માટે જોખમી?

ભારતીય હોવાનો દાવો કરતી અમેરિકન સેનેટરને મળવામાં વિદેશ મંત્રાલય શા માટે વિમુખ?

આગામી ત્રણ નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. જેના પર સમગ્ર વિશ્ર્વની નજર છે. ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, ચીન, રશિયા કે બ્રિટન સહિતના દેશોને અમેરિકાની ચૂંટણીમાં વધુ રસ હોય પરંતુ આ વખતે ભારતના હિતની વાત છે. જેથી અમેરિકામાં વસતા ભારતીયો અને ભારતમાં વસતા ભારતીયો માટે આ ચૂંટણી મહત્વનું પાસુ છે.

અમેરિકામાં ૧૮ લાખ મુળ ભારતીય મતદારો છે. મીશીગન, પેન્સીલવેનીયા અને ફલોરીડા સહિતના ૬ રાજ્યોમાં આ મતદારોની પકડ મજબૂત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત વર્ષે મુળ ભારતીયોનો સપોર્ટ મળ્યો હતો. અલબત ચાલુ વર્ષે તો આ સપોર્ટ ગત વર્ષ કરતા પણ વધુ છે. જેની પાછળ મોદી યુગનો ઉદય જવાબદાર છે. કોંગ્રેસ શાસન સમયે અમેરિકામાં વસતા ભારતીયો ડેમોક્રેટ તરફ વળેલા હતા. ડેમોક્રેટ પક્ષની વિચારધારા નહેરૂના વિચારને સારા ઠેરવે છે જ્યારે રિપબ્લિકન પક્ષ મોદીની વિચારધારા તરફ સકારાત્મક છે. જેથી ચાલુ વર્ષે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતે વિશ્ર્વભરને બતાવેલી તાકાતનો પરચો અમેરિકાની ચૂંટણીમાં પણ જોવા મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા પર આવે તે ભારતના હિતમાં છે. સામાપક્ષે જોય બીડન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અલબત જોય બીડનના સાથી અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરીસની વિચારધારાથી ભારતને ખતરો છે. કમલા હેરીસ મોદી સરકારે લીધેલા કાશ્મીર-૩૭૦ કલમ, સીએએ સહિતના મુદ્દે વિરોધ કરતા આવ્યા છે. પોતે ભારતીય હોવાનો ડોળ કરતા હેરીસની વિચારધારા ભારત વિરુદ્ધની છે. અધુરામાં પૂરું જેઓ ભારતનો વિરોધ કરે છે તેમના પણ પક્ષમાં કમલા હેરીસ બોલતા હોવાનું અનેક વખત ફલીત થયું છે. અમેરિકન સેનેટર પ્રેમીલા રાજપાલ જ્યારે કાશ્મીર મુદ્દે ભારતને દબાવવા માંગતા હતા ત્યારે પણ કમલા હેરીસ તેમના પડખે ઉભા રહ્યાં હતા. ભારતના વિદેશ મંત્રી જય શંકરે પ્રેમીલા રાજપાલને મળવાનો ઈન્કાર કર્યો તો પણ કમલા હેરીશના પેટમાં તેલ રેડાયું હતું. અમેરિકામાં એક એવો મત પણ પ્રવર્તે છે કે, જો ડેમોક્રેટ પક્ષના ઉમેદવારોનો વિજય થશે તો બીડન રાષ્ટ્રપતિ બનશે પરંતુ તેઓ કમલા હેરીસના કઠપુતળી બની જશે.

વર્તમાન સમયે ભારતીયોના મત મેળવવા ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષ વચ્ચે હોડ જામી છે. કમલા હેરીસ પોતે ઈડલી સહિતની ભારતીય વાનગીઓના ચાહક હોવાનો ડોળ કરે છે. પરંતુ જ્યારે ભારતના હિતની વાત આવે ત્યારે તેઓનું અલગ જ સ્વરૂપ જોવા મળે છે. કમલા હેરીસના પરદાદા જમૈકન હતા. ૧૮૪૫માં તેઓ ગુલામી પ્રથામાં માનતા હતા. અનેક જમૈકન નાગરિકોને તેમણે ગુલામ બનાવ્યા હતા. ત્યારબાદ ગુલામી પ્રથા વિરુધ્ધનો કાયદો અસ્તિત્વમાં આવતા તેઓને આ પ્રથા ત્યજવાની મજબૂરી થઈ હતી. આવી જ રીતે કમલા હેરીસ પણ ગુલામી પ્રથા જેવી જ વિચારધારા ધરાવતા હોવાના આક્ષેપ થાય છે. તેઓ અમેરિકાના કમાન્ડર એન્ડ ચીફનું પદ મેળવવા માંગે છે. સમાજવાદની વિચારધારાની આડે તેઓ કરોડો લોકોને ગુલામ બનાવવા માંગતા હોવાનો પણ આક્ષેપ થાય છે.

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે જે જેઓ ચીન અને પાકિસ્તાનના મુદ્દે ભારતની પડખે ઉભા રહ્યાં છે અને બીજી તરફ એવા ઉમેદવાર છે જેઓ ભારતના હિતની વાત નથી કરતા. જેનાથી અમેરિકામાં વસતા ભારતીયો તરફ ચોખ્ખો સંદેશ ગયો છે અને વધુમાં વધુ મતદારો ડોનાલ્ડ ટ્રમ્પને મત આપવા ઈચ્છા રાખે છે. એક સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રથમ તબક્કે ૨૯ ટકા મુળ ભારતીયો મત આપવા ઈચ્છે છે. આ ટકાવારી તબક્કાવાર વધશે તેવી અપેક્ષા છે. મોદી યુગ અમેરિકામાં ડેમોક્રેટની જગ્યાએ રિપબ્લિકનનો દબદબો વધારશે. મોદી-ટ્રમ્પ કાર્ડ આખા વિશ્ર્વ માટે અગત્યનું પાસુ બની જશે. દર વર્ષે ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામે છે. ચાલુ વર્ષે કમલા હેરીસ પ્રથમ ભારતીય અમેરિકન વાઈસ પ્રેસીડેન્ટ બનવાના અભરખા સેવી રહ્યાં છે. જો કે, તેમની માનસીકતા ભારતીય જેવી નથી, પોતે સાઉથ એશિયન તરીકે પોતાને ઓળખાવે છે. જો તેઓ સત્તા ઉપર આવે તો કાશ્મીર સહિતના ભારતની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવા લાગે, એવું પણ બને કે તેઓ પાકિસ્તાનનો પક્ષ લે અને ભારત વિરોધી ઝેર ઓકે. માટે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતની તરફેણના નિર્ણયો ખુબ જરૂરી છે. અમેરિકામાં વસતા ભારતીયો પણ આ બાબત સાથે સહમત છે.

યુદ્ધથી પણ ઓછી નહીં તેવી આર્થિક મહામારીને લઈ ભારત માટે ટ્રમ્પની હાજરી શા માટે જરૂરી?

કોરોનાના કપરા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સમીકરણો એકાએક બદલાઈ ગયા છે. કોરોના માત્ર સ્વાસ્થ્ય કક્ષાએ ભારત માટે જંગ સમાન નથી પરંતુ આર્થિક પરિપ્રેક્ષમાં પણ મોટી જંગ છે. વૈશ્ર્વિક અર્થતંત્ર ખાડે ગયું છે. ત્યારે ભારત સુપર પાવર તરીકે ઉભુ થઈ રહ્યું છે. ભારતનું અર્થતંત્ર પાવરફૂલ છે, ચીન સામે બાથ ભીડવા એકમાત્ર દેશ ભારત હોવાનું આખુ વિશ્ર્વ કબુલે છે. તાજેતરમાં થયેલા ઘટનાક્રમ પરથી એ વાત પણ ફલીત થાય છે કે, અમેરિકા ભારતની પડખે છે. ચીન અને પાકિસ્તાન સહિતના દેશો સામે લડવા અમેરિકાએ ભરપુર સહયોગ આપ્યો છે. આવા સંજોગોમાં જો ભારતને સુપર પાવર બનવું હશે તો જગત જમાદારની દોસ્તી જરૂરી છે અને વર્તમાન સમયે એ વાત નિશ્ર્ચિત છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની તરફેણમાં છે જ્યારે સામાપક્ષે બીડન અને હેરીસ સહિતના ડેમોક્રેટ સભ્યો ભારતની નીતિને વખોડતા આવ્યા છે. જેથી ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવે તે આવશ્યક છે. આર્થિક યુદ્ધમાં ભારતે ઝંપલાવતા અનેક દેશના પેટમાં તેલ રેડાયું છે. હવે લોકોને જ્ઞાતિ, જાતિ સહિતના સ્થાને આર્થિક વાતમાં રસ છે. આર્થિક મહાસત્તા બનવાની લડાઈમાં ભારતે જે આત્મનિર્ભરતા દાખવી છે તે સમગ્ર વિશ્ર્વએ વખાણી છે. આવી સંજોગોમાં જો વિશ્ર્વના સુપર પાવર દેશની ચાવી ભારત વિરોધીના હાથમાં આવી જાય તો ભારત માટે એક ખતરાની ઘંટડી સમાન છે. અમેરિકાની ચૂંટણીમાં મોદી સરકાર વધુને વધુ રસ લઈ રહી છે. ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા પર આવે તે બાબત ભૂતકાળના તમામ પાસા તપાસીને હિતાવહ જોવા મળે છે. કમલા હેરીસ અને તેમના પક્ષના અન્ય સેનેટરો કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણયોની વિરુધ્ધમાં રહ્યાં છે. જો કે અમેરિકામાં અત્યારે સતા પર રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની તરફેણમાં છે. જેથી મહામારી વચ્ચે આર્થિક ડામાડોળ સ્થિતિમાં ટ્રમ્પની હાજરી ભારત માટે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.