Abtak Media Google News

રોહિત શર્માની ૧૧૦થી વધુની સ્ટ્રાઈક રેટ: બેવડી સદી ફટકારે તો પણ નવાઈ નહીં!!

ભારત ચોથા દિવસે જ મેચ સરકાવી જાય તેવી પ્રબળ શક્યતાઓ

ટર્નિંગ પિચ ભારત માટે ફાયદારૂપ સાબિત થશે ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝનો આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર બાદ તેનો બદલો ભારત શાનદાર જીતથી લેશે ? પ્રથમ ટેસ્ટ મેચની પિચને બદલે આજથી પ્રારંભ થયેલા મેચની પિચનો મિજાજ અલગ જ છે. આજે બપોર બાદ અથવા તો આવતીકાલ સવારથી જ બોલ ટર્ન થવા લાગે તેવી પ્રબળ શકયતા છે. ભારતે આજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો સમજદારી ભર્યો નિર્ણય લીધો છે. જો કે, મેચના નવમાં બોલે જ શુભમન ગિલ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. આ સાથે જ ભારતની પ્રથમ વિકેટ ખાતું ખોલ્યા વિના જ પડી ગઈ હતી. જો કે, રોહિત શર્મા અને પૂજારાએ ઇનિંગની કમાં સંભળી સ્કોર ૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. પિચના મિજાજની જો વાત કરવામાં આવે તો રોહિત શર્માને પસંદ આવે તેવી પિચ કહી શકાય. જેના કારણે આજે રોહિત શર્મા શદી અથવા તો બેવડી સદી પણ ફટકારે તેવી શકયતા છે. ઉપરાંત પિચ ટર્નિંગ હોવાથી રિદ્ધિમાન શાહા જેવા બેટ્સમેનોને અનુકૂળ આવે તેમ હોય છતાં પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં મળતા આશ્ચર્ય થયું છે.

 પ્રથમ ઇનિંગમાં ભારત રનનો પહાડ ખડકી દેશે!!

ભારતીય ટીમ બીજા ટેસ્ટ મેચમાં રમત પાંચમા દિવસે જવા દે તેવું લાગતું જ નથી. ભારત પ્રથમ ઇનિંગમાં જ રનનો ઢગલો કરી ઇંગ્લેન્ડને પહાડ જેવો લક્ષ્યાંક આપે તેવી પુરી શક્યતાઓ છે. બીજો ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ મેચ છે. સિરીઝમાં બરકરાર રહેવા અને જીતની આશા યથાવત રાખવા માટે આ મેચ નિર્ણાયક સાબિત થશે.

 ભારતીય ટીમમાં કરાયું પરિવર્તન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. અક્ષર ભારત વતી ટેસ્ટ રમનાર ૩૦૨મો ખેલાડી છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ૧ વિકેટે ૫૦ રન કર્યા છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર ઊભા છે. શુભમન ગિલ શૂન્ય રને ઓલી સ્ટોનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

 કોરોના વચ્ચે પ્રથમવાર ૫૦% ફેન્સને સ્ટેડિયમમાં અપાયો પ્રવેશ

કોરોના વચ્ચે પહેલીવાર ૫૦% ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે. બધાની ૧૭ગેટથી એન્ટ્રી કરાશે. આ દરમિયાન બધાનો તાપમાન પણ ચેક કરાશે. તે સિવાય સ્ટેડિયમમાં મેડિકલ અને આઇસોલેશન રૂમ પણ બનાવામાં આવ્યા છે. હાલમાં જ ટિકેટ્સ વિન્ડો ખુલતાં ફેન્સની ભીડ ભેગી થઈ હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ રામાસામીએ કહ્યું કે, દર બે વ્યક્તિ વચ્ચે એક સીટ ખાલી રખાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સીસીટીવી કેમેરાથી નજર રખાશે. દર્શક સ્ટેડિયમમાં માત્ર મોબાઈલ જ લઈ જઈ શકશે. સ્ટેન્ડ્સમાં બોલ જશે તો અમ્પાયર તેને સેનિટાઇઝ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.