Abtak Media Google News

ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, કૃણાલ પંડયા રહ્યા નિષ્ફળ

બાંગ્લાદેશ સામે શરૂ થયેલી ટી-૨૦ સીરીઝમાં પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશે મજબુત એવી ભારતીય ટીમને ૭ વિકેટે પરાજય આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, વિશ્ર્વકપ પહેલા ભારતીય ટીમ ટીમને મજબુતી આપવા માટે નવતર પ્રયોગો કરી રહી છે કયાંકને કયાંક ભારતનો આ ‘અખતરો’ શું ખતરો બની જશે. જે રીતે ટીમમાં ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે અને કૃણાલ પંડયાનું ચય્યન કરી જયારે તેઓને ખેલમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે એવું લાગતું હતું કે, આ ટીમ વિપક્ષી ટીમ ઉપર ભારે પડશે પરંતુ ચિત્ર ઉધું જોવા મળ્યું હતું જયાં નવોદિત ખેલાડીઓ પર બાંગ્લાદેશની ટીમ ભારે પડી હતી અને ભારતને ધુળ ચાંટતુ કર્યું હતું. જો બાકી રહેતા ટી-૨૦ મેચોમાં જો ચય્યન કરવામાં આવેલી ટીમ તેનું યોગ્ય પ્રદર્શન નહીં કરે તો આગામી દિવસો માટે ભારતીય ટીમ પર સંકટનાં વાદળો ઉભા થશે તેમાં નવાઈ નહીં. ટી-૨૦નાં પ્રથમ મેચમાં બાંગ્લાદેશનાં મુશફિકુર રહિમની શાનદાર અણનમ અડધી સદી અને સૌમ્ય સરકારની આક્રમક બેટિંગની મદદથી બાંગ્લાદેશે રવિવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારત સામે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. બાંગ્લાદેશે ટી૨૦માં ભારત સામે પ્રથમ વખત વિજય નોંધાવ્યો છે. ભારતીય બેટ્સમેનોએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું પરંતુ તેઓ મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. જ્યારે બોલર્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પ્રવાસી બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે ઓપનર શિખર ધવનના ૪૧ રન અને શ્રેયસ ઐય્યર તથા રિશભ પંતની મહત્વની ઈનિંગ્સની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૪૮ રન નોંધાવ્યા હતા. બાંગ્લાદેશે ૧૪૯ રનના લક્ષ્યાંકને ૧૯.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. જેમાં અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમે ૪૩ બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૬૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૌમ્ય સરકારે ૩૫ બોલમા ૩૯ રન ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત થોડી નિરાશાજનક રહી હતી. સુકાની ઓપનર રોહિત શર્મા નવ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે આઠ રન નોંધાવવાની સાથે જ તે વિરાટ કોહલીને પાછળ રાખીને આંતરરાષ્ટ્રી ટી૨૦માં સૌથી વધુ રન નોંધાવનારો બેટ્સમેન બની ગયો છે. રોહિત આઉટ થયા બાદ તેના સાથી ઓપનર શિખર ધવને બાજી સંભાળી હતી. તેણે ૪૨ બોલમાં ૪૧ રન નોંધાવ્યા હતા. જ્યારે પંતે ૨૭ અને ઐય્યરે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે શફિઉલ ઈસ્લામ તથા અમિનુલ ઈસ્લામે બે-બે વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર્સ ૧૪૯ રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બાંગ્લાદેશે પણ આઠ રનના સ્કોરે લિટન દાસને આઉટ કર્યો હતો પરંતુ ત્યારબાદ ભારતીય બોલર્સ પ્રભાવહિન રહ્યા હતા. મુશફિકુર અને સોમ્ય સરકારે ભારતીય બોલર્સની ધોલાઈ કરી હતી. સોમ્ય સરકારે ૩૯ રન નોંધાવ્યા હતા તથા મોહમ્મદ નઈમે ૨૬ રનની ઈનિંગ્સ રમી હતી. ખલીલ અહેમદ અને કૃણાલ પંડ્યા સૌથી મોંઘા સાબિત થયા હતા. ખલીલે ચાર ઓવરમાં ૩૭ રન આપીને એક વિકેટ ઝડપી હતી જ્યારે કૃણાલ પંડ્યાએ ચાર ઓરમાં ૩૨ રન આપ્યા હતા અને તેને એક પણ સફળતા મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.