ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહાનગરના વર્ષોથી અણઉકેલ પ્રશ્નો ઉકેલશે?

માથાના દુ:ખાવા સમાન ટ્રાફીક સમસ્યા, રખડતા ઢોર સહિત પાયાની સુવિધાઓ જેવી સમસ્યાઓનો ઉકેલની રાહ જોતા શહેરીજનો

જામનગર મહાનગરપાલિકામાં આગલા બોર્ડ કરતા વિશેષ કહી શકાય તેવી સ્થિતિનું નિમાર્ણ કરી શકે તેવા ચુંટાયેલા નવા બોર્ડના પ્રતિનિધિઓ પ્રજાકીય સેવાના સુકાન સંભાળી લેશે. જામનગરની પ્રજા, નગરપાલિકા, સુધરાઇ અને વર્તમાન મહાનગરપાલિકા સુધીમાં અપક્ષો તેમજ નિયુકત બોર્ડ અને જનસંઘ નાગરિક સંકલન સમિતિના વર્ચસ્વવાળા બોર્ડ અનુભવી ચુકી છે. દરેકમાં રાજકીય લડાઇ તો હતી. પરંતુ તે સાથે પ્રતિભાશાળી આગેવાનો કે નેતાગીરીનો ઉદય થતો રહેતો હતો ત્યારે નવા ચુંટાયેલા કોર્પોરેટરોની મૌલિક સુઝબુઝ અને કાર્ય સમક્ષમતાનું કૌવત બહાર આવે તેવુ વાતાવરણ આવશ્યક છે.

જામનગર મહાનગરપાલિકામાં ચુંટાયેલી પાંખ વહીવટી તંત્ર કે કમિશ્ર્નર પુરતુ સીમીત રહેતુ નથી. નીતિ વિષયક નિર્ણયો અને શહેરના વિકાસનું આયોજન ઉપર વધુ લક્ષ આપવું પડે છે. ત્યાં સુધી દિર્ઘ દ્રષ્ટીવાળા આગેવાનોને લક્ષમાં લઇને ભાજપના પ્રતિક ઉપર તદ્ન નવા ચહેરા ચુંટાઇ આવે છે. કારણ કે તદ્ન નવા ચહેરાઓને તેમના મત વિસ્તારની પણ માહિતી હોતી નથી અને મોટા ભાગના મતદારો પણ નવા કોર્પોરેટરોના પરિચયમાં નથી હોતા. જયારે ભાજપના 50 કોર્પોરેટરો ચુંટાયા છે. તેમાંથી 37 કોર્પોરેટરો તદ્ન નવા છે. એટલે કે કોરી પાટી ધરાવે છે. મહાનગરપાલિકાના વહીવટી અને પ્રજાકીય પ્રશ્ર્ન વચ્ચે જે કડીરૂપ કોર્પોરેટરે જે કામ કરવાનું હોય છે. તેના માટે મહાનગરપાલિકાના કાયદાઓ ફરજો અને પ્રજાકીય સેવાઓ અંગે વિશેષ જાણકારી મળી રહે તે માટે મહાનગરપાલિકાના નવા ચુંટાયેલા કોર્પોરેટરોને માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવું જરૂરી છે. જો આ પ્રકારે માર્ગદર્શન સેમીનારામાં કોર્પોરેટરોને ફરજો અને તેને કરવાના વિકાસના કામો અને મહાનગરપાલિકાના વિવિધ શાખાઓ અંગે તેના કામો અંગે જાણકારી આપવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને કોર્પોરેટરો ઉત્સાહી હોય જેથી મતદારોના પ્રશ્ર્નો અને તેની અપેક્ષાઓને વહેલા સમજી શકે અને ઉકેલ પણ સરળતાથી લાવી શકે.

હાલમાં તો મહાનગરપાલિકામાં કોર્પોરેટરો કરતા વહીવટી તંત્ર કોર્પોરેટરોને સાચી માહિતી અને દિશા નિર્દેશન કરતા નથી અને નિર્દેશન મળે છે પરંતુ તેઓ તેની કાર્યદક્ષતા બતાવી શકતા નથી. કયાંકને કયાંક પ્રજાકીય ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્પીડબ્રેકર આવતા હોય તેને દૂર કરવામાં આવે તે જરૂરી છે. ખરેખર તો મહાનગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિના મોબાઇલ નંબર જે-તે વિસ્તારના મતદારો સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને મતદારો પોતાની કોઇ પણ લાઇટ, પાણી, ગટર, સફાઇ જેવા રોજીંદા પ્રશ્ર્નોની ફરિયાદ કરી શકે અને આવી મતદારોની ફરિયાદનો ઉકેલ પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ લાવે તે જરૂરી હોય છે. આ માટે થઇને રાજકીય પક્ષોના સંગઠ્ઠન પાંખ ચુંટાયેલા પ્રતિનિધિઓની કાર્યદક્ષતા અને કામગીરી અંગે પણ વારંવાર દેખરેખ રાખે તે જરૂરી હોય છે.અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરપાલિકાઓમાં ચુંટાયેલા કોર્પોરેટરોના વોટ્સ અપે ગ્રુપઓ તેના વોર્ડ વિસ્તારના બનાવતા હોય છે. તેમા જે-તે મતદાર તેમની સમસ્યા અને પ્રશ્ર્નો મુકી શકે છે. જેથી આવેલા પ્રશ્ર્નોનો જો ઉકેલ ન આવતો હોય તો તેની ફરિયાદ પણ ઉપર સુધી કરી શકે છે.

ખાસ કરીને જામનગરમાં ભાજપની જ પેનલો વોર્ડમાં ચુંટાતી હોય ત્યારે ચારેય કોર્પોરેટરોનું સંકલન આવશ્યક હોય છે અને સંકલન કરીને જો વિકાસના કામો હાથ ધરાઇ તો વિસ્તારના લોકોને લાભ મળે છે. સાથે સાથે વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તારમાં કામો પ્રથમ હાથ ધરાઇ તે આવશ્યક હોય છે. સાથે સાથે સિનિયર કોર્પોરેટરો દ્વારા નવા ચુંટાયેલા કોર્પોરેટરોને વિકાસના કામો માટે યોગ્ય મદદ કરે અને તેની રજૂઆતને પ્રત્યે ધ્યાને આપે તે જરૂરી હોય છે. જામનગર મહાનગરપાલિકામાં ચુંટાયેલા કોર્પોરેટરો પક્ષના ચુંટણી સમયના સકંલ્પ પત્ર મુજબ કામો હાથ ધરાઇ તે જરૂરી છે. હાલમાં શહેરમાં પીવાના પાણીની તેમજ દુર્ગંધ યુકત પીવાનું પાણી, શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાર્કિંગની સમસ્યા, ગેરકાયદેસર દબાણો, ભુર્ગભ ગટરની સમસ્યા નગરસીમ વિસ્તારમાં સફાઇનો અભાવ તેમજ જયાં પીવાના પાણીની પાઇપલાઇન નથી. તેવી અનેક સમસ્યા હાલ ઉભી છે. આવી તમામ સમસ્યાઓનો ઉકેલ મહાનગરપાલિકાના ચુંટાયેલા કોર્પોરેટરો પ્રજાની અપેક્ષાઓ ઝડપભેર સંતોષે તે પ્રકારની કાર્યદક્ષતા બતાવે તેવો આશાવાદ જામનગરના મતદારો રાખી રહ્યા છે.